સાંઢીયાપુલનું આપે લોકાપર્ણ કર્યુ, તંત્રએ બેરિકેટ-ધૂળના ઢગલા કર્યા
ઓવરબ્રીજની કામગીરી પૂર્ણ થઇ હોવા છતાં તાયફાઓ માટે ખુલ્લો મૂકવામાં નહી આવતો હોવાનો આક્ષેપ : ગદા અને હનુમાનજીના નારા સાથે આપે લોકાર્પણ કર્યુ : ૧૫ કાર્યકરોની અટકાયત કરાઇ
અગ્ર ગુજરાત, રાજકોટ
જામનગર રોડ પર નિર્માણધીન સાંઢીયાપુલ તૈયાર થઇ ગયો હોવા છતાં પણ લોકાર્પણ કરવામાં આવતુ નહી હોવાના આક્ષેપ સાથે આમ આદમી પાર્ટી દ્વારા ગદા સાથે જય હનુમાનજીના નાદ સાથે પ્રતિકાત્મક લોકાર્પણ કરી વાહનો ચાલકો માટે ખૂલ્લો મૂકી દેવામાં આવ્યો હતો. આપ દ્વારા પ્રતિકાત્મક લોકાર્પણ કરતા તંત્ર દ્વારા ફરીથી પુલના છેડે બેરીકેટ મૂકી દેવામાં આવ્યો હતો અને ધૂળના ઢગલા કરી નાખ્યા હતા.
ઘણાં સમયથી બનીને તૈયાર રાજકોટ-જામનગર રોડ પર આવેલા સાંઢીયા પુલને લોકો માટે હજુ સુધી ખુલ્લો મૂકવામાં ન આવતા આમ આદમી પાર્ટીએ વિરોધ નોંધાવી પ્રતીકાત્મક રીતે પુલનું લોકાર્પણ કર્યું હતું. રાજકોટના સાંઢિયા પુલ પર ‘આપ’ નું આંદોલન સમેટાયું હતું અને બ્રિજ ખુલ્લો મૂકવાની ચીમકી આપવા પહોંચેલા આમ આદમી પાર્ટીના અંદાજે 15 જેટલા કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓ પુલનું લોકાર્પણ કરવા માટે પહોંચ્યા હતા, પરંતુ પોલીસે તમામ કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.
આમ આદમી પાર્ટીના આગેવાનોનું કહેવું હતું કે ઘણા સમય પહેલાં પુલનું કામ પૂર્ણ થઈ ગયું હોવા છતાં ભાજપના ભ્રષ્ટ શાસનમાં હજુ સુધી લોકોને ઉપયોગ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો નથી. એક તરફ ભાજપના નેતાઓ પેટ્રોલ અને ડીઝલ બચાવવાની વાતો કરે છે, જ્યારે બીજી તરફ પુલનું ઉદ્ઘાટન ટલ્લે ચઢાવી લોકોને લાંબા ફેરા ખાવા મજબૂર કરવામાં આવી રહ્યા છે, જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ભાજપ તાયફામાં વ્યસ્ત, પ્રજા પરેશાન : દિનેશ જોશી
આમ આદમી પાર્ટી રાજકોટ શહેર પ્રમુખ દિનેશ જોશીએ જણાવ્યું હતું કે લોકોના પૈસે બનેલો આ પુલ હવે તરત જ લોકો માટે ખુલ્લો મૂકવો જોઈએ. તેમણે જણાવ્યું હતું કે તાયફા કરવામાં વ્યસ્ત ભાજપના શાસકોને સમય ન મળતા સામાન્ય જનતાને હેરાનગતિ ભોગવવી પડી રહી છે. આમ આદમી પાર્ટીએ પ્રતીકાત્મક રીતે સાંઢીયા પુલનું લોકાર્પણ કરતાં વાહનચાલકોમાં પણ હાશકારો જોવા મળ્યો હતો. AAP ના આગેવાનોનું કહેવું હતું કે સરકારની બેદરકારી અને વિલંબના કારણે લોકોનો સમય, પેટ્રોલ અને પૈસા બન્નેનો બગાડ થઈ રહ્યો છે. વિરોધ દરમિયાન પોલીસ દ્વારા આમ આદમી પાર્ટીના તમામ આગેવાનો અને કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી.


