વોર્ડ નં.૧3માં ઉભરાતી ગટર સામે ભાજપ નેતાઓનું ફોટોસેશન
સ્વામિનારાયણ ચોકમાં ડ્રેનેજના ગંદા પાણી રસ્તા પર ફરી વળ્યા, જનરલ બોર્ડમાં જવા સાઇકલ, EVમાં આવેલા નેતાઓએ સમસ્યાના સમાધાનના બદલે ફોટા ખેંચાવ્યા હોવાના પૂર્વ કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરના આક્ષેપ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ મહાપાલિકાના પ્રથમ જનરલ બોર્ડની બેઠક અને નવા ચૂંટાયેલા કોર્પોરેટરોના પદગ્રહણના પ્રથમ દિવસે જ શહેરમાં રાજકીય ડ્રામા અને લોક સમસ્યાઓનુંવિરોધાભાસી ચિત્ર જોવા મળ્યું છે. શહેરના વોર્ડ નં 13 માં આવેલા સ્વામિનારાયણ ચોકમાં એકતરફ ડ્રેનેજનાં ગંદા પાણી રસ્તા પર ફરી વળ્યાં હતા. જ્યારે બીજીતરફ નેતાઓનું સાયકલ પર ફોટોસેશન ચાલી રહ્યું હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા. જેને લઈને કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરે શાસકોની કામગીરી સામે આકરા પ્રહારો કર્યા છે.
પૂર્વ કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરે આ અંગે જણાવ્યું હતું કે, આજે રાજકોટ મહાનગરપાલિકાનું પ્રથમ જનરલ બોર્ડ મળવાનું છે અને તમામ કોર્પોરેટરો જ્યારે પોતાનો પદભાર ગ્રહણ કરવા જઈ રહ્યા છે, ત્યારે લોક પ્રશ્નોને વાચા આપવાના બદલે માત્ર પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. વોર્ડ નંબર 13 માં સ્વામિનારાયણ ચોકની અંદર ગટરના પાણી ઉભરાઈને મુખ્ય માર્ગો સુધી પહોંચી ગયા છે. અંદાજે 1 કિલોમીટર જેટલા લાંબા વિસ્તારમાં ડ્રેનેજના ગંદા અને દુર્ગંધ મારતા પાણી ફરી વળ્યા છે.
પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ છે કે આ માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓ માટે શ્વાસ લેવો પણ મુશ્કેલ બન્યો છે. ગંધાતા પાણીના કારણે લોકો પોતાના મોઢા પર રૂમાલ રાખીને પસાર થવા માટે મજબૂર બન્યા છે. સ્થાનિક રહીશો અને વેપારીઓ આ નરકાગાર જેવી સ્થિતિથી લાંબા સમયથી પરેશાન છે, છતાં તંત્ર કે સત્તાધીશો દ્વારા આ દિશામાં કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી.
જાગૃતિબેન ડાંગરે વધુમાં આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે, આટલી ગંભીર સમસ્યા નજરે દેખાતી હોવા છતાં ભાજપના કોર્પોરેટરોએ જનતાની પીડા તરફ સંપૂર્ણ આંખ આડા કાન કર્યા હતા. તેઓ માત્ર પોતાના હોદ્દાનાં અભિમાનમાં રાચતા હોય તેમ સ્વામિનારાયણ ચોકમાં સાયકલો લઈને પહોંચી ગયા હતા, અને મોટો દેખાવ કરીને ફોટો સેશન કરાવવામાં વ્યસ્ત હતા.
નજર સામે જે જનતાની વિકટ સમસ્યા છે, તે આ નેતાઓને કેમ દેખાતી નથી તે એક મોટો સવાલ છે. પદગ્રહણના પ્રથમ દિવસે જ જો કોર્પોરેટરો આવી ઉદાસીનતા દાખવતા હોય, તો આગામી 5 વર્ષ સુધી તેઓ વોર્ડની સમસ્યાઓનો ઉકેલ કેવી રીતે લાવશે? શું તેઓ આગામી 5 વર્ષ સુધી માત્ર આવી જ રીતે સાયકલો લઈને પ્રદર્શન જ કરતા રહેશે કે પછી જનતાના સાચા પ્રશ્નો હલ કરશે?


