ભાગીદારોના ત્રાસથી કંટાળી વેરાવળના યુવાને રાજકોટમાં 10મા માળેથી મોતની છલાંગ લગાવી
રૈયાધારના દર્શનસૃષ્ટિ એપાર્ટમેન્ટમાં બચાવવા પરિવારજનો દોડી આવ્યા છતાં ટી-શર્ટ હાથમાં રહી ગયું, યુવક નીચે પટકાયો
સોના-ચાંદીના ધંધામાં દગો, ઉઘરાણી અને અપહરણ કરી માર માર્યાના પરિવારના ગંભીર આક્ષેપ
રાજકોટ…..
રાજકોટના રૈયાધાર વિસ્તારમાં આવેલી દર્શનસૃષ્ટિ એપાર્ટમેન્ટમાં બુધવારે રાત્રે બનેલી એક કરુણ ઘટનાએ શહેરને હચમચાવી દીધું છે. મૂળ વેરાવળના 21 વર્ષીય યુવકે દસમા માળેથી કૂદકો મારી જીવન ટૂંકાવી લેતાં પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. પ્રાથમિક માહિતી મુજબ યુવક છેલ્લા કેટલાક સમયથી વ્યવસાયિક વિવાદો અને માનસિક દબાણના કારણે ભારે તણાવમાં હતો.
મૃતકની ઓળખ મિત અંકિતભાઈ માંડલિયા (ઉ.વ. 21) તરીકે થઈ છે. જાણવા મળ્યા મુજબ મિત પોતાના ફુઆના રૈયાધાર સ્થિત ફ્લેટમાં છેલ્લા ત્રણ દિવસથી રોકાયો હતો. પરિવારજનોના જણાવ્યા અનુસાર તે ખૂબ જ ચિંતિત અને એકલવાયો રહેતો હતો. દરમિયાન બુધવારે રાત્રે તેણે એપાર્ટમેન્ટના દસમા માળેથી કૂદકો મારી આપઘાત કરી લીધો હતો.
પરિવારજનોના આક્ષેપ મુજબ મિતે ધાર્મિક જોષી, ગૌરાંગ જોષી અને સંજય વ્યાસ સાથે ભાગીદારીમાં સોના-ચાંદીનો વ્યવસાય શરૂ કર્યો હતો. ધંધામાં કરેલા રોકાણ બાદ ભાગીદારો દ્વારા વ્યાજની માંગણી, વધારાની ભાગીદારી માટે દબાણ અને સતત ઉઘરાણી કરવામાં આવતી હતી. આર્થિક દબાણ ઉપરાંત માનસિક રીતે પણ હેરાનગતિ કરવામાં આવતી હોવાનું પરિવારજનોએ જણાવ્યું છે.
પરિવારના જણાવ્યા પ્રમાણે થોડા સમય પહેલાં મિતનું અપહરણ કરીને તેને ગડુ નજીક લઈ જઈ માર મારવામાં આવ્યો હતો. એટલું જ નહીં, તેની પાસેથી આશરે 15 તોલા જેટલું સોનું પણ પડાવી લેવાયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટનાક્રમ બાદ મિત ભારે માનસિક આઘાતમાં સરી પડ્યો હતો અને એક સમયે ઘર છોડીને ચાલ્યો ગયો હતો. જેના કારણે વેરાવળ સિટી પોલીસમાં તેની ગુમ થયાની અરજી પણ નોંધાઈ હતી. તપાસ દરમિયાન તેનું લોકેશન ચંદીગઢમાં મળ્યું હોવાનું જાણવા મળ્યું છે. તાજેતરમાં મિત રાજકોટ આવી પોતાના સગાંના ફ્લેટમાં રહેવા લાગ્યો હતો. મિત રાજકોટમાં હોવાની જાણ થતાં તેના પિતા સહિતના પરિવારજનો તેને સમજાવવા અને મળવા માટે રાજકોટ પહોંચ્યા હતા. દરમિયાન ફ્લેટ બહાર તેના ચપ્પલ પડેલા જોવા મળતા પરિવારજનોને શંકા ગઈ હતી. દરવાજો ન ખુલતા તેને તોડી અંદર પ્રવેશ કરવામાં આવ્યો હતો. તે સમયે મિત કૂદકો મારવાની તૈયારીમાં હોવાનું જણાયું હતું.
પરિવારજનો અને સગાંઓએ તેને બચાવવાનો અંતિમ પ્રયાસ પણ કર્યો હતો. મિત તરફ દોડીને તેને પકડી રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેનું ટી-શર્ટ હાથમાં રહી ગયું અને તે નીચે પટકાયો હતો. આ રીતે બચાવ માટેના તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા.
ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી તપાસ શરૂ કરી છે. પરિવારજનો દ્વારા ભાગીદારો સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હોવાથી પોલીસે આર્થિક લેવડદેવડ, ત્રાસ અને અન્ય સંજોગોની દિશામાં પણ તપાસ હાથ ધરી છે. યુવાનના અકાળ અવસાનથી પરિવાર શોકમાં ગરકાવ થયો છે, જ્યારે સમગ્ર ઘટનાએ શહેરમાં ભારે ચર્ચા જગાવી છે.


