ખેરડીમાં ત્રણ સંતાનોની માતાની ઘરમાંથી લટકતી લાશ મળી ; રહસ્યમય મોતથી ચકચાર
પતિના અન્ય મહિલા સાથે સંબંધને લઈને ચાલતા હતા ઝઘડા, માવતર પક્ષનો પતિ પર હત્યાનો આરોપ ; બાળકોને પાણીના ટાંકામાં ફેંક્યાની વાતથી પણ ઉઠ્યા સવાલો
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ નજીકના ખેરડી ગામમાં 35 વર્ષીય પરિણીતા કંચનબેન જમોડનું રહસ્યમય સંજોગોમાં મોત થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘરમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં તેમની લાશ મળી આવતાં શરૂઆતમાં આત્મહત્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી, પરંતુ માવતર પક્ષે સીધો હત્યાનો આક્ષેપ કરતા મામલો ગંભીર બન્યો છે. પરિવારજનોએ પતિ સવજી જમોડના અન્ય મહિલા સાથેના સંબંધોને આ ઘટનાનું મૂળ કારણ ગણાવ્યું છે.
મૃતકના ભાઈ હિંમતભાઈ સરવૈયાના જણાવ્યા મુજબ કંચનબેનના લગ્નને બાર વર્ષ જેટલો સમય થયો હતો અને તેમને બે દીકરી તથા એક પુત્ર સહિત ત્રણ સંતાનો છે. છેલ્લા ઘણા મહિનાઓથી પતિ-પત્ની વચ્ચે ઘરકંકાસ ચાલતો હતો. કંચનબેનને પતિના અન્ય મહિલા સાથે સંબંધ હોવાની જાણ થતાં વારંવાર વિવાદો સર્જાતા હતા. અનેક વખત સમાધાનના પ્રયાસો થયા હોવા છતાં પરિસ્થિતિમાં કોઈ ફેરફાર આવ્યો નહોતો.
પરિવારના જણાવ્યા મુજબ ઘટનાની રાત્રે સવજી જમોડે ફોન કરીને કંચનબેને ગળાફાંસો ખાઈ લીધો હોવાનું જણાવ્યું હતું. સાથે જ તેમણે એવો દાવો પણ કર્યો હતો કે કંચનબેને આત્મહત્યા પહેલાં ત્રણેય બાળકોને પાણીના ટાંકામાં ફેંકી દીધા હતા, પરંતુ તેમણે બાળકોને બચાવી લીધા હતા. આ દાવા અંગે માવતર પક્ષે ગંભીર શંકા વ્યક્ત કરી છે અને સમગ્ર ઘટનાક્રમને શંકાસ્પદ ગણાવ્યો છે.
પરિવારજનોએ વધુમાં જણાવ્યું હતું કે કંચનબેનના શરીર પર મારપીટ અથવા સંઘર્ષના નિશાન જેવા ચાંભા જોવા મળ્યા હતા, જેના કારણે આત્મહત્યાની થિયરી પર અનેક પ્રશ્નો ઊભા થયા છે. તેમના મતે કંચનબેનની હત્યા કરવામાં આવી હોવાની સંભાવના નકારી શકાય તેમ નથી.
પ્રાથમિક રીતે કુવાડવા હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડાયેલા મૃતદેહને પરિવારજનોની માંગણી બાદ વધુ તપાસ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. હવે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસ તપાસના તારણો બાદ જ મોતનું સાચું કારણ સ્પષ્ટ થઈ શકશે. કંચનબેનના નિધનથી તેમના 9 વર્ષ અને 5 વર્ષની બે દીકરી તેમજ અઢી વર્ષના પુત્રએ માતાની છત્રછાયા ગુમાવી છે. ઘટનાથી બંને પરિવારોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે, જ્યારે સમગ્ર પંથકમાં આ બનાવ ચર્ચાનો વિષય બન્યો છે.


