શ્રીનાથજી મંદિર, નાથદ્વારા – આસ્થા, ચમત્કાર અને ઇતિહાસની અદભુત ગાથા.
શ્રીનાથજી ચરણાનુરાગ: પુષ્ટિમાર્ગ, હવેલી સંસ્કૃતિ અને નાથદ્વારાનો દિવ્ય ઇતિહાસ.
ભારતની પવિત્ર ભૂમિ પર અનેક તીર્થસ્થળો છે, પરંતુ કેટલાક સ્થળો એવા હોય છે જ્યાં માત્ર મંદિર જ નથી, પરંતુ ભક્તિ, વિશ્વાસ અને ચમત્કારોની જીવંત પરંપરા વસે છે. રાજસ્થાનના અરવલ્લી પર્વતમાળાની ગોદમાં આવેલું નાથદ્વારામાં શ્રીનાથજી મંદિર એવું જ એક આસ્થાનું કેન્દ્ર છે. કરોડો વૈષ્ણવ ભક્તો માટે શ્રીનાથજી માત્ર ભગવાન નથી, પરંતુ પરિવારના એક સભ્ય, મિત્ર અને જીવનના માર્ગદર્શક છે.
૧. શ્રીનાથજી કોણ છે?
શ્રીનાથજી ભગવાન શ્રીકૃષ્ણનું બાળસ્વરૂપ છે. ગોવર્ધન પર્વત ઊંચકનાર સાત વર્ષના કાનુડાના આ બાળ સ્વરૂપને ગોપાલજી કહે છે. શ્રીનાથજીની પ્રતિમામાં ડાબો હાથ ઉપર ઊંચો છે, જે ગોવર્ધન ધારણની ઘટનાનું પ્રતીક છે.
વૈષ્ણવ સંપ્રદાયના મહાન આચાર્ય શ્રી વલ્લભાચાર્યજી (મહાપ્રભુજી) અને તેમના પુત્ર શ્રી વિઠ્ઠલનાથજી (ગોસાંઈજી) દ્વારા પુષ્ટિમાર્ગની પરંપરામાં શ્રીનાથજીની સેવા-પૂજા સ્થાપિત થઈ હતી.
* શ્રી વલ્લભાચાર્યજીનો જન્મ-ઈ.સ. ૧૪૭૯માં (વિક્રમ સંવત ૧૫૩૫ માં, ચૈત્ર વદ એકાદશીના દિવસે) થયો હતો. તેમનો જન્મ છત્તીસગઢના રાયપુર જિલ્લામાં આવેલા ચંપારણ્ય નામના પવિત્ર સ્થળે થયો હતો. તેમણે જ વૈષ્ણવ સંપ્રદાયના અંતર્ગત “પુષ્ટિમાર્ગ” ની સ્થાપના કરી હતી, જેને આજે લગભગ ૫૦૦ વર્ષ કરતાં પણ વધુ સમય થયો છે. તેમણે ભક્તિનો એવો માર્ગ આપ્યો જેમાં ભગવાનને ભય કે તપસ્યાથી નહીં, પરંતુ પ્રેમ અને સમર્પણથી પામવાનો ઉપદેશ આપવામાં આવ્યો.
* શ્રી વિઠ્ઠલનાથજીનું યોગદાન-તેમના પુત્ર શ્રી વિઠ્ઠલનાથજી (ગોસાંઈજી) એ આ પરંપરાને વધુ વ્યવસ્થિત અને વ્યાપક બનાવી. તેમણે શ્રીનાથજીની સેવા-પૂજાની પદ્ધતિને સુદૃઢ સ્વરૂપ આપ્યું, જે આજે પણ નાથદ્વારામાં અનુસરવામાં આવે છે.
૨. પુષ્ટિમાર્ગની શરૂઆત કેવી રીતે થઈ?
“પુષ્ટિ” શબ્દનો અર્થ થાય છે ભગવાનની કૃપાથી પોષિત થવું. પુષ્ટિમાર્ગનો મૂળ સિદ્ધાંત એ છે કે જીવાત્મા, ભગવાનની કૃપાથી જ પરમાત્માને પ્રાપ્ત કરી શકે છે. શ્રી વલ્લભાચાર્યજીએ સમગ્ર ભારતની પ્રદક્ષિણા (પૃથ્વી પરિક્રમા) કરી. આજે તેમની ૮૪ બેઠકો આસ્થાનું કેન્દ્ર રહી છે. તેઓએ ભાગવત પુરાણના આધારે શ્રીકૃષ્ણ ભક્તિનો પ્રચાર કર્યો. ગોવર્ધન પર્વત નજીક પ્રગટ થયેલા શ્રીનાથજીના સ્વરૂપને તેમણે વિશેષ મહત્ત્વ આપ્યું.
૩. શ્રીનાથજીની પ્રાગટ્ય કથા.
વૈષ્ણવ પરંપરા અનુસાર, ગોવર્ધન પર્વત પરથી ધીમે ધીમે શ્રીકૃષ્ણનું સ્વરૂપ પ્રગટ થવા લાગ્યું. પ્રથમ ડાબો હાથ દેખાયો, પછી મુખારવિંદ પ્રગટ થયું. ભક્તોએ તેને ભગવાન શ્રીકૃષ્ણના ગોવર્ધનધારી સ્વરૂપ તરીકે સ્વીકાર્યું. શ્રી વલ્લભાચાર્યજી ગોવર્ધન પર્વત પહોંચ્યા ત્યારે તેમણે આ દિવ્ય સ્વરૂપની સેવા શરૂ કરી. આ ઘટનાને પુષ્ટિમાર્ગના ઇતિહાસમાં અત્યંત મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.
૪. ગોવર્ધનથી નાથદ્વારા સુધીની રહસ્યમય યાત્રા.
સત્તરમી સદીમાં મુગલ બાદશાહ ઔરંગઝેબના સમયમાં જ્યારે મંદિરો પર આક્રમણો થઈ રહ્યા હતા, ત્યારે વૃંદાવન નજીક ગોવર્ધન ખાતે બિરાજમાન શ્રીનાથજીની દિવ્ય મૂર્તિને સુરક્ષિત સ્થાન પર લઈ જવાનો નિર્ણય લેવામાં આવ્યો. ઈ.સ. ૧૬૭૨માં ભક્તો અને ગોસ્વામી પરિવાર શ્રીનાથજીની મૂર્તિને રથમાં બેસાડી મેવાડ તરફ નીકળ્યા. કહેવાય છે કે જ્યાં જ્યાં રથ રોકાતો ત્યાં હજારો ભક્તો દર્શન માટે ઉમટી પડતા.
૫. રથનું પૈડું ક્યાં ફસાયું?
જ્યારે રથ મેવાડ રાજ્યના સિહાડ (આજનું નાથદ્વારા) ગામ નજીક પહોંચ્યો ત્યારે અચાનક રથનું એક પૈડું જમીનમાં ઊંડે સુધી ફસાઈ ગયું. ઘણા બળવાન માણસોએ પ્રયત્નો કર્યા, બળદો જોડાયા, પરંતુ પૈડું બહાર ન નીકળ્યું.
ગોસ્વામીજીઓએ આ ઘટનાને શ્રીનાથજીની ઈચ્છા માની. એમ માનવામાં આવ્યું કે ભગવાને પોતે આ સ્થળને પોતાના નિવાસ માટે પસંદ કર્યું છે. મેવાડના મહારાણા રાજસિંહજીને જાણ કરવામાં આવી. તેમણે તરત જ આ સ્થળે ભવ્ય મંદિર બનાવવાની મંજૂરી આપી અને ભગવાનને અહીં સ્થાપિત કરવામાં આવ્યા. આથી જ આ સ્થળનું નામ “નાથદ્વારા” એટલે કે “નાથનો દ્વાર”પડ્યું.
* નાથદ્વારા હવેલીના અજાણ્યા અને રસપ્રદ રહસ્યો.
અહીં “મંદિર” નહીં પરંતુ “હવેલી” છે- પુષ્ટિમાર્ગમાં ભગવાનને રાજા કે દેવતા તરીકે નહીં, પરંતુ ઘરના લાડકવાયા બાળક તરીકે માનવામાં આવે છે. અહીં ભગવાનને જગાડવામાં આવે છે, સ્નાન કરાવવામાં આવે છે, ભોજન અપાય છે, બપોરે આરામ કરાવવામાં આવે છે અને રાત્રે લોરી ગાઈને સુવડાવવામાં પણ આવે છે. તેથી આ સ્થાન ‘નંદાલય’ કે ‘હવેલી’ કહેવાય છે.
અષ્ટયામ સેવા (દિવસના આઠ દર્શન)- શ્રી વિઠ્ઠલનાથજી દ્વારા પ્રસ્થાપિત આ પરંપરામાં દિવસ દરમિયાન આઠ વખત દર્શન થાય છે. આ દર્શન, મંગળા, શ્રૃંગાર, ગ્વાલ, રાજભોગ, ઉત્થાપન, ભોગ, સંધ્યા આરતી અને શયન છે. દરેક દર્શનમાં ભગવાનના વસ્ત્રો, આભૂષણો, રાગ (સંગીત) અને સામગ્રી ઋતુ અને ભાવ મુજબ બદલાય છે.
અષ્ટછાપ કવિઓ અને કીર્તન પરંપરા- સેવાની સાથે સંગીત, કીર્તન અને હવેલી સંસ્કૃતિનો વિકાસ કરાયો. “અષ્ટછાપ” કવિઓને પ્રોત્સાહન અપાયું, જેમાં મહાકવિ સૂરદાસ જેવા મહાન ભક્ત કવિઓનો સમાવેશ થાય છે, જેમની વાણી આજે પણ હવેલીઓમાં ગૂંજે છે.
પિછવાઈ કળાની જન્મભૂમિ- નાથદ્વારા વિશ્વપ્રસિદ્ધ પિછવાઈ ચિત્રકળા માટે જાણીતું છે. ભગવાનની પીઠિકા (પાછળની દીવાલ) પર લગાડવામાં આવતા વિશિષ્ટ વસ્ત્રો પરના ચિત્રો ઋતુ, ઉત્સવ અને પ્રસંગ અનુસાર હાથથી તૈયાર કરવામાં આવે છે.
અન્નકૂટનો ભવ્ય મહોત્સવ- દીપાવલી પછીના દિવસે અન્નકૂટ ઉત્સવમાં ભગવાન સમક્ષ સેંકડો પ્રકારની વાનગીઓનો ‘છાશઘર’ અને ‘ભાતનો પર્વત’ સમાન ભોગ ધરાવવામાં આવે છે. ત્યારબાદ આ પ્રસાદ વહેંચવામાં આવે છે, જે પ્રેમ અને કૃતજ્ઞતાની ચરમસીમા છે.
મેવાડના મહારાણાનું ગૌરવવંતું યોગદાન- મહારાણા રાજસિંહજી, શ્રીનાથજીના પરમ ભક્ત હતા. તેમણે મુગલ સલ્તનત સામે થઈને પણ શ્રીનાથજીને શરણ આપ્યું, જમીન આપી અને સમગ્ર નાથદ્વારાના વિકાસમાં અને ધર્મની રક્ષામાં પોતાનું સર્વસ્વ સમર્પિત કર્યું.
* પુષ્ટિમાર્ગનો સામાજિક અને આધ્યાત્મિક સંદેશ-બ્રહ્મસંબંધ અને આધ્યાત્મિક સમાનતા:
શ્રી વલ્લભાચાર્યજીએ શરણાગતિનો મહામંત્ર ‘બ્રહ્મસંબંધ’ આપ્યો. આ માર્ગની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં કોઈ જ્ઞાતિ, જાતિ, લિંગ કે ગરીબ-તવંગરના ભેદભાવ નથી. સૂરદાસજીથી માંડીને રસખાન (મુસ્લિમ કવિ) અને તાજબીબી સુધીના ભક્તોને શ્રીનાથજીએ અપનાવ્યા છે. પુષ્ટિમાર્ગ શીખવે છે કે ભગવાન માત્ર શુદ્ધ હૃદયના ભાવના ભૂખ્યા છે, સામાજિક મોભાના નહીં.
* આજના યુવાનો માટે પ્રેરણાદાયી જીવનમંત્ર.
આધુનિક યુગમાં ભૌતિક સુખ સગવડો વધી છે, પરંતુ માનસિક શાંતિ ઘટી રહી છે. સ્પર્ધા, તણાવ, ચિંતા અને અસંતોષ જીવનનો ભાગ બની ગયા છે ત્યારે નાથદ્વારાની આ ગાથા યુવાનોને ચાર મહાન પાઠ શીખવે છે.
૧. ઈશ્વરના આયોજન પર વિશ્વાસ રાખો:
જ્યારે રથનું પૈડું ફસાયું ત્યારે કોઈને સમજાયું નહીં કે હવે શું કરવું. પરંતુ અંતે એ જ ઘટના એક વૈશ્વિક તીર્થસ્થળની સ્થાપનાનું કારણ બની. જીવનમાં પણ ઘણી વખત મુશ્કેલીઓ કે અટકાવ એ વાસ્તવમાં ઈશ્વર તરફથી કોઈ મોટા અને સારા આયોજનની શરૂઆત હોય છે.
૨. ધીરજ અને શ્રદ્ધા:
દરેક સફળતા તરત મળતી નથી. ભગવાન શ્રીકૃષ્ણે પણ જીવનમાં ગોકુળ, મથુરા અને દ્વારકા સુધી અનેક પડકારોનો સામનો કર્યો હતો. ધીરજ સાથે પરિસ્થિતિને સ્વીકારી આગળ વધનાર વ્યક્તિ અંતે પરમ શાંતિ પામે છે.
૩. ત્યાગ નહીં, સ્નેહ અને ગૃહસ્થ ધર્મ:
અન્ય ધર્મોમાં વૈરાગ્ય પર ભાર છે, જ્યારે પુષ્ટિમાર્ગ ગૃહસ્થ જીવનની વચ્ચે રહીને ભક્તિ કરવાનું શીખવે છે. પોતાના ઘરને જ નંદાલય બનાવી, પરિવારની સેવા એ જ પ્રભુ સેવા છે તેવો સુંદર સમન્વય અહીં છે.
૪. સેવા અને સમર્પણનું મહત્વ:
જીવનનું સાચું સુખ માત્ર ભૌતિક વસ્તુઓ મેળવવામાં નથી, પરંતુ આપવાની ભાવનામાં છે. જે વ્યક્તિ સમાજ, ગૌસેવા, રાષ્ટ્ર અને માનવતાની નિઃસ્વાર્થ સેવા કરે છે, તેના પર શ્રીનાથજીની કૃપા સદાય વર્ષે છે.
રથનું પૈડું જમીનમાં ફસાવું એ માત્ર એક ઐતિહાસિક ઘટના નથી; તે આપણા જીવનનું પણ પ્રતીક છે. ઘણી વખત આપણે પણ જીવનના આડા રસ્તે અટવાઈ જઈએ છીએ, માર્ગ બંધ દેખાય છે. પરંતુ યાદ રાખવું.
“જ્યાં માનવના બધા પ્રયત્નો અટકી જાય છે, ત્યાંથી ભગવાનની ઈચ્છાનો દિવ્ય માર્ગ શરૂ થાય છે; નાથદ્વારાનું ફસાયેલું પૈડું એ જ સનાતન સત્યનો જીવંત પુરાવો છે.”
શ્રીનાથજીની કૃપા આપણને સદાય શ્રદ્ધા, ધીરજ, સેવા અને સમર્પણનો માર્ગ બતાવે, એ જ પ્રાર્થના.
– બાબુભાઇ મેનપરા
૯૪૨૬૨૨૭૮૮૮


