ગુજરાતમાં 17 કરોડથી વધુ વૃક્ષોનું વાવેતર
કુદરતી આફતોમાં 1.36 કરોડ ખેડૂતોને ₹22,733 કરોડની સહાય
ગોંડલમાં રાજકોટ જિલ્લાકક્ષાની સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીઃ 79 કર્મયોગીઓનું સન્માન, શાનદાર પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમોએ વધારી શોભા
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ જિલ્લાના ગોંડલ ખાતે 80મા સ્વાતંત્ર્ય પર્વની જિલ્લાકક્ષાની ઉજવણી દેશભક્તિ અને ઉત્સાહભર્યા વાતાવરણમાં કરવામાં આવી હતી. સંગ્રામસિંહજી હાઈસ્કૂલના પ્રાંગણમાં આયોજિત સમારોહમાં રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ રાષ્ટ્રધ્વજ ફરકાવી તિરંગાને સલામી આપી હતી. રાષ્ટ્રગીતના ગાન બાદ પોલીસ બેન્ડની ધૂન વચ્ચે યોજાયેલી પરેડે સમગ્ર માહોલને દેશભક્તિના રંગે રંગી દીધો હતો. ધ્વજવંદન બાદ કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ ખુલ્લી જીપમાં પરેડનું નિરીક્ષણ કરી ઉપસ્થિત નાગરિકોનું અભિવાદન ઝીલ્યું હતું. જિલ્લા કલેક્ટર ડો. ઓમપ્રકાશ, જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર તેમજ મુખ્ય પરેડ કમાન્ડર પોલીસ ઇન્સ્પેક્ટર પ્રાગરાજસિંહ જાડેજા સહિતના અધિકારીઓ તેમની સાથે રહ્યા હતા.
પ્રાસંગિક સંબોધનમાં કૃષિ મંત્રીએ સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનને યાદ કરી ગોંડલવાસીઓ સહિત સમગ્ર રાજકોટ જિલ્લાના નાગરિકોને સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છા પાઠવી હતી. તેમણે ગોંડલના પ્રજાવત્સલ રાજવી ભગવતસિંહજીના યોગદાનને પણ યાદ કર્યું હતું. દેશને સ્વતંત્રતા અપાવવા અનેક શહીદોએ આપેલા બલિદાનને કારણે આજે આપણે સ્વરાજ્યનો શ્વાસ લઈ રહ્યા છીએ તેમ જણાવી તેમણે નવી પેઢીને દેશના વિકાસમાં યોગદાન આપવા આહ્વાન કર્યું હતું.
મંત્રી વાઘાણીએ જણાવ્યું હતું કે, દેશ આજે ‘વિકસિત ભારત’ના સંકલ્પ સાથે આગળ વધી રહ્યો છે. સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો લાભ સમાજના છેવાડાના લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આયુષ્માન ભારત, ઉજ્જવલા, જનધન, પીએમ સૂર્યઘર અને ખેડૂત કલ્યાણ સહિતની યોજનાઓનો ઉલ્લેખ કરતાં તેમણે વિકાસમાં દરેક વર્ગની ભાગીદારી જરૂરી ગણાવી હતી.
પર્યાવરણ સંરક્ષણ અંગે તેમણે જણાવ્યું હતું કે, ‘એક પેડ મા કે નામ’ અભિયાન હવે જનઆંદોલન બની રહ્યું છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 17 કરોડથી વધુ વૃક્ષોનું વાવેતર કરી પર્યાવરણ સંરક્ષણની દિશામાં રાજ્યએ નોંધપાત્ર કામગીરી કરી છે. આગામી પેઢીને સ્વચ્છ અને હરિયાળું ગુજરાત આપવાની જવાબદારી સૌની હોવાનું તેમણે જણાવ્યું હતું.
કૃષિ ક્ષેત્રની સિદ્ધિઓની વાત કરતાં મંત્રીએ કહ્યું કે, ખેતી સમૃદ્ધ હશે તો જ દેશ અને રાજ્ય વધુ મજબૂત બનશે. સિંચાઈ, પીવાનું પાણી, કૃષિ યાંત્રિકીકરણ અને આધુનિક ખેતી તરફ સરકાર દ્વારા સતત પગલાં લેવામાં આવી રહ્યા છે. રાજ્યમાં કૃષિ વિભાગ માટે રૂ.24 હજાર કરોડથી વધુની વિક્રમી બજેટ જોગવાઈ કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું.
કુદરતી આફતોના કારણે ખેડૂતોને થયેલા નુકસાન સામે સરકારની સહાય અંગે મંત્રીએ મહત્વના આંકડા રજૂ કર્યા હતા. તેમના જણાવ્યા મુજબ છેલ્લા દસ વર્ષ દરમિયાન રાજ્યના અંદાજે 1.36 કરોડ ખેડૂતોને વિવિધ કુદરતી આપત્તિઓમાં કુલ રૂ.22,733 કરોડની રાહત ચૂકવવામાં આવી છે. એક જ વર્ષમાં 36.74 લાખ ખેડૂતોને રૂ.10,337 કરોડની સહાય આપવામાં આવી હોવાનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો.
પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અંગે મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં 9 લાખથી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી સાથે જોડાયા છે. રાજકોટ જિલ્લાના ખેડૂતો પણ આ દિશામાં આગળ વધે તેવી અપીલ કરતાં તેમણે જણાવ્યું હતું કે, રાસાયણિક આધારિત ખેતીના વિકલ્પ તરીકે પ્રાકૃતિક ખેતી લાંબા ગાળે જમીન, પાણી અને માનવજીવન માટે પણ ફાયદાકારક બની શકે છે. રાજકોટ જિલ્લાના કૃષિ પરિદૃશ્યની વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, જિલ્લામાં આશરે 2.75 લાખ ખેડૂતો દ્વારા 5.25 લાખ હેક્ટર વિસ્તારમાં ખેતી કરવામાં આવે છે અને પહેલી ઓગસ્ટ સુધીમાં 5,04,581 હેક્ટરમાં વાવેતર નોંધાયું છે. ખેડૂતોની મહેનત અને કૃષિ ક્ષેત્રે થઈ રહેલી પ્રગતિને તેમણે બિરદાવી હતી.
ગોંડલના વિકાસનો ઉલ્લેખ કરતાં મંત્રીએ જણાવ્યું હતું કે, ઐતિહાસિક વારસો ધરાવતું ગોંડલ હવે વિકાસની નવી દિશામાં આગળ વધી રહ્યું છે. ગોંડલ વિસ્તારમાં રૂ.50 કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી કામો માટે ખર્ચ કરવામાં આવ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું. રોડ, શિક્ષણ, આરોગ્ય, પાણી, સિંચાઈ, ઊર્જા અને માળખાકીય સુવિધાઓ સહિત વિવિધ ક્ષેત્રોમાં વિકાસકાર્યોને વેગ મળ્યો હોવાનો દાવો કર્યો હતો.
સમારોહ દરમિયાન રાજકોટ જિલ્લાના વિકાસ માટે કૃષિ મંત્રી દ્વારા જિલ્લા કલેક્ટર ડો. ઓમપ્રકાશને રૂ.25 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. ઉપરાંત સ્વાતંત્ર્ય સેનાનીઓ તથા વિવિધ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનારા કુલ 79 કર્મયોગીઓનું પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં પોલીસ વિભાગની વિવિધ પ્લાટુનોએ શિસ્તબદ્ધ પરેડ રજૂ કરી હતી. મુખ્ય પરેડ કમાન્ડર પ્રાગરાજસિંહ જાડેજાની આગેવાની હેઠળ પી.એસ.આઈ. વિવેક સુરાણી, ધર્મેશ રંગાણી, અનિલ ચૌધરી, નયનાબા ગોહિલ, જી.આર.ડી. પ્લાટુન કમાન્ડર બીપીનભાઈ સોનરાત, એસ.પી.સી. પ્લાટુન કમાન્ડર રિદ્ધિબેન સિદ્ધપુરા તથા બેન્ડ પ્લાટુન મેજર ડી.પી. સોંદરવાની આગેવાનીમાં વિવિધ પ્લાટુન જોડાઈ હતી.
વિદ્યાર્થીઓએ પણ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રાજસ્થાની ગીત, પરોઢિયું, ફ્યુઝન ગીત, અઠિંગો રાસ, ભવિષ્યનું ભારત-વિશ્વગુરુ, દેશભક્તિ નૃત્ય, પિરામિડ નૃત્ય, ‘જય હો’ સહિતની વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. યોગા અને પિરામિડ પ્રદર્શન પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.
ઉજવણીના અંતે ઉપસ્થિત મહાનુભાવોએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ સંજયભાઈ પીપળીયા, સ્થાનિક ધારાસભ્ય ગીતાબા જાડેજા, જિલ્લા કલેક્ટર ડો. ઓમપ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારી આનંદુ સુરેશ ગોવિંદ, જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર, પ્રોબેશનરી આઈ.એ.એસ. ટીના કલ્યાણ, એ.એસ.પી. નવીન ચક્રવર્તી, એ.એસ.પી. સિમરન ભારદ્વાજ સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.


