બેટા, હું તને લેવા આવ્યો છું, સ્વપ્નના આઘાતે યુવાને પીધું એસિડ, બે મહિના બાદ મોત
માનસિક તણાવની કરુણ ઘટના; સારવાર બાદ સુધારો થયો છતાં તબિયત લથડતાં અંતે જીવ ગુમાવ્યો
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેરમાં માનસિક તણાવને કારણે બનેલી એક હૃદયવિદારક ઘટના સામે આવી છે, જેમાં સ્વપ્નના આઘાતથી વ્યથિત થયેલા એક યુવાને આત્મઘાતી પગલું ભરી લીધું હતું. એસિડ પી લીધા બાદ લગભગ બે મહિનાની સારવાર દરમિયાન જીવન માટે સંઘર્ષ કરનાર આ યુવાનનું અંતે મોત નિપજતા પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.
મળતી માહિતી મુજબ, શહેરના લાલા લજપતરાય ટાઉનશીપ વિસ્તારમાં રહેતા અને ઝડુસ હોટલ નજીક વસવાટ કરતા 25 વર્ષીય કેવલ કમલેશભાઈ સુરાણીએ ગત 27 ફેબ્રુઆરીના રોજ પોતાના ઘરે અજાણ્યા કારણોસર એસિડ પી લીધું હતું. આ ઘટનાની જાણ થતાં જ પરિવારજનોએ તરત જ તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો, જ્યાં ગંભીર હાલતમાં તેની સારવાર શરૂ કરવામાં આવી હતી.
લાંબા સમય સુધી ચાલેલી સારવાર બાદ કેવલની તબિયતમાં સુધારો નોંધાયો હતો અને તબીબોએ તેને હોસ્પિટલમાંથી રજા આપી હતી. પરિવારજનોમાં આશા જાગી હતી કે હવે તે સામાન્ય જીવન તરફ પરત ફરશે. પરંતુ આ ખુશી લાંબી ટકી નહીં. શુક્રવારે અચાનક તેની તબિયત ફરી બગડતાં તેને ફરી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. પરિવારજનોએ પોલીસને આપેલી માહિતી અનુસાર, કેવલ બે ભાઈઓમાં મોટો હતો અને સલૂનમાં કામ કરીને પરિવારને આર્થિક રીતે સહારો આપતો હતો. લગભગ ચાર વર્ષ પહેલાં તેના પ્રિય કાકાનું અવસાન થયું હતું, જેનો તેને ખૂબ જ માનસિક આઘાત લાગ્યો હતો અને તે અંદરથી ખૂબ જ એકલો અનુભવી રહ્યો હતો. ઘટનાથી થોડા દિવસો અગાઉ કેવલને એક સ્વપ્ન આવ્યું હતું, જેમાં તેના સ્વર્ગસ્થ કાકા તેને કહેતા જોવા મળ્યા હતા કે “બેટા, હું તને લેવા આવ્યો છું.” આ સ્વપ્ન બાદ કેવલ વધુ ગભરાઈ ગયો હતો અને માનસિક રીતે અસ્વસ્થ બની ગયો હતો. પરિવારજનોએ જણાવ્યું હતું કે, આ ઘટનાના થોડા જ દિવસોમાં તેણે આઘાતમાં આવી આત્મઘાતી પગલું ભર્યું હતું. આ બનાવ અંગે તાલુકા પોલીસે નોંધ લઈ વધુ તપાસ હાથ ધરી છે.


