જસદણના છેતરપિંડી કેસનો અને શાપરમાંથી અપહરણ કેસનો ફરાર આરોપી ઝડપાયા
ફરાર આરોપીઓ સામે ગ્રામ્ય પોલીસનો કડક કાર્યવાહી
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા નાસતા ફરતા આરોપીઓ સામે ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ હેઠળ બે અલગ-અલગ ગુનાઓમાં લાંબા સમયથી ફરાર આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. જસદણમાં છેતરપિંડીના કેસમાં ચાર મહિનાથી ફરાર રહેલો શખ્સ ઝડપાયો છે, જ્યારે શાપર વિસ્તારમાંથી એક વર્ષથી ફરાર અપહરણના આરોપીને દબોચવામાં આવ્યો છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરની સૂચનાના આધારે ફરાર આરોપીઓને ઝડપી લેવા માટે ખાસ ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે. આ કામગીરી અંતર્ગત રૂરલ એલસીબીની ટીમ સક્રિય બની પેટ્રોલિંગ અને બાતમીદારોના આધારે કાર્યવાહી કરી રહી છે.
જસદણ પોલીસ મથકમાં ડિસેમ્બર 2025 દરમિયાન નોંધાયેલા છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલા સાગર વિઠ્ઠલભાઈ ટાઢાણી (રહે. પાંચવડા, તા. જસદણ) છેલ્લા ચાર મહિનાથી ફરાર હતો. ગુનામાં નામ સામે આવ્યા બાદ તે સતત પોલીસથી બચી રહ્યો હતો.
રૂરલ એલસીબીની ટીમને ચોક્કસ બાતમી મળતા પોલીસે તેને શોધી કાઢી ઝડપી લીધો હતો. આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને વધુ તપાસ ચાલુ છે.
બીજી તરફ, શાપર-વેરાવળ પોલીસ દ્વારા મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી છે. મધ્યપ્રદેશના સરદારપુર પોલીસ મથકમાં નોંધાયેલા સગીરાના અપહરણના ગુનામાં એક વર્ષથી ફરાર રહેલા મહેશ ઉર્ફે કાલુ સુરેશભાઈ ભીલાલ (ઉંમર 20, રહે. ઇન્દ્રા કોલોની, રનોદ, જિલ્લા ધાર – મધ્યપ્રદેશ)ને શાપર વિસ્તારમાંથી ઝડપી લેવામાં આવ્યો છે.
આરોપીએ સગીરાને ભગાડી જવાના ગુનામાં સંડોવણી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આરોપીને પકડી સગીરાને મુક્ત કરાવી સલામત રીતે બચાવી છે. પકડાયેલા આરોપીને આગળની કાર્યવાહી માટે મધ્યપ્રદેશના સરદારપુર પોલીસના હવાલે કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. બંને કેસોમાં પોલીસ દ્વારા વધુ તપાસ ચાલી રહી છે.


