શાપર નજીક દોરાના બોક્સ નીચે છુપાવેલો 34 લાખનો દારૂ ભરેલો ટ્રક ઝડપાયો
દારૂ-બિયર, ટ્રક સહિત રૂ.64.62 લાખનો મુદ્દામાલ જપ્ત કરતું રૂરલ LCB ; જામજોધપુરના ડ્રાઇવરની ધરપકડ, ત્રણ શખ્સો વોન્ટેડ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ ગ્રામ્ય પોલીસની રૂરલ એલસીબીએ દારૂની હેરાફેરી સામે વધુ એક સફળ કાર્યવાહી હાથ ધરી છે. શાપર-વેરાવળ પોલીસ મથક વિસ્તારમાં રાજકોટ-ગોંડલ નેશનલ હાઇવે પર ગોઠવાયેલી વોચ દરમિયાન દોરાના ખાખી બોક્સની આડમાં છુપાવીને લઈ જવાતો ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. ટ્રક સહિત કુલ રૂ.64.62 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
પોલીસને ખાનગી બાતમી મળી હતી કે જીજે-25-યુ-9934 નંબરની ટ્રકમાં ગેરકાયદેસર રીતે દારૂનો જથ્થો ભરીને પસાર થવાનો છે. બાતમીના આધારે રૂરલ એલસીબીની ટીમે હાઇવે પર વોચ ગોઠવી ટ્રકને અટકાવી તપાસ કરતાં દોરાના બોક્સ નીચે કુશળતાપૂર્વક સંતાડવામાં આવેલી અલગ-અલગ બ્રાન્ડની 6,491 દારૂની બોટલો અને 984 બિયર ટીન મળી આવ્યા હતા. ઝડપાયેલા દારૂ-બિયરની કિંમત રૂ.34.05 લાખ હોવાનું સામે આવ્યું છે. પોલીસે ટ્રક, દોરાના બોક્સ અને અન્ય મુદ્દામાલ સહિત કુલ રૂ.64.62 લાખની કિંમતનો જથ્થો જપ્ત કરી ટ્રકચાલક ભરત હમીરભાઈ મોરી (ઉ.વ.22), રહે. વાંસજાળીયા, તા. જામજોધપુર, જી. જામનગરની ધરપકડ કરી છે.
પ્રાથમિક તપાસમાં દારૂનો જથ્થો ઉપલેટાના કરણ રબારી માટે મંગાવવામાં આવ્યો હોવાનું ખુલ્યું છે. ઉપરાંત દારૂ મોકલનાર અજાણ્યા શખ્સ અને ટ્રકના માલિકને પણ ગુનામાં આરોપી બનાવી પોલીસે તેમની શોધખોળ શરૂ કરી છે. સમગ્ર મામલે શાપર-વેરાવળ પોલીસ મથકે પ્રોહિબિશન અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
દારૂ-જુગાર જેવી ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલા અભિયાન અંતર્ગત આ સફળ કાર્યવાહી નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાયના માર્ગદર્શન અને જિલ્લા પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જરના નિર્દેશન હેઠળ રૂરલ એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર જે.પી. રાવ તથા તેમની ટીમે કરી હતી. કાર્યવાહીમાં એલસીબીના અધિકારીઓ અને કર્મચારીઓએ સંયુક્ત ઓપરેશન ચલાવી દારૂની મોટી ખેપ બજારમાં પહોંચે તે પહેલાં જ ઝડપી પાડી હતી.


