સિંહોરમાં ટ્રકે એકસેસને હડફેટે લેતા યુવાનનું મોત, એક ઘાયલ
પુત્રના મોતથી પરિવારમાં કરૂણ કલ્પાંત : ઇજાગ્રસ્તને સારવારમાં ખસેડાયો
અગ્ર ગુજરાત, ભાવનગર
ભાવનગરના સિહોરના વડલા ચોક પાસે ગત(26 મે) રાત્રે એક બેફામ ગતિએ આવી રહેલા ટ્રકે એક્સેસને જોરદાર ટક્કર મારતાં 18 વર્ષના આશાસ્પદ યુવક અતીકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે તેની સાથે રહેલા અન્ય એક યુવક અમનને ગંભીર ઇજાઓ પહોંચતા વધુ સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવ્યો છે.
આ બેફામ ટ્રકે અતીકની ગાડીને ટક્કર મારતા પહેલાં ગોપીનાથ કોલેજ જવાના રસ્તે આંબલા ગામના ભાવેશ દિનેશભાઈ કંબોયાની મોટરસાયકલને પણ સાઇડમાંથી ટક્કર મારીને નુકસાન પહોંચાડ્યું હતું, ત્યાંથી ભાગવા જતાં બે મિત્રોને અડફેટે લઈ ટ્રક ખોડિયાર મંદિર પાછળ ઘૂસી ગઈ હતી.
આ બનાવ અંગે સિહોર પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર સિહોરના હબીબબાપુની શેરીમાં રહેતા લિયાકતભાઇ ગનીભાઇ ડેરેયાના 18 વર્ષના પુત્ર અતીક અને તેનો મિત્ર અમન બંને એક્સેસ નંબર GJ-04-EM-9287 લઇને રાત્રિના આશરે 11 વાગ્યાની આસપાસ વડલા ચોક તરફથી પસાર થઇ રહ્યા હતા.
તે જ સમયે રાજકોટ તરફથી પૂરઝડપે અને બેફિકરાઈથી આવી રહેલા એક ટ્રક નંબર GJ-11-Z-6888ના ચાલક ભરત હાદાભાઇ કુવાડીયા (રહે.ખાખરીયા, તા. સિહોર) એ પોતાની ગાડી ગફલતભરી રીતે ચલાવીને અતીકની એક્સેસને અડફેટે લીધી હતી.
એક્સેસને ટક્કર માર્યા બાદ ‘વિકાસ ટ્રાન્સપોર્ટ’ ની સામેથી વડલા ચોક ખોડીયાર મંદિર પાછળ સુધી ટ્રક ઘૂસી ગઈ હતી. આ ભયાનક અકસ્માતમાં અતીક(ઉં.વ.18) ને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.
અતીકનો મિત્ર અમન આ ટ્રકની સાથે આશરે એકાદ કિલોમીટર સુધી રોડ પર ધસડાતા તેમને શરીરે અને માથા ભાગે અત્યંત ગંભીર ઈજાઓ થઈ છે, જેથી તેમને વધુ સારવાર માટે તાત્કાલિક ભાવનગર હોસ્પિટલમાં ખસેડાયા છે.


