“વિશ્વ પર્યાવરણ દિવસ” નિમિત્તે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના ૧૮ સ્થળોએ ૭૫૦થી વધુ વૃક્ષોનું વાવેતર
પર્યાવરણની જાળવણી કરવા સંદેશ પાઠવતા પદાધિકારીઓ
અગ્ર ગુજરાત, રાજકોટ
“વિશ્વ પર્યાવરણ દિવસ” (૫ જૂન) નિમિત્તે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળા રાજકોટના સંકલ્પને સાકાર કરવા માટે શહેરના ત્રણેય ઝોનના તમામ વોર્ડ વિસ્તારમાં વિશાળ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત શહેરના વિવિધ ૧૮ સ્થળોએ ૭૫૦થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે પર્યાવરણ જાળવણી, હરિયાળી વધારવા અને નાગરિકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાના હેતુથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. “વિશ્વ પર્યાવરણ દિવસ”ની ઉજવણી અંતર્ગત યોજાયેલા વૃક્ષારોપણ કાર્યક્રમમાં શહેરના વિવિધ જાહેર સ્થળો, બગીચાઓ, ખુલ્લી જગ્યાઓ, માર્ગ કિનારા તેમજ અન્ય યોગ્ય સ્થળોની પસંદગી કરી, વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ધારાસભ્યઓ, વોર્ડ કમિટીના સભ્યો, વિવિધ સેવાકીય અને સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, પર્યાવરણ પ્રેમીઓ તેમજ રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ઉપસ્થિત મહાનુભાવોએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણ માટે સૌને વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરવા અને તેનું જતન કરવા અપીલ કરી હતી.
રાજકોટ મહાનગરપાલિકાના મેયર ડૉ. નેહલ શુક્લ, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા, ઇન્ચાર્જ મ્યુનિસિપલ કમિશનર અનંદુ સુરેશ ગોવિંદ, શાસક પક્ષના નેતા ડૉ. હિરેનભાઈ ખીમાણિયા તથા શાસક પક્ષના દંડક સંજયસિંહ રાણા દ્વારા આગામી સમયમાં પણ શહેરને વધુ હરિયાળું, સ્વચ્છ અને પર્યાવરણમૈત્રીપૂર્ણ બનાવવા માટે વૃક્ષારોપણ સહિતના વિવિધ પર્યાવરણલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને આ અભિયાનમાં સહભાગી બની “હરિયાળું રાજકોટ – સ્વચ્છ રાજકોટ”ના સંકલ્પને સાકાર કરવા અપીલ કરવામાં આવે છે.


