સાસણના ૫૦ ચિત્તલ સુરતના માંડવીના જંગલમાં લવાયા
માનવ સાથેના સંઘર્ષ અને શહેર તરફ વળેલા દિપડાઓને રોકવા સરકાર એક્શનમાં
અગ્ર ગુજરાત, સુરત
દક્ષિણ ગુજરાતના સુરત જિલ્લામાં આવેલા માંડવીના જંગલો અને તેની આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી દીપડાના હુમલા અને માનવ-પશુ સંઘર્ષની ઘટનાઓમાં ચિંતાજનક વધારો નોંધાયો હતો. દીપડાઓ પોતાના પાલતુ પશુઓ જેવા કે ગાય, ભેંસ, બકરી અને ક્યારેક માનવીઓ પર હુમલા કરતા હોવાના કારણે સ્થાનિક લોકોમાં ભારે ફફડાટ વ્યાપેલો હતો. વન વિભાગની ટેકનિકલ ટીમના વિશ્લેષણમાં બહાર આવ્યું હતું કે, જંગલ વિસ્તારમાં તૃણાહારી પ્રાણીઓની સંખ્યા ઘટવાના કારણે દીપડાઓને પૂરતો ‘પ્રે બેઝ’ (કુદરતી શિકાર) મળતો નથી, જેના લીધે તેઓ મજબૂરીમાં જંગલની સરહદો ઓળંગીને માનવ વસ્તી તરફ આવી રહ્યા છે.
આ ગંભીર સમસ્યાના કાયમી અને કુદરતી ઉકેલ માટે વન વિભાગ દ્વારા સાસણ ગીરથી 50 જેટલા તંદુરસ્ત ચિત્તલને ખાસ વાહનો મારફતે સુરક્ષિત રીતે માંડવી લાવવામાં આવ્યા છે. આ તમામ ચિત્તલોને માંડવીના ગાઢ જંગલ વિસ્તારની અંદર મુક્ત કરી દેવામાં આવ્યા છે. ગીરના આ સ્પોટેડ ડિયર જંગલમાં વંશવૃદ્ધિ કરશે, જેથી આગામી સમયમાં દીપડાઓને જંગલની અંદર જ તેમનો કુદરતી ખોરાક સરળતાથી મળી રહેશે. આનાથી દીપડાઓની ભૂખ જંગલમાં જ સંતોષાશે અને તેઓ ગામડાઓ તરફ સ્થળાંતર કરવાનું બંધ કરશે, જેથી માનવ-વન્યજીવ સંઘર્ષ પર આપોઆપ બ્રેક વાગી જશે.
ટેકનોલોજી અને સર્વાઇવલ મેનેજમેન્ટ: સાસણ ગીરથી લાવવામાં આવેલા આ હરણો નવા વાતાવરણમાં સરળતાથી અનુકૂલન સાધી શકે અને શિકારી પ્રાણીઓથી બચીને પોતાની વસ્તી વધારી શકે તે માટે વન વિભાગે ખાસ આયોજન કર્યું છે. જંગલના જુદા-જુદા ઝોનમાં હરણો માટે પીવાના શુદ્ધ પાણીના ૧૦ જેટલા સોર્સ ઊભા કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, આ હરણો જંગલમાં કઈ તરફ હિલચાલ કરી રહ્યા છે, તેમનું સ્વાસ્થ્ય કેવું છે અને દીપડાઓ દ્વારા તેમનો શિકાર કેવી રીતે થઈ રહ્યો છે, તે તમામ ગતિવિધિઓ પર ચોવીસે કલાક વોચ રાખવા માટે જંગલના વ્યૂહાત્મક સ્થળો પર ગુપ્ત ‘કેમેરા ટ્રેપ’ ગોઠવવામાં આવ્યા છે. વાઇલ્ડલાઇફ બાયોલોજિસ્ટ્સની ટીમ આ કેમેરાના ડેટાના આધારે પ્રોજેક્ટના આગામી તબક્કાનું આયોજન કરશે.


