ઉપલેટાના ખારચીયા ગામના સરપંચે કરેલ લાખોના ગેરકાયદેસર દબાણ પર તંત્રના ડિમોલિશન બાદ ભેદી મૌન
મીડિયાથી માહિતી છુપાવતું તંત્ર પણ શંકાના દાયરામાં, ફરિયાદીઓના નામ ખુલ્લા કરી અરજદારોના જીવ સીધા જોખમમાં મૂકી ગોપનીયતાનો ભંગ કરતા હોવાની પણ ચર્ચાઓ
ગ્રામ પંચાયતના પંચાયતના રેકોર્ડ સાથે ચેડાં કરવી, ગૌચર પર કબ્જો અને વેણુ નદીમાં રાત્રે ગેરકાયદેસર માછીમારી થતી હોવાની ગ્રામજનોની ગુપ્ત ફરિયાદ ઉઠી
અગ્ર ગુજરાત, ઉપલેટા
ઉપલેટા તાલુકાના શહીદ ખારચીયા ગામમાં હાલ વહીવટી તંત્ર અને સ્થાનિક નેતાગીરીની મિલીભગતનો સૌથી મોટો અને કાળો ખેલ રમાઈ રહ્યો છે અને આ ખેલની અંદર ખારચીયા ગામના સરપંચ બોદુભાઈ દોસામાહમદભાઈ માથુપૌત્રા દ્વારા લાખો રૂપિયાની કિંમતી સરકારી જગ્યા પર ઉભા કરાયેલા ગેરકાયદેસર દબાણને તંત્રએ તોડી તો પાડ્યું, પરંતુ આ કાર્યવાહી પર સદંતર પડદો પાડી દેવામાં આવ્યો છે. મીડિયા અને જનતાથી આ ડિમોલિશનની માહિતી વ્યવસ્થિત રીતે છુપાવીને સરકારી તંત્રએ સ્પષ્ટ કરી દીધું છે કે, ભ્રષ્ટાચારને છાવરવા માટે ‘બંધ બારણે મોટો વહીવટ’ થઈ ચૂક્યો છે. તંત્રનું આ શંકાસ્પદ અને ભેદી મૌન ગંભીર સવાલો ઉભા કરી રહ્યું છે.
સૌથી ગંભીર અને આઘાતજનક બાબત એ છે કે, જે જાગૃત નાગરિકો દાદાગીરી અને ભ્રષ્ટાચાર સામે પુરાવાઓ સાથે લેખિત ફરિયાદ કરે છે, રક્ષક બનેલું તંત્ર જ તેમના નામ સામા પક્ષે લીક કરી દે છે. સરકારી બાબુઓની આ ગુનાહિત બેદરકારીથી ગોપનીયતાનો ભંગ થયો છે અને ફરિયાદીઓના જીવ જોખમમાં મુકાયા છે. જ્યારે પણ કોઈ વ્યક્તિ અવાજ ઉઠાવે છે, ત્યારે તેને રાજકીય વગ અને નાણાંના જોરે ખોટા પુરાવાઓ ઉભા કરી, ખોટા પોલીસ કેસમાં ફસાવી દેવાના ષડયંત્રો છેલ્લા બે-ત્રણ વર્ષથી ખુલ્લેઆમ ચાલી રહ્યા છે, છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે.
સરપંચ બોદુભાઈ દોસામાહમદભાઈ માથુપૌત્રાના કૌભાંડોની યાદી માત્ર દબાણ પૂરતી સીમિત નથી. ગ્રામ પંચાયતના રેકોર્ડમાં મસમોટી ગોલમાલ કરવી, રેકોર્ડ ગાયબ કરવા અને સરકારી ગ્રાન્ટમાં પબ્લિકના નાણાંની ઉચાપત કરવાના પણ ગંભીર આક્ષેપો છે. પોતાના રહેણાંક મકાનમાં મંજૂરી કરતા વધુ બાંધકામ, ખરાબા અને ગૌચરની જમીન પર કબ્જો જમાવી ગેરકાયદે ખેતી કરવી અને વેણુ નદીમાં રાતોરાત ભાગીદારીમાં ગેરકાયદેસર માછીમારીનો ગોરખધંધો, ખનીજ ચોરી કરવી, ગેરકાયદેસર દુકાનો ઊભી કરવી અને ગોરખ ધંધા ચલાવવા જેવી સ્ફોટક માહિતી ગ્રામજનોએ ગુપ્ત રીતે ઉજાગર કરી છે અને ગત તાલુકા પંચાયતની ચૂંટણીમાં પણ ભાજપ કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે વહીવટ કરાવવામાં મુખ્ય ભૂમિકા સરપંચની હોવાની પણ ચર્ચાઓ ઉઠી હતી.
આ સમગ્ર બાબતની અંદર ગ્રામજનો પાસેથી મળતી માહિતી અનુસાર ક્યારે હકીકત જાણવા જ્યારે મીડિયા આ મામલે સવાલો પૂછે છે, ત્યારે તંત્ર ગોળ-ગોળ જવાબો આપીને મીડિયાને પણ મૂર્ખ બનાવી રહ્યું છે અને ‘આવી કોઈ કામગીરી થઈ જ નથી’ તેવો બચાવ કરી રહ્યું છે. જો ખરેખર કાયદેસર કાર્યવાહી થઈ છે, તો તંત્ર માહિતી આપતા કેમ ડરે છે? શું તંત્રના જવાબદાર અધિકારીઓ કોઈ વહીવટમાં જમી ગયા છે? આ સમગ્ર મામલે ઉચ્ચ કક્ષાએથી નિષ્પક્ષ તપાસ થાય, પંચાયતનું તમામ રેકોર્ડ તાત્કાલિક જપ્ત કરવામાં આવે અને કસૂરવારો સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે.
આ પ્રકારની તમામ બાબતોની અંદર જો તંત્ર ખરેખર પારદર્શક અને સાચું હોય તો તેણે હકીકતલક્ષી માહિતી તાત્કાલિક મીડિયા સમક્ષ જાહેર કરવી જોઈએ તો હકીકત બહાર આવશે અન્યથા તંત્ર પૂરેપૂરું સંડોવાયેલું હોય તે સ્પષ્ટ સાબિત થઈ શકે છે અને તંત્ર શું કરી રહ્યું છે અને શું નથી કરી રહ્યું તે પણ સ્પષ્ટ સાબિત થશે ત્યારે હવે ખારચીયા ગ્રામ પંચાયતની બાબતો અને તંત્ર દ્વારા કાર્યવાહી ન કરવાની અને રહેમદિલી રાખવાની ગોલમાલના વધુ પુરાવાઓ આગામી દિવસોમાં કોર્ટમાં વધુ ખુલશે તેવી પણ ચર્ચાઓ થઈ રહી છે.


