રીબડા ઈન્ડસ્ટ્રીયલમાં ઓમ પેકેજીંગમાં ભીષણ આગ: કલાકો સુધી જ્વાળાઓ કાબૂ બહાર
રાત્રે 3 વાગ્યે ભભૂકેલી આગ બુઝાવવા 30થી વધુ ફાયર કર્મચારીઓ મેદાને; ઝેરી ધુમાડાને કારણે ઓક્સિજન કિટ સાથે કામગીરી
અગ્ર ગુજરાત, રાજકોટ
ગોંડલ તાલુકાના રીબડા ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલી ઓમ પેકેજીંગ કંપનીમાં વહેલી સવારે ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. રાત્રિના લગભગ ત્રણ વાગ્યાના સમયે ભભૂકેલી આગે ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ફાયર બ્રિગેડ માટે મોટી પડકારજનક પરિસ્થિતિ ઉભી થઈ હતી.
આગ લાગ્યાની જાણ થતાં જ રાજકોટ ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. આગની ગંભીરતા ધ્યાનમાં રાખીને શાપર-વેરાવળ અને ગોંડલથી પણ વધારાની ફાયર ટીમોને બોલાવવામાં આવી હતી. ઘટનાસ્થળે 30થી વધુ ફાયર કર્મચારીઓ સતત આગ પર કાબૂ મેળવવા પ્રયત્ન કરી રહ્યા છે.
માહિતી મુજબ, પેકેજીંગનું કારખાનું હોવાને કારણે અંદર મોટા પ્રમાણમાં પૂઠા, પ્લાસ્ટિક અને અન્ય જ્વલનશીલ સામગ્રીનો જથ્થો સંગ્રહિત હતો. જેના કારણે આગે ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને થોડી જ વારમાં સમગ્ર યુનિટને ઝપેટમાં લઈ લીધો હતો.
ફાયર બ્રિગેડ દ્વારા પાણીનો મારો સતત ચાલુ રાખવામાં આવ્યો છે. છતાં આગ લાગ્યા બાદ છ કલાકથી વધુ સમય પસાર થઈ ગયો હોવા છતાં સવારે સુધી આગ સંપૂર્ણપણે કાબૂમાં આવી શકી નહોતી.
આગ દરમિયાન સળગતા પૂઠામાંથી નીકળતા ઘાટા અને ઝેરી ધુમાડાના કારણે આસપાસના વિસ્તારમાં શ્વાસ લેવામાં તકલીફ ઊભી થઈ હતી. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ફાયર ફાઇટરો ઓક્સિજન કિટ સાથે આગ બુઝાવવાની કામગીરી કરી રહ્યા છે.
સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ કંપનીને ભારે આર્થિક નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પ્રાથમિક અંદાજ મુજબ લાખોથી લઈ કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાનું મનાઈ રહ્યું છે.
આગ લાગવાના ચોક્કસ કારણ અંગે હજી સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી. ગોંડલ પોલીસ તેમજ સંબંધિત વિભાગ દ્વારા ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે.


