સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની હેન્ડબોલ ટીમ ઓલ ઇન્ડિયા ક્વાર્ટર ફાઇનલમાં અને ખેલો ઇન્ડિયા માટે ક્વોલિફાય
પ્રથમ વખત ટીમ પહોંચતા ખેલાડીઓમાં અનેરો ઉત્સાહ
અગ્ર ગુજરાત, રાજકોટ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની હેન્ડબોલ ભાઈઓની ટીમે ગુજરાતના રમતગમતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાય તેવી ઐતિહાસિક ડબલ સિદ્ધિ નોંધાવી છે. ટીમે પ્રથમ વખત ઓલ ઇન્ડિયા આંતર યુનિવર્સિટી સ્પર્ધાની ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવી ટોપ-8માં પ્રવેશ કર્યો છે, તેમજ સાથે સાથે ખેલો ઇન્ડિયા માટે પણ ક્વોલિફાય થઈને નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. ગુજરાતની કોઈપણ યુનિવર્સિટીની હેન્ડબોલ ભાઈઓની ટીમ અત્યાર સુધી આ સ્તરે પહોંચી ન હતી, ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ આ ગૌરવ પ્રાપ્ત કરીને રાજ્યનું નામ રોશન કર્યું છે.
વેસ્ટ ઝોન સ્પર્ધામાં મેડલ મેળવીને ઓલ ઇન્ડિયા માટે ક્વોલિફાય થયેલી ટીમે લીગ મેચોમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. પ્રથમ મેચમાં ટીમે આંધ્રપ્રદેશ સામે ચાર ગોલની લીડથી જીત મેળવી હતી. બીજી મેચમાં પંજાબી યુનિવર્સિટી, પટિયાલા સામે બે ગોલથી વિજય મેળવીને આત્મવિશ્વાસ વધાર્યો હતો. ત્યારબાદ ત્રીજી અને અંતિમ લીગ મેચમાં મેઘાલય યુનિવર્સિટી સામે જીત મેળવીને ટીમે ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન પક્કું કર્યું હતું.
ટોપ-8માં સ્થાન પ્રાપ્ત કરીને ટીમે ખેલો ઇન્ડિયા માટે પણ ક્વોલિફાય થવાની નવી સિદ્ધિ હાંસલ કરી છે, જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તેમજ સમગ્ર ગુજરાત માટે ગૌરવની વાત છે.
આ ઐતિહાસિક સિદ્ધિ બદલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. ઉત્પલ જોશી, રજીસ્ટ્રાર ડો. અજયસિંહ જાડેજા, ઇન્ચાર્જ શારીરિક શિક્ષણ નિયામક ડો. હરીશ રાબા તેમજ શારીરિક શિક્ષણ વિભાગના તમામ અધ્યાપકો અને કર્મચારીઓએ ટીમને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે.
ખાસ ગૌરવની વાત એ પણ છે કે આ સ્પર્ધામાં એસોસિએશન ઓફ ઇન્ડિયન યુનિવર્સિટીઝ (AIU) દ્વારા ઇન્ચાર્જ શારીરિક શિક્ષણ નિયામક ડો. હરીશ રાબાની ઓબ્ઝર્વર તરીકે નિમણૂક કરવામાં આવી છે, જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માટે દ્વિગુણ ગૌરવની બાબત છે.
ટીમ સાથે જોડાયેલા કોચ-મેનેજર ડો. ભાવેશ રાબા અને રાહુલ વેગડના માર્ગદર્શન હેઠળ ખેલાડીઓએ ઉત્તમ રમત દર્શાવી છે. યુનિવર્સિટી પરિવાર દ્વારા ટીમને આગામી મેચોમાં વધુ શ્રેષ્ઠ પ્રદર્શન કરી મેડલ સાથે પરત ફરવાની શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આ ડબલ સિદ્ધિ માત્ર યુનિવર્સિટી માટે જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાત માટે ગૌરવ અને પ્રેરણાનો સ્ત્રોત બની છે.


