ઉનાના કાજરડીમાં સાત માસથી ગુમ આધેડના હાડપીંજર મોટાબાપાની વાડીના કૂવામાંથી મળ્યું
સૌરાષ્ટ્રભરમાં શોધખોળ બાદ ઘર આંગણે જ મળ્યો મૃતદેહ, પરિવારજનો શોકમગ્ન
અગ્ર ગુજરાત, ઉના
ઉના તાલુકાના કાજરડી ગામના 55 વર્ષીય આધેડ જીણાભાઇ કાળાભાઈ સોલંકી છેલ્લા સાત માસથી ગુમ હતા.પરિવારજનોએ ઉના, દીવ, બગદાણા, જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં શોધખોળ આદરી હતી. તા. 11-12-2025ના રોજ ગુમ થયા બાદ પત્તો ન લાગતા તા. 7-2-2026ના રોજ પોલીસમાં ગુમસુધાની અરજી આપી હતી.
દરમિયાન આજે તેમનો મૃતદેહ તેમની વાડી નજીક આવેલી તેમના મોટાબાપાની વાડીમાં આવેલા 15 ફૂટ ઊંડા, અવાવરું અને પાણી વગરના કૂવામાંથી મળી આવ્યો. ગામના આગેવાનો અને સગાંસંબંધીઓએ કોથળામાં ભરીને કૂવામાંથી બહાર કાઢતા માત્ર હાડ પિંજર સ્વરૂપે કંકાલ મળ્યું હતું. મૃતક જીણાભાઇ કાળાભાઈ ભાઈઓ પૈકી ત્રીજા નંબરના હતા. તેમનો એકનો એક પુત્ર લખમણભાઈ એક વર્ષ પહેલાં બીમારી થી અવસાન પામ્યો હતો. બે દીકરીઓ પરણેલીહોવાથી સાસરે છે. પતિ-પત્ની કાજરડીના જાપા વિસ્તારમાં આવેલી પોતાની 2 વીઘા જમીન ખેડીગુજરાનચલાવતા હતા.
પુત્રના મૃત્યુનો આઘાત અને હવે પોતે જ કૂવામાંથી મૃત હાલતમાં મળી આવતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે. ઘટનાની જાણ થતાં તાલુકા પંચાયત સભ્ય સામત ભાઈ ચારણીયા, મહિલા સરપંચના પ્રતિનિધિ નાનુભાઈ ચારણીયા સહિત અગ્રણીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા અને પરિવારને સાંત્વના પાઠવી હતી
ઘર આંગણે આવેલા બંધ, અવાવરું કૂવામાં સાત માસ સુધી મૃતદેહ પડ્યો રહ્યો છતાં કોઈની નજર કેમ ન પડી ? આ પ્રશ્ને ગામમાં અનેક તર્ક-વિતર્કો સર્જાયા છે. હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ઉનાના કાજરડી ગામના 55 વર્ષીય જીણાભાઇ કાળાભાઈ સોલંકી સાત માસથી ગુમ હતા. પરિવારે સૌરાષ્ટ્રભરમાં શોધખોળ કરી હતી. આજે તેમનો મૃતદેહ મોટાબાપાની વાડીના 15 ફૂટ ઊંડા અવાવરું કૂવામાંથી હાડપિંજર સ્વરૂપે મળ્યો. પોલીસે તપાસ હાથ ધરી છે.


