ચતુરી ગામે સિંહણના જીવલેણ હૂમલામાં મૃત્યુ પામેલા બાળકના પરિવારને વનમંત્રીની સાંત્વના
પૂર્વ ધારાસભ્ય અંબરીષ ડેર, ધારાસભ્ય જે.વી. કાકડિયા અને ગીર ફોરેસ્ટના ઉચ્ચ અધિકારીઓ સાથે સ્થળની મુલાકાત લઈ સ્થાનિકો સાથે ચર્ચા કરી
અગ્ર ગુજરાત, રાજુલા
અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ચતુરી ગામે બે દિવસ પહેલાં એક અત્યંત અરેરાટીભરી ઘટના સામે આવી હતી. જેમાં દાદાની આંગળી પકડીને સંગાથે જઇ રહેલા માત્ર ૬ વર્ષના માસૂમ પૌત્ર જીયાન ઉપર સિંહણે જીવલેણ હુમલો ફાડી ખાધો હતો. આ કાળજું કંપાવી દેનારી ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને સ્થાનિક ગ્રામજનોમાં વન વિભાગ પ્રત્યે ભારે રોષ જોવા મળ્યો હતો. આ કરુણ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇને રાજ્યના વનમંત્રી અર્જૂન મોઢવાડિયા ચતુરી ગામે મૃતક બાળકના પીડિત પરિવારની મુલાકાતે પહોંચ્યા હતાં. વનમંત્રીએ રૂબરૂ મળીને જીયાનના પરિવારજનોને આ ઘેરા શોકમાંથી બહાર આવવા માટે સાંત્વના પાઠવી હતી અને દુઃખ વ્યક્ત કર્યું હતું. વનમંત્રીની આ મુલાકાત દરમિયાન તેમની સાથે પૂર્વ ધારાસભ્ય અંબરીષ ડેર તેમજ સ્થાનિક ધારાસભ્ય જે.વી. કાકડીયા પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને પરિવારને હિંમત આપી હતી. પીડિત પરિવારને સાંત્વના પાઠવ્યા બાદ વનમંત્રીએ ચતુરી ગામના સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો સાથે પણ એક બેઠક યોજીને મુલાકાત કરી હતી. જેમાં લોકોએ વન્યજીવોના ત્રાસ અને સુરક્ષા અંગે રજૂઆતો કરી હતી. આ સંવેદનશીલ મામલે વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ એક્શન મોડમાં જોવા મળ્યા હતા. વનમંત્રીની મુલાકાત દરમિયાન ગીર ફોરેસ્ટના પીસીસીએફ જયપાલસિંહ તેમજ જુનાગઢ સીસીએફ રામરતન નાલા સહિતના અધિકારીઓ સ્થળ પર હાજર રહ્યાં હતાં. વનમંત્રીએ અધિકારીઓને આ વિસ્તારમાં વન્યજીવોના હુમલા રોકવા અને સ્થાનિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે જરૂરી અને કડક પગલાં ભરવા સૂચનાઓ આપી હતી.


