સપ્ત સંગીતના મંચ પર સરોજીની નાયડુ હાઇસ્કૂલની બાળાઓ દ્વારા કથ્થક નૃત્યની રજૂઆત
પં.રિતેશ અને પં.રજનીશ મિશ્રા સાથે વિદ્યાર્થીઓની મુલાકાત ગોઠવાઇ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સંચાલિત શ્રીમતી સરોજીની નાયડુ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે નિઓરાજકોટ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત નિ :શુલ્ક સંગીત વર્ગો હેઠળ કથ્થકની તાલીમ લઈ રહેલ વિદ્યાર્થીનીઓ દ્વારા સપ્ત સંગીતિ ૨૦૨૬ માં “જય જય જગ જનની દેવી” સ્તુતિ પર કથ્થક નૃત્ય ની રજૂઆત કરવામાં આવી હતી. આ તમામ બાળાઓને સપ્ત સંગીતિ પરિવાર દ્વારા શુભેચ્છા પુરસ્કાર આપીને પ્રોત્સાહિત કરવામાં આવી હતી. અત્રે એ ઉલ્લેખનીય છે કે નિઓરાજકોટ ફાઉન્ડેશન દ્વારા રાજકોટ મહાનગરપાલીકાની સ્કૂલોના ૫૦૦ થી વધુ બાળકોને શાસ્ત્રીય સંગીત, નૃત્ય અને વાદ્યોની તાલીમ નિ:શુલ્ક સંસ્થાના નિષ્ણાત શિક્ષકો દ્વારા તેમની શાળામાં જઈને આપવામાં આવી રહી છે.
અત્રે ઉલેખનિય છે કે નિઓરાજકોટ ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે રાજકોટના આંગણે પધારેલા કલા ગુરુઓ સમક્ષ યુવા સાધકો માટે સ્ટુડન્ટ મીટ અપ સેશન ગોઠવવામાં આવે છે. તેના ભાગરુપે કાર્યક્રમની પૂર્વ સંધ્યા એ પંડિત રિતેશ અને પંડિત રજનીશ મિશ્રા સાથે રાજકોટના સંગીતના વિદ્યાર્થીઓ સાથે મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મુલાકાત દરમિયાન તેમણે ૪૦૦ વર્ષ જૂની ધરોહરના કેટલાક રસપદ અને પ્રેરણાત્મક કિસ્સાઓ વિદ્યાર્થીઓ સમક્ષ રજુ કરી તેમને પ્રેરિત કર્યા હતા.
સપ્તસંગીતિના આઠ વર્ષના સંગીતમય ઇતિહાસમાં દેશના અનેક ખ્યાતનામ અને ગુણવાન કલાકારોએ પોતાની કલાથી મંચને ગૌરવભર્યો બનાવ્યો છે. વર્ષ ૨૦૧૯માં બનારસ ઘરાનાના ગાયક સ્વ. પંડિત રાજન મિશ્રાજીની ઉપસ્થિતિએ સપ્તસંગીતિના મંચને વિશેષ આદર અને સ્મરણિયતા આપી હતી. તેમના અવસાન બાદ રાજકોટના આંગણે તેમના પુત્રો પં. રિતેશ મિશ્રા અને પં. રજનીશ મિશ્રાએ સપ્તસંગીતિ ૨૦૨૬ના ચોથા દિવસે મંચ પર તેમના પિતાશ્રીના કલાવારસાને આગળ વધારતી પ્રસ્તુતિ કરી હતી. પરંપરાથી પ્રાપ્ત થયેલી શાસ્ત્રીય સમજ, સ્વરશુદ્ધિ અને ભાવસભર અભિવ્યક્તિ તેમના ગાયનમાં સહજ રીતે ઝળહળી ઉઠી હતી.
સભાના પ્રથમ સત્રમાં તાલ ત્રિવેણી પર્ક્યુશન ગ્રુપની પ્રસ્તુતીથી સંગીતસભા રીધમ, લય અને ઉર્જાની અદ્વિતીય સંગમરૂપ બની ઊભરી આવી.તેઓએ ભારતીય ત્રણ તાલવાદ્ય ના સુભગ સમન્વય કરી તીનતાલમાં વિવિધ બંદિશો રજૂ કરી. તેમના ગુરુ પં. બાલકૃષ્ણ મહંતજી કે જેમણે આ ગ્રુપને ત્રિવેણી નામ આપ્યું હતું, જેનું એક દિવસ પહેલાં જ નિધન થયું હતું તેમને પ્રસ્તુતિ સમર્પિત કરી હતી. મુખ્ય કલાકાર માધવ પુરોહિતના તબલાવાદને સમગ્ર પ્રસ્તુતીને શાસ્ત્રીય મર્યાદા અને સૌંદર્યની મજબૂત ધરા પૂરી પાડી. તેમના બોલોની સ્પષ્ટતા અને લયકારીની ચપળતાએ શ્રોતાઓને તાલના સૂક્ષ્મ ભાવમાં લીન કરી દીધા હતા.
કાર્યક્રમના બીજા પડાવની શરુઆત પં. રિતેશ અને પં. રજનીશ મિશ્રાની જોડીએ રાગ નાયકી કાનડામાં વિલંબત એક તાલમાં લયબધ્ધ કરેલી બંદીશ બનરા મોરા પ્યારા રજૂ કરી. દ્રુતલય તીનતાલ અધ્ધા ઠેકા માં પ્રાચીન ઘરાનાની બનારસની રચના પખેરુવા રે એ માઈ જંગલ અને ત્યારબાદ દ્રુત લય તીન તાલ માં સજન બિન ભઈ નિરાશ હું બંદિશ રજૂ કરી હતી.


