વંથલી બેવડી હત્યા કેસના આરોપીની 123 વિઘા જમીન-બેંક એકાઉન્ટ ફ્રીઝ કરાયા
ગુજસીટોકના આરોપીઓ સામે ગૃહ વિભાગે કાર્યવાહી કરવા કર્યા હુકમ
અગ્ર ગુજરાત, જૂનાગઢ
જૂનાગઢ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને વધુ સુદ્રઢ બનાવવા તેમજ ગેરકાયદેસર અને અસામાજિક પ્રવૃત્તિઓ આચરતા તત્વો સામે કડક હાથે કામ લેવા માટે એક વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ કામગીરી અંતર્ગત જૂનાગઢ પોલીસ દ્વારા સંગઠિત ગુનાખોરી આચરતી ટોળકીઓ પર કાયદાનો ગાળિયો મજબૂત કરવા પગલાં લેવામાં આવ્યા હતા. આ આયોજનના પગલે પોલીસ તંત્ર દ્વારા ભૂતકાળમાં વંથલી પોલીસ સ્ટેશન વિસ્તારના રવની ગામે બનેલી ડબલ મર્ડરની ગંભીર ઘટના બાદ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ કરીને હત્યાના ગુનામાં વપરાયેલા હથિયારો સાથે 7 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.
ત્યારબાદ આ શખસોનો ગુનાહિત ઇતિહાસ ચકાસતા માલૂમ પડ્યું હતું કે, તેઓ ગેંગ બનાવીને ધાકધમકી, મારામારી, લૂંટ અને ફાયરિંગ જેવી સંગઠિત ગુનાખોરી આચરતા હતા. લોકો આ ગેંગના ડરના કારણે જાહેરમાં ફરિયાદ કરવા પણ આગળ આવતા ન હતા, જેથી આ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ સિન્ડિકેટનો નાશ કરવા માટે ભૂતકાળમાં રવની ગેંગના કુલ 10 શખ્સો વિરુદ્ધ ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એટલે કે ગુજસીટોક (G.C.T.O.C.) કાયદા હેઠળ ગુનો દાખલ કરી કાયદાકીય સકંજો કસવામાં આવ્યો હતો.
તે સમયે નોંધાયેલા આ ગુજસીટોક ગુનાની ઊંડી તપાસ દરમિયાન પોલીસ તંત્ર દ્વારા સંગઠિત ટોળકીના તમામ આરોપીઓ તેમજ તેમના પરિવારના સભ્યોના નામે ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાંથી વસાવેલી તમામ સ્થાવર અને જંગમ મિલકતોની વિગતો એકત્રિત કરવામાં આવી હતી. ગુનેગારો આર્થિક રીતે નબળા પડે તે હેતુથી આ મિલકતોને ટાંચમાં લેવા માટે ગૃહ વિભાગને દરખાસ્ત મોકલવામાં આવી હતી. આ દરખાસ્તને મંજૂરી આપતા ગૃહ વિભાગ દ્વારા હુકમ બહાર પાડીને આ ગુનાહિત ટોળકીની તમામ ગેરકાયદેસર સંપત્તિ જપ્ત કરવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો હતો.
રાજ્ય સરકારના આ હુકમના પગલે આજે જૂનાગઢ પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા સંયુક્ત રીતે એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ગુનાહિત ગેંગ અને તેમના સગા-સંબંધીઓની કુલ રૂપિયા 2,96,48,167/- એટલે કે અંદાજે પોણા ત્રણ કરોડ રૂપિયાથી પણ વધુની કિંમતની મિલકતોને આજે સત્તાવાર રીતે જપ્ત કરી ટાંચમાં લેવાની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે.
વંથલી તાલુકાના જુદા-જુદા વિસ્તારોમાં આવેલી કરોડોની સંપત્તિ પર પોલીસે સીલ મારી દીધું છે. જેમાં વંથલી તાલુકાના રવની, ઝાંપોદડ અને રૂપાવટી ગામોની અંદર આવેલી આશરે કુલ 123 વીઘા જેટલી ખેતીની જમીનનો સમાવેશ થાય છે, જેની બજાર કિંમત અંદાજે રૂપિયા 2,37,51,300/- જેટલી આંકવામાં આવી છે. આ જમીનો આરોપીઓ રહીમ ઉર્ફે ખુરી સાંઘ, ઇમ્તીયાઝ ઉર્ફે પોલો સાંઘ, હનિફ ઉર્ફે હનો સાંઘ, અમીન સાંઘ, ભાવિન પાડલીયા અને હુશેન અલ્લારખા સાંઘ દ્વારા પોતાના પિતા, માતા કે પત્નીના નામે ખરીદવામાં આવી હતી.
જમીનો ઉપરાંત આરોપીઓએ બેંકિંગ સિસ્ટમમાં રોકેલા નાણાં પણ પોલીસે આજે ફ્રીઝ કરી દીધા છે, જેમાં અલગ-અલગ આરોપીઓ અને તેમના પત્નીના નામે બેંકોમાં ઇન્વેસ્ટ કરાયેલી 27,51,000/- ની ફિક્સ ડિપોઝીટોનો સમાવેશ થાય છે. આ સિવાય આરોપીઓની ગુનાહિત પ્રવૃત્તિઓમાં વપરાતા અથવા તેમાંથી વસાવેલા કુલ 5 વાહનોને પણ પોલીસે કબજે કર્યા છે. આ જંગમ મિલકતોની કુલ કિંમત રૂપિયા 31,45,867/- છે, જેમાં એક જેસીબી મશીન, એક રોયલ ઇન્ફિલ્ડ બુલેટ મોટરસાયકલ તેમજ સ્પ્લેન્ડર અને હોન્ડા શાઇન સહિતની અન્ય ત્રણ મોટરસાયકલોનો સમાવેશ થાય છે.
જૂનાગઢ પોલીસ ચોપડે ગુનાહિત ઇતિહાસ ધરાવતા આ આરોપીઓ ભૂતકાળમાં ગેંગ સ્વરૂપે સક્રિય રહીને લૂંટ, ખંડણી, અપહરણ, પ્રોહિબિશન અને હથિયાર ધારા હેઠળ આસપાસના વિસ્તારોમાં આતંક મચાવતા હતા, જેમાં રહીમ સાંઘ પર 9 ગુના, ઇમરાન સાંઘ પર 4 ગુના, અમીન સાંઘ પર 8 ગુના, બોદુ પલેજા પર 9 ગુના અને રહીમ ઉર્ફે અંતુડી પર સૌથી વધુ 24 ગુનાઓ નોંધાયેલા છે. આ કડક ઓપરેશનને પાર પાડવામાં જૂનાગઢ પોલીસ અને વહીવટી તંત્રના સમગ્ર સ્ટાફે સાથે રહીને આજની કામગીરીને સફળ બનાવી છે.


