વોર્ડ નં.૧૧માં વધુ બે હાઇરાઇઝ એપાર્ટમેન્ટમાંથી પાણીની ચોરી ઝડપાઇ, એક-એક લાખનો દંડ
શાંતિવન એપાર્ટમેન્ટ અને શ્યામલ ઉપવનમાં મનપાની કાર્યવાહી
અગ્ર ગુજરાત, રાજકોટ
શહેરમાં પીવાના પાણીનું સમાન, નિયમિત અને પારદર્શક વિતરણ સુનિશ્ચિત કરવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સતત મોનીટરીંગ તથા ચકાસણીની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ અંતર્ગત વોર્ડ નં.૧૧ વિસ્તારમાં આવેલ કેટલાક હાઇરાઇઝ રહેણાંક બિલ્ડીંગોની તપાસ દરમિયાન ગંભીર અનિયમિતતાઓ ધ્યાને આવી હતી.
તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સંબંધિત બિલ્ડીંગોમાં નિયમિત રીતે પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવતી હોવા છતાં કેટલાક રહીશો તથા બિલ્ડીંગના સંચાલકો દ્વારા મહાનગરપાલિકાની પૂર્વ મંજૂરી વિના પાણી સપ્લાય લાઇન ઉપર આવેલ વાલ્વનું સ્વયં સંચાલન કરવામાં આવતું હતું. ઉપરાંત, પાણીની ગેરકાયદેસર ચોરી કરવામાં આવતી હોવાનું પણ બહાર આવ્યું હતું.
આ બાબતને રાજકોટ મહાનગરપાલિકાએ અત્યંત ગંભીરતાથી લઈ સંબંધિત બિલ્ડીંગોને નોટિસ પાઠવી મહાનગરપાલિકાના લાગુ નિયમો મુજબ રૂ.૧,૦૦,૦૦૦/-નો દંડ ફટકાર્યો હતો. સાથે જ દંડની રકમ મહાનગરપાલિકામાં ભરપાઈ કરવામાં ન આવે ત્યાં સુધી પાણી પુરવઠો પુનઃ શરૂ કરવામાં નહીં આવે તેવી સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી. નોટિસના અનુસંધાને બંને એપાર્ટમેન્ટોના પ્રમુખો દ્વારા રૂ.૧,૦૦,૦૦૦/-ની દંડ રકમ રાજકોટ મહાનગરપાલિકામાં ભરપાઈ કરવામાં આવી છે.
મનપાએ ૧) શાંતિવન એપાર્ટમેન્ટ, અંબિકા ટાઉનશિપ રોડ, હોકર્સ ઝોન સામે, દ્વારિકાધીશ ચોક પાસે અને ૨) શ્યામલ ઉપવન, વગડ ચોકડીવાળો રોડ, એપાર્ટમેન્ટમાંથી પાણી ચોરી ઝડપી પાડી છે.
રાજકોટ મહાનગરપાલિકા શહેરના નાગરિકોને સ્પષ્ટપણે જણાવે છે કે પીવાના પાણીની લાઇન, વાલ્વ અથવા અન્ય કોઈપણ પાણી પુરવઠા સંબંધિત સાધનો સાથે અનધિકૃત ચેડાં કરવાં, પાણીની ચોરી કરવી અથવા મહાનગરપાલિકાની પાણી વિતરણ વ્યવસ્થામાં અવરોધ ઊભો કરવો એ ગંભીર અને દંડનીય ગુનો છે.
ભવિષ્યમાં શહેરના કોઈપણ વિસ્તારમાં આવી પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ધ્યાને આવશે તો સંબંધિત વ્યક્તિઓ, સોસાયટીઓ અથવા સંસ્થાઓ સામે લાગુ કાયદાકીય જોગવાઈઓ મુજબ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. શહેરના તમામ નાગરિકો અને રહેણાંક સંકુલોના સંચાલકોએ પાણીનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરી મહાનગરપાલિકાની પાણી વિતરણ વ્યવસ્થામાં સહકાર આપવા રાજકોટ મહાનગરપાલિકા અપીલ કરે છે.


