સ્ટાફની અછત વચ્ચે શિક્ષકોને ફ્લડ કંટ્રોલની ડ્યુટી સોંપતા નારાજગી
શૈક્ષણિક કાર્યને અસર થવાની શક્યતા, વહેલીતકે મુક્તિ આપવા શૈક્ષિક મહાસંઘનું જિલ્લા પંચાયત પ્રમુખને આવેદન
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ જિલ્લાની શાળામાં સ્ટાફની અને શિક્ષકોની અછત વચ્ચે ફ્લડ કન્ટ્રોલની કામગીરી સોંપતા શિક્ષકોમાં નારાજગી વ્યાપી ગઈ છે. સ્ટાફની અછતના લીધે શૈક્ષણિક કાર્યને અસર થઈ રહી હોય શિક્ષકોને ફ્લડની કામગીરીથી મુક્ત કરવા શૈક્ષિક મહાસંઘ દ્વારા જિલ્લા પંચાયતના પ્રમુખ અને શિક્ષણ સમિતિના ચેરમેનને આવેદનપાઠવ્યું છે.
રજૂઆતમાં જણાવ્યું છે કે, શિક્ષકોને બિનશૈક્ષણિક કામગીરીમાંથી મુક્તિ મળે તે હેતુથી ફ્લડ કંટ્રોલ ડ્યુટીમાંથી મુક્તિ આપવા અંગે. SOE શાળાઓના બાંધકામમાં ગુણવત્તા જળવાઈ રહે, કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ થાય તેમજ વિદ્યાર્થીઓને ઉત્તમ શૈક્ષણિક માળખું ઉપલબ્ધ બને તે અંગે. PRISHA પોર્ટલમાં પગાર બિલ તૈયાર કરતી વખતે સર્જાતી ટેકનિકલ મુશ્કેલીઓનો રાજ્ય સરકાર સમક્ષ તાત્કાલિક ઉકેલ લાવવામાં આવે તેમજ દર મહિનાની 1 થી 5 તારીખ દરમિયાન તમામ પ્રાથમિક શિક્ષકોને નિયમિત પગાર ચૂકવાય તે અંગે. ભોજન યોજના અંતર્ગત આપવામાં આવતી નોટિસો અને વહીવટી પ્રશ્નોના યોગ્ય તથા વ્યવહારુ નિરાકરણ અંગે. કેટલાક સમય દરમિયાન વિવિધ ખાતાકીય તપાસોને કારણે જિલ્લાના આચાર્યો અને શિક્ષક મિત્રોના અટકાવવામાં આવેલા ઇન્ક્રિમેન્ટના કેસોમાં માનવીય અભિગમ અપનાવી યોગ્ય રાહત અને ન્યાયસંગત નિર્ણય લેવામાં આવે તે અંગે. ચર્ચા દરમિયાન સંગઠનના પ્રતિનિધિઓએ શિક્ષકોના પ્રશ્નોના સમયસર અને કાયમી ઉકેલ માટે ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને તંત્ર વચ્ચે સતત સંવાદ અને સંકલનની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
અંતમાં પ્રમુખ સંજયભાઈ પીપળીયા તથા માનનીય ચેરમેન નિલેશભાઈ હીરપરાએ શિક્ષણ અને શિક્ષક હિતના પ્રશ્નોના હકારાત્મક, સંવેદનશીલ અને સમયબદ્ધ નિરાકરણ માટે સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી વ્યક્ત કરી હતી. સાથે જ આગામી સમયમાં સંગઠન અને ચૂંટાયેલી પાંખ પરસ્પર પૂરક બની રાજકોટ જિલ્લાના બાળકોના ગુણવત્તાસભર શિક્ષણ, શિક્ષકોના હિત અને સમગ્ર શિક્ષણ વ્યવસ્થાના વિકાસ માટે સમન્વયપૂર્વક કાર્ય કરશે તેવી કટિબદ્ધતા બંને પક્ષે વ્યક્ત કરવામાં આવી હતી.


