ઉનાના નાદરખમાં ખનિજ માફિયાનો કહેર,પુર સંરક્ષણ પાળો તોડી 60 પરિવારોને બરબાદ કર્યાં
ગેરકાયદે રેતી ખનન માટેતોડાયા પૂર સંરક્ષણ પાળા, રાવલ ડેમના પાણી ગામમાં ઘૂસતાં માનવ સર્જિત આફત સર્જાઈ હોવાના આક્ષેપ
ઘરવખરી, અનાજ, પશુચારો અને બાળકોના પુસ્તકો પાણીમાં તણાયા; ખનિજ માફિયાઓ સામે કાર્યવાહી નહીં થતાં ગ્રામજનોમાં રોષ
અગ્ર ગુજરાત, ઉના
ઉના તાલુકાના નાદરખ ગામ માં ગેરકાયદે રેતી ખનનને લઈને ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ ખનિજ માફિયાઓએ રાવલ ડેમ હેઠળની માલણ નદી કાંઠે લોકફાળાથી બનાવવામાં આવેલા પુર સંરક્ષણ પાળા ગેરકાયદેસર રીતે તોડી ટ્રેક્ટર અને જેસીબી પસાર કરવા માટે રસ્તા બનાવી દીધા હતા. ત્યારબાદ ભારે વરસાદ અને રાવલડેમમાંથી આવેલા પાણી સીધા ગામ તરફ ધસી આવતા આશરે 60 જેટલા ગરીબખેડૂતઅને ખેતમજૂર પરિવારોના ઘરો માં પાણી ઘૂસી ગયું હતું. પરિણામે ઘરવખરી, અનાજ, પશુઓ માટેનો ચારો તેમજ બાળકોની શૈક્ષણિકસામગ્રી પાણીમાં તણાઈ જતાં પરિવારો ભારે સંકટમાં મુકાયા હોવાનું ગ્રામજનો એ જણાવ્યું છે.
ગ્રામજનોના આક્ષેપ મુજબ આ સમગ્ર ઘટના કુદરતી નહીં પરંતુ ગેરકાયદે રેતી ખનનના કારણે સર્જાયેલી માનવસર્જિત દુર્ઘટના છે.વર્ષોથી પુરથી ગામનેબચાવતા પાળાને તોડી નાખવામાં આવતા નદીનો પ્રવાહ બદલાઈ ગયો અને પાણી ગામમાં ફરી વળ્યું. હજારો મીટર સુધી ના પાળા ધોવાઈ જતાં હવે ગામ અને નદી વચ્ચે નવો પ્રવાહ ફાટી નીકળે તેવી સ્થિતિનું નિર્માણ થયું હોવાનું પણ સ્થાનિકો જણાવી રહ્યા છે.
આ વિસ્તારમાં ખનિજ માફિયા ઓ ખુલ્લેઆમ દાદા ગીરી કરી રહ્યા છે. જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરો, અમારું કોઈ કંઈ બગાડી શકતું નથી, અમે દર મહિને કરોડોની કમાણી કરીએ છીએ,જેવીધમકીઓગ્રામજનો ને આપવામાં આવી રહી હોવાનું તેઓએ જણાવ્યું હતું. જેના કારણે સામાન્ય લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ રેતી ખનન બાદ રેતી ધોવા માટે ગેરકાયદેસર રીતે કૂવામાં મોટર અને પાઇપ મુકવામાં આવ્યા છે.ગામમાંથી પસાર થતી જ્યોતિ ગ્રામ યોજનાના વીજ જોડાણમાંથી દોરડા ખેંચી વીજ ચોરી કરવામાં આવી રહી હોવાના આક્ષેપ પણ થયા છે. રોયલ્ટી ભર્યા વગર મોટા પાયે રેતીનું ખનન અને વેચાણ થતું હોવા ઉપરાંત પીજીવીસીએલના સાધનોના ગેરઉપયોગ અંગે પણ ગ્રામજનોએ ગંભીરપ્રશ્નોઉઠાવ્યા છે.
લોકો નું કહેવું છે કે દરરોજ સેંકડો ટ્રેક્ટર, ટ્રોલી અને ડમ્પર બિનપરમિટ રેતી ભરીને જાહેર માર્ગો પર બેફામ દોડે છે. તેમ છતાં ખાણ-ખનિજ વિભાગ, પોલીસ, પ્રાંત કચેરી, મામલતદાર કચેરી, તાલુકા વિકાસ અધિકારી, વન વિભાગ અને અન્ય જવાબદાર તંત્ર તરફથી કોઈ અસરકારક કાર્યવાહી થતી ન હોવાથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
નદીમાંથી બેફામ રેતી ઉપાડવાના કારણે કુદરતી જળસ્તર અને પર્યાવરણ પર ગંભીર અસર પડી રહી હોવાનું અને ખનીજ ચોરી ના કારણે નદીના પટમાં ઊંડા ખાડાઓ પડી ગયા છે અને જો આ પ્રવૃત્તિ અટકાવવા માં નહીં આવે તો ભવિષ્યમાં વધુ ગામો પૂર અનેધોવાણ જેવી માનવસર્જિત આફતોનો ભોગ બનશે તેવી ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશનો આક્રોશ ખનિજ માફિયાઓ સામે કડક કાર્યવાહી નહીં થાય તો આવી માનવસર્જિત આફતો ફરી સર્જાશે
ઉના ના નાદરખ ગામની મુલાકાત બાદ પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશે સ્થળ પરથી જ જિલ્લા કલેક્ટરને ટેલિફોનિક રજૂઆત કરી સમગ્ર ઘટનાની ગંભીરતાઅંગે જાણ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ગેરકાયદે રેતી ખનન માટે પુર સંરક્ષણ પાળા તોડી નાખવામાં આવતા ભારે વરસાદ અને રાવલ ડેમના પાણી ગામમાં ઘૂસ્યાં, જેના કારણે આશરે 60 જેટલા ગરીબ પરિવારોને ભારે નુકસાન વેઠવું પડ્યું છે. આ માત્ર કુદરતી આપત્તિ નહીં પરંતુ ખનિજ માફિયાઓની બેફામ ગેરકાયદે પ્રવૃત્તિ ઓના કારણે સર્જાયેલી માનવસર્જિત દુર્ઘટના છે.
પૂર્વ ધારાસભ્યએ માંગ કરી હતી કે પાળો તોડનાર અને ગેરકાયદે ખનન કરનાર તમામ તત્વો સામે તાત્કાલિક પોલીસ ફરિયાદ નોંધવામાં આવે તેમજ સિંચાઈ વિભાગ, ખાણ-ખનિજ વિભાગ, પ્રાંત અધિકારી અને પીજીવીસીએલ દ્વારા સંયુક્ત તપાસ હાથ ધરી સમગ્ર રેકેટનો પર્દાફાશ કરવામાં આવે. તેમણે ગેરકાયદે વીજ ચોરી, રોયલ્ટી વગરના રેતી ખનન અને તેમાં સંડોવાયેલા લોકોના કોલ ડિટેઇલ સહિત તમામ પાસાઓની તપાસ કરવાની પણ માંગ કરી હતી.પુંજાભાઈ વંશે જણાવ્યું હતું કે, નદીઓ અને કુદરતી સંપત્તિની લૂંટ બંધ કરવી હવે સમયની માંગ છે. જો જવાબદાર તંત્ર હવે પણમૌન રહેશે તો આવનારા સમયમાં વધુ ગામો આવી માનવ સર્જિત આફતોનો ભોગ બનશે. પૂરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક રાહત સહાય આપવામાં આવે અને જવાબદારો સામે દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે.
ખનિજ માફિયાઓ દાદાગીરી પર ઉતરી આવે છે: પૂર્વ સરપંચ
નાદરખના પૂર્વ સરપંચ ગંભીરસિંહ કાળુભા ગોહિલે જણાવ્યું હતું કે ગામ અને આસપાસના વિસ્તારમાં માથાભારે ખનિજ માફિયાઓ ખુલ્લેઆમ ગેરકાયદે રેતી ખનન કરી રહ્યા છે. લોકફાળાથી બનેલા પુર સંરક્ષણ પાળા તોડી જેસીબી અને ટ્રેક્ટર માટે રસ્તા બનાવવામાં આવ્યા છે. તેમને રોકવાનો પ્રયાસ કરવામાં આવે તો દાદાગીરી અને ધમકીઓ આપવામાં આવે છે. કરોડો રૂપિયાનું ખનિજ લૂંટાઈ રહ્યું છે, જ્યારે લોકોના ઘરોમાં પાણી ઘૂસી બરબાદી સર્જાઈ હોવા છતાં કોઈ અધિકારી પૂછવા પણ આવ્યો નથી તે દુઃખદ બાબત છે.


