સોની બજારમાં અખાત્રીજનું મુહૂર્ત સાચવતા ગ્રાહકો
ભાવમાં બમણો વધારો થતા સોના-ચાંદીની ખરીદીમાં ઘટાડો, પાવન દિવસે માત્ર શુકનવંતી ઘરાકી દેખાઇ : ગત વર્ષની સરખામણીએ નહી જેવો વેપાર થયો હોવાની વેપારીઓની વ્યથા
અગ્ર ગુજરાત, રાજકોટ
અખાત્રીજના પવિત્ર તહેવાર નિમિત્તે સોના અને ચાંદીની ખરીદીનું વિશેષ મહત્વ હોય છે. આ વર્ષે સોનાના ભાવમાં ગત વર્ષની સરખામણીએ અંદાજીત બમણો વધારો જોવા મળી રહ્યો છે. તેમ છતાં ગ્રાહકોમાં ખરીદીનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. વધતા ભાવ વચ્ચે પણ લોકો તેના પરિવાર માટે સોનાના દાગીનાની ખરીદી કરતા જોવા મળ્યા હતા. જોકે, વેપારીઓનાં મતે ભાવમાં વધારો થવાની અસર ઘરાકી ઉપર વિપરીત પડી છે અને ગતવર્ષની તુલનાએ ઘરાકી ઓછી જોવા મળી રહી છે. આ તકે આગામી સમયમાં સોનાના ભાવોમાં હજુ વધારો થવાની શક્યતા વેપારીઓ અને ગ્રાહકોએ પણ વ્યક્ત કરી હતી.
મેરેજ ફંક્શન કે અન્ય કોઈ પ્રસંગો માટે ગિફ્ટ આપવા માટે પણ લોકો અત્યારે ખરીદી કરી રહ્યા છે. ઘણા લોકો ભવિષ્યમાં ભાવ વધવાની શક્યતાને ધ્યાનમાં રાખીને અત્યારથી જ દાગીનાની ખરીદી કરીને તેને સાચવી રાખતા હોય છે, જેથી પ્રસંગ સમયે તેનો ઉપયોગ કરી શકાય છે.
રાધિકા જ્વેલર્સના મનોજભાઈએ જણાવ્યું હતું કે, ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે સોનાના ભાવ લગભગ બમણા થઈ ગયા છે, જેની સીધી અસર ગ્રાહકોની ખરીદશક્તિ પર પડી છે. આ ઉપરાંત, રશિયા-યુક્રેન અને ઈઝરાયેલ જેવા આંતરરાષ્ટ્રીય યુદ્ધના માહોલને કારણે લોકોમાં એક પ્રકારનો ગભરાટ અને અનિશ્ચિતતા જોવા મળી રહી છે, જે પણ બજારમાં મંદીનું એક મુખ્ય કારણ છે. જોકે, અક્ષય તૃતીયા અને પુષ્ય નક્ષત્ર જેવા દિવસો સોનાની ખરીદી માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. મનોજભાઈએ આશા વ્યક્ત કરી હતી કે, ભલે મોટી ખરીદી ન થાય પણ લોકો શુકન સાચવવા માટે નાની-મોટી ખરીદી ચોક્કસ કરશે.
આગામી દિવસોમાં સોનાના ભાવમાં ઘટાડાની શક્યતા અંગે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, અત્યારની પરિસ્થિતિ જોતા ભાવ ઘટે એવા કોઈ એંધાણ નથી. જો આંતરરાષ્ટ્રીય સ્તરે યુદ્ધની સ્થિતિ થાળે પડે અને શાંતિ સ્થપાય, તો જ કદાચ ભાવમાં થોડો ઘટાડો જોવા મળી શકે છે, બાકી હાલના તબક્કે ભાવ વધારો યથાવત રહે એવી પૂરી શક્યતા છે. આજના પાવન પર્વે સોના-ચાંદીની ખરીદીનું વિશેષ મહત્વ હોય છે, પરંતુ આ વર્ષે બજારમાં ગત વર્ષની સરખામણીએ ઘરાકીમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું.


