સિંહબાળની હત્યાનો ફરાર આરોપી બાવન ચાવડા કુતિયાણાથી ઝડપાયો
વન વિભાગની ત્રણ ટીમોએ રાતોરાત ઓપરેશન ચલાવી આરોપીને ઝડપી પાડ્યો
જૂનાગઢ નજીક રબારી નેસ વિસ્તારમાં માત્ર 7થી 8 મહિનાના નર સિંહબાળની ક્રૂર હત્યા કરવાના ચકચારી મામલે વન વિભાગે મોટી સફળતા મેળવી છે. સિંહબાળના મોતના ઘાતકી ગુનામાં મુખ્ય શંકાસ્પદ અને ઘટના બાદ પોતાનો મોબાઈલ સ્વિચ ઓફ કરીને ભાગી ગયેલા આરોપી બાવન પુનાભાઈ ચાવડાને વન વિભાગની ત્રણ ટીમોએ સંયુક્ત સર્ચ ઓપરેશન ચલાવીને દબોચી લીધો છે. પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકામાંથી ઝડપાયેલા આ આરોપીને વધુ પૂછપરછ માટે જૂનાગઢ લાવવામાં આવી રહ્યો છે.
આરોપીની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે, તેની માનસિકતા અત્યંત વિકૃત અને ક્રૂર સ્વભાવની છે. તેણે કબૂલાત કરી છે કે તેણે સિંહબાળની હત્યા કરી હતી. વધુમાં, તેણે ભૂતકાળમાં અનેક શ્વાનો તેમજ સાપોને પણ મારી નાખ્યાની કબૂલાત કરી છે. આ હકીકતો તેના દ્વારા વન્યજીવો તથા અન્ય પ્રાણીઓ પ્રત્યે સતત હિંસક અને અસંવેદનશીલ વલણ દર્શાવે છે.
બનાવની વિગત એવી છે કે, ગત 24 જૂન, 2026ના રોજ જૂનાગઢ વન વિભાગના ડુંગર (દક્ષિણ) રેન્જ હેઠળ આવતા રબારી નેસ વિસ્તારમાંથી એક અંદાજે 7થી 8 માસની વયના નર સિંહબાળનો મૃતદેહ મળી આવ્યો હતો. વન વિભાગની ટીમે સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરતા જ સિંહબાળના શરીર પર ગંભીર શારીરિક ઇજાના નિશાનો જોવા મળ્યા હતા, જેના કારણે વન તંત્ર ચોંકી ઉઠ્યું હતું અને મામલાની ગંભીરતાને જોઈને તુરંત તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.
મૃત સિંહબાળનું પોસ્ટમોર્ટમ જૂનાગઢના પ્રખ્યાત સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે ત્રણ પશુચિકિત્સકોની પેનલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પીએમ રિપોર્ટમાં સિંહબાળના કપાળ તેમજ પાછળના પગના ભાગે ગંભીર અને જીવલેણ શારીરિક ઇજાઓ થઈ હોવાની સત્તાવાર પુષ્ટિ થઈ હતી. આ પુરાવા પરથી સ્પષ્ટ થયું કે સિંહબાળ પર કોઈ હથિયાર કે અન્ય વસ્તુ વડે ઘાતકી હુમલો કરીને તેને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો.
ઇજાના અહેવાલ બાદ વન વિભાગ અને પોલીસે ટેકનિકલ એનાલિસિસ અને સ્થાનિક બાતમીદારોની મદદ લેતા રબારી નેસના જ સ્થાનિક રહીશ બાવન પુના ચાવડાનું નામ સામે આવ્યું હતું. જો કે, તે વન વિભાગની પકડથી બચવા નાસી છૂટ્યો હતો. વન વિભાગની ત્રણ ટીમોએ મોડી રાત્રિથી ઓપરેશન શરૂ કરી વહેલી સવારે કુતિયાણા પંથકમાંથી તેને ઝડપી લીધો હતો. વન તંત્ર દ્વારા આ ગંભીર ગુના સબબ વન્યજીવ સંરક્ષણ અધિનિયમ, 1972ની કડક કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. વન વિભાગના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ, આરોપીની સઘન પૂછપરછ અને પુરાવા એકત્ર કરવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે. જૂનાગઢ વન વિભાગ વન્યજીવો વિરૂદ્ધ થતા ગુનાઓ સામે ‘ઝીરો ટોલરન્સ’ (શૂન્ય સહનશીલતા) ની નીતિ ધરાવે છે અને આ કેસમાં આરોપીને કડક સજા અપાવવા કટિબદ્ધ છે.


