સમીના સિંગોતરીયા ગામમાં એરંડાના પાન ખાતા 3પ ઘેટા-બકરાના મોત
૫૦થી વધારે પશુઓની ગંભીર હાલત
અગ્ર ગુજરાત, બનાસકાંઠા
સમી તાલુકાના સિંગોતરીયા ગામના સીમ વિસ્તારમાં એરંડાના ખેતરમાં ચરવા ગયેલા રબારી સમાજના પશુપાલકના 35 જેટલા ઘેટા-બકરાના એકસાથે મોત થયા હતા.
સમી તાલુકાના સિંગોતરીયા ગામના ઠાકોર મહાદેવભાઇ ચુડાભાઇના ખેતરમાંથી એરંડાનો પાક લઈ લીધા બાદ, તેમણે માલધારી અમરાભાઇ રૂગનાથભાઈને પરવાનગી આપી હતી. બુધવારે સવારે અમરાભાઇ અંદાજે 250 જેટલા ઘેટા-બકરા લઈ ચરાવવા માટે ગયા હતા.
ખેતરમાં એરંડાના કુણા પાન ફૂટેલા હોય, ઘેટાઓએ વધુ પ્રમાણમાં આ પાન ખાઈ લેતા તેમની તબિયત લથડી હતી.
50થી વધુ પશુઓ બીમાર ઘટનામાં 35 ઘેટા-બકરાના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય 50થી વધુ પશુઓ ગંભીર રીતે બીમાર હાલતમાં જોવા મળ્યા હતા.
અચાનક પશુઓના મોતથી હડકંપ મચી ગયો હતો. તાત્કાલિક સ્થાનિક પશુ ડોક્ટરને જાણ કરવામાં આવતા તેઓએ સ્થળ પર પહોંચી અન્ય બીમાર પશુઓની પ્રાથમિક સારવાર શરૂ કરી હતી. ઘટનાની ગંભીરતાને જોતા ગામના તલાટી સહિતના સરકારી અધિકારીઓ અને ગામના આગેવાનોએ સ્થળની મુલાકાત લીધી હતી.


