ખેડામાં ત્રણ વર્ષ સુધી સગીરા સાથે પ્રેમી સહિત નવ શખ્સોનો ગેંગરેપ
અંગત પળોના વીડિયો-ફોટા વાયરલ કરવાની ધમકી આપી આચરેલુ દુષ્કૃત્ય : આઠની ધરપકડ
અગ્ર ગુજરાત, ખેડા
ખેડા જિલ્લામાંથી માનવતાને શર્મસાર કરતી એક અત્યંત આઘાતજનક ઘટના સામે આવી છે. છેલ્લા ત્રણ વર્ષથી એક સગીરા પર નવ નરાધમો દ્વારા આચરવામાં આવેલા અત્યાચારનો પર્દાફાશ થયો છે. આ મામલે પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને 8 આરોપીઓની ધરપકડ કરી લીધી છે.
આ ઘટનાની શરૂઆત બે વર્ષ પહેલા થઈ હતી, જ્યારે મુખ્ય આરોપી પરવેઝ પઠાણે સગીરાને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. પરવેઝે સગીરા સાથે શારીરિક સંબંધ બાંધી તેના વાંધાજનક ફોટા અને વીડિયો ઉતારી લીધા હતા. આ વીડિયોના આધારે તેણે સગીરાને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું.
મુખ્ય આરોપી પરવેઝે આ વાંધાજનક વિડીયો તેના અન્ય મિત્રોને પણ બતાવ્યા હતા. ત્યારબાદ અન્ય 8 શખ્સોએ પણ સગીરાને ધમકી આપવાનું શરૂ કર્યું. આરોપીઓ સગીરાને ધમકાવતા હતા કે જો તે તેમની વાત નહીં માને તો તેના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેવામાં આવશે. તેના પરિવારને જાનથી મારી નાખવામાં આવશે. આ સતત ડર અને ધમકીઓના કારણે સગીરા વર્ષ 2023 થી લઈને વર્ષ 2025 ના રમઝાન માસ સુધી આ નરાધમોના શોષણનો ભોગ બનતી રહી હતી.
લાંબા સમય સુધી આ નરક જેવી સ્થિતિ અને અત્યાચાર સહન કર્યા બાદ, સગીરાએ હિંમત ભેગી કરી અને પરિવારને આપવીતી જણાવી. પરિવારે આ મામલે હિન્દુ સંગઠનોનો સંપર્ક સાધ્યો હતો, જેમના સહયોગથી ખેડા ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે આ ગંભીર મામલે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) અને પોક્સો (POCSO) એક્ટ હેઠળ ગુનો દાખલ કરાયો છે.
પોલીસે મુખ્ય આરોપી પરવેઝ પઠાણ, માહિર, ફૈઝાન, તૌફીક અને સાહીલ સહિત કુલ 9 શખ્સો સામે કેસ નોંધ્યો છે અને અત્યાર સુધીમાં 8 આરોપીઓની ધરપકડ કરી લીધી છે, જ્યારે એક ફરાર આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
પોલીસે નિવેદન આપતા કહ્યું છે કે આ એક સુનિયોજિત કાવતરું જણાય છે. ભોગ બનનાર સગીરાનું મેડિકલ પરીક્ષણ કરવામાં આવ્યું છે અને તમામ આરોપીઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.


