ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલનું પરિવાર સાથે શ્રી ખોડલધામ મંદિરે ધ્વજારોહણ
ટ્રસ્ટ દ્વારા આનંદીબેન પટેલનું સન્માન કરાયું
અગ્ર ગુજરાત, રાજકોટ
ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને ખોડલધામ સંગઠન અધ્યક્ષ અનારબેન પટેલે આજરોજ ખોડલધામ મંદિરના પવિત્ર પ્રાંગણમાં પરિવારજનો સાથે પધારી મા ખોડલના ધામમાં ધ્વજારોહણનો લ્હાવો લીધો હતો.
આજ રોજ તારીખ 25 એપ્રિલના રોજ શ્રી ખોડલધામ સંગઠન અધ્યક્ષ શ્રીમતિ અનારબેન પટેલ અને તેઓના પરિવાર દ્વારા શ્રી ખોડલધામ મંદિરે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. શાસ્ત્રોક્ત વિધિથી ધ્વજાજીનું પૂજન કરીને વાજતે ગાજતે સામૈયા કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ શ્રી ખોડલધામ મંદિરના શિખર પર બાવન ગજની ધ્વજાનું આરોહણ કરવામાં આવ્યું હતું. આ ધ્વજારોહણ પ્રસંગે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે પણ ઉપસ્થિત રહીને મા ખોડલના દર્શન કરી શિખર પર ધ્વજારોહણ કર્યું હતું. ધ્વજારોહણ પ્રસંગે ઉપસ્થિત આનંદીબેન પટેલનું ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ટ્રસ્ટીઓ દ્વારા ઉષ્માભેર સ્વાગત કરીને સન્માન કરાયું હતું.


