વીરપુર ખાતે કન્યા અને કુમાર શાળામાં પ્રગતિનો પ્રવેશોત્સવ યોજાયો
શૈક્ષણિક કિટ અર્પણ, તેજસ્વી છાત્રોનું સન્માન
અગ્ર ગુજરાત, વીરપુર
વીરપુરમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવા તેમજ નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાનો મુખ્ય હેતુ કાર્યક્રમ રહ્યો હતો. આ કાર્યક્રમમાં રાજ્ય કક્ષાના શ્રમ અને રોજગાર વિભાગના નાયબ સચિવ પૂજાબેન ઉપાધ્યાય, જેતપુર તાલુકાના મામલતદાર આશીષ બાખલખીયા, રાજકોટ ડાયેટના લેક્ચરર નિશાંતબેન બાબી, જેતપુર તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી કાજલબેન જાની, સી.ડી.પી.ઓ. પૂજાબેન, જિલ્લા પંચાયત સદસ્ય દીપકભાઈ ગાજીપરા, તાલુકા પંચાયત સભ્ય રમેશભાઈ શેખ, તાલુકા પંચાયત સભ્ય રમેશભાઈ કોઠારી, પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય જનકભાઈ ડોબરીયા, બી.આર.સી. ભવન જેતપુરના વિજય સાહેબ સહિત ગામના અગ્રણીઓ, વાલીઓ, નિવૃત્ત શિક્ષકો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
શાળા પ્રવેશોત્સવ અંતર્ગત બાલવાટિકા, ધોરણ-1 તથા આંગણવાડીમાં નવા પ્રવેશ મેળવનાર નાનાં ભૂલકાઓને હાનુભાવોના હસ્તે શૈક્ષણિક કીટ અર્પણ કરીને તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ધોરણ 3 થી 8 સુધીમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત બાહ્ય પરીક્ષાઓમાં મેરીટમાં સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓ તેમજ સમગ્ર શૈક્ષણિક વર્ષ દરમિયાન 100 ટકા હાજરી નોંધાવનાર વિદ્યાર્થીઓને પણ મહાનુભાવોના હસ્તે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ મહાનુભાવો દ્વારા શાળા પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે વીરપુર કુમાર શાળા અને કન્યાશાળાના આચાર્યઓ, શિક્ષકમિત્રો તેમજ સ્ટાફ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અને ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.


