માંગરોળમાં શૈક્ષણિક ભૂમિ પર ભૂમાફિયાઓનું દબાણ
કોલેજની જમીન પર નાળિયેરીના બગીચા બનાવી લાખોની આવક રળતા દબાણકર્તાઓ
સ્થાનિક તંત્રની મીઠી નજર હેઠળ કબ્જો કર્યાનો ધારાસભ્ય-જાગૃત નાગરિકનો આક્ષેપ : શૈક્ષણિક સંસ્થા બનાવવા માંગ
અગ્ર ગુજરાત, જૂનાગઢ
જૂનાગઢના માંગરોળ તાલુકામાંથી શૈક્ષણિક જમીન પચાવી પાડવાનો અને સરકારી તંત્રની ઘોર બેદરકારીનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા જે કિંમતી જમીન ભવિષ્યના શિક્ષકો તૈયાર કરવાના ઉમદા હેતુ માટે ફાળવવામાં આવી હતી, તે જમીન પર આજે ભૂમાફિયાઓએ ગેરકાયદેસર રીતે કબ્જો જમાવી દીધો છે. આ શૈક્ષણિક ભૂમિ પર ભૂમાફિયાઓ દ્વારા નાળિયેરીના બગીચા બનાવી દેવામાં આવ્યા હોવાના જાગૃત નાગરિક અને ધારાસભ્ય દ્વારા આક્ષેપો કરાયા છે. દર વર્ષે લાખો રૂપિયાની કાળી કમાણી કરવામાં આવી રહી છે, છતાં સ્થાનિક વહીવટી તંત્ર મૌન સાધીને બેઠું છે.
માંગરોળના હાર્દ સમો વિસ્તારન જ્યાં સરસ્વતીના આ પવિત્ર ધામને ભૂમાફિયાઓનું આશ્રયસ્થાન બનાવી દેવામાં આવ્યું છે. વર્ષ 1967માં રાજ્ય સરકાર દ્વારા માંગરોળ તાલુકાના શૈક્ષણિક ઉત્કર્ષ અને વિકાસ માટે કેળવણી વિભાગને ‘દાતાર મંઝીલ’ બંગલા સહિત આશરે 36 વીઘા જેટલી અત્યંત કિંમતી જમીન સોંપવામાં આવી હતી.
આ ફાળવણી પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય એ હતો કે અહીં બી.એડ. સમકક્ષ જી.બી.ટી.સી. અને ત્યારબાદ સીપીએડ જેવી રોજગારલક્ષી કોલેજો શરૂ થાય, જેથી સ્થાનિક ગરીબ અને મધ્યમવર્ગના વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ મેળવીને પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકે. પરંતુ સરકારી બાબુઓની ઉદાસીનતા, બેદરકારી અને સ્થાનિક નેતૃત્વની નબળાઈને કારણે આ બંને મહત્વપૂર્ણ કોલેજો એક પછી એક બંધ થઈ ગઈ હતી અને આ કિંમતી સરકારી મિલકત સંપૂર્ણપણે ભગવાન ભરોસે મુકાઈ ગઈ હતી.
કોલેજો બંધ થતાંની સાથે જ જમીન હડપ કરવા ટાંપીને બેઠેલા સ્થાનિક ભૂમાફિયાઓએ આ આખા શૈક્ષણિક કેમ્પસ પર બેફામ દબાણો શરૂ કરી દીધાના ગંભીર આક્ષેપો કરાયા છે. જે જમીન પર ક્યારેક વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા અને સરસ્વતીના શ્લોકો ગૂંજતા હતા, ત્યાં આજે ગેરકાયદેસર નાળિયેરીના બગીચાઓ લહેરાઈ રહ્યા છે. આ સરકારી મિલકતનો ઉપયોગ કરીને ભૂમાફિયાઓ પોતાના અંગત સ્વાર્થ માટે લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે.
આ મામલે જૂનાગઢ DLR કચેરી દ્વારા જમીન માપણીની ફી ભરવા માટે માંગરોળ મામલતદારને ક્યારનોય પત્ર લખી દેવામાં આવ્યો હોવા છતાં, સ્થાનિક તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં રહ્યું અને કાગળો ધૂળ ખાતા પડ્યા રહ્યા. હવે મામલતદાર કચેરીએ પોતાની નબળાઈ છુપાવવા માટે આ જમીન કેળવણી વિભાગ પાસેથી પરત લઈને સરકાર હસ્તક કરવા માટે, એટલે કે ‘શરત ભંગ’ની કાર્યવાહી કરવા કલેક્ટરને દરખાસ્ત મોકલી દીધી છે. તંત્રની આ નીતિ સામે સ્થાનિકોમાં ભારે આક્રોશ છે કારણ કે ભૂમાફિયાઓ સામે કડક પગલાં લેવાના બદલે આખેઆખી શૈક્ષણિક જમીન જ સરકાર ભેગી કરી દેવાનો કારસો રચાઈ રહ્યો છે. જો આ જમીન સરકાર હસ્તક ચાલી જશે, તો માંગરોળ વિસ્તારમાં શિક્ષણના દરવાજા કાયમ માટે બંધ થઈ જશે.
ફર્નિચરની તસ્કરી, કોલેજનું બિલ્ડીંગ ધ્વસ્ત
આ મામલે મકતુપુર ગામના રહીશ મહાવીરસિંહ ચુડાસમાએ આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, માંગરોળની બાજુમાં કેશોદ રોડ ઉપર દાતાર મંઝિલ નામની એક મોટી સંસ્થા આવેલી છે, જ્યાં વર્ષો પહેલાં સીપીએડ કોલેજ ધમધમતી હતી. આ સીપીએડ કોલેજ કોઈ પણ યોગ્ય કારણ વગર બંધ કરી દેવામાં આવી છે. કોલેજ બંધ થતાં જ ત્યાં રાખવામાં આવેલું કિંમતી ફર્નિચર ચોરાઈ ગયું છે, સરકારી મકાનો અને સીપીએડ કોલેજની ઇમારતો સંપૂર્ણપણે પડી ગઈ છે. શૈક્ષણિક હેતુ માટે આજુબાજુની જે જમીનો ફાળવવામાં આવી હતી, તે તમામ જમીન પર વ્યાપક પેશકદમી થઈ ચૂકી છે.
આ જમીન સરકારની છે : ધારાસભ્ય
માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયાએ આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, માંગરોળ ખાતે આવેલી દાતાર મંજિલ નામની જગ્યા મૂળ સરકારી માલિકીની જ છે. વર્ષો પહેલા એટલે કે 1989ની સાલમાં શારદાગ્રામ સંસ્થા દ્વારા આ જગ્યા પર બી.આર.એસ. કોલેજ ચલાવવા માટે ભાડાની માંગણી કરવામાં આવી હતી, જેથી સરકારે તે સમયે આ જગ્યા એક વર્ષના કરાર પર ભાડે આપી હતી. ત્યારબાદ શારદાગ્રામ મુકામે કોલેજનું નવું મકાન તૈયાર થઈ જતાં, આ જગ્યા સી.પી.એડ. કોલેજ ચલાવવા માટે 15 વર્ષના લાંબા ગાળાના ભાડા પટ્ટે માંગવામાં આવી હતી અને સરકારે તે આપી હતી. આ ભાડા પટ્ટો પૂર્ણ થતાં અને સી.પી.એડ. કોલેજ પણ બંધ થઈ જતાં, નિયમ મુજબ આ જગ્યા સંસ્થા દ્વારા સરકારને પરત સોંપી દેવામાં આવી હતી.
ગેરકાયદે દબાણ ખુલ્લા કરાશે : અધિકારી
માંગરોળના મામલતદાર વી. ડી. મોરીએ જણાવ્યું હતું કે, આ જમીન પર થયેલા દબાણો અંગેની ફરિયાદ સ્થાનિક ધારાસભ્ય ભગવાનજીભાઈ મારફત જિલ્લા સંકલન સમિતિમાં વહીવટી તંત્રને મળી છે. આ ફરિયાદ અન્વયે મામલતદાર કચેરી દ્વારા સંબંધિત તમામ વિભાગોને તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવા માટે આદેશ આપી દેવામાં આવ્યા છે. સરકારી જમીન પર જે પણ દબાણકર્તાઓએ કબ્જો કર્યો છે, તેમની સામે કાયદાની જોગવાઈઓ મુજબ ખૂબ જ કડક કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં આ સમગ્ર પ્રકરણની તપાસ ચાલુ હોવાથી ખૂબ જ ટૂંક સમયમાં વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે અને સંબંધિત વિભાગો દ્વારા તમામ ગેરકાયદેસર દબાણો ખુલ્લા કરાવવામાં આવશે.


