માતા પિતાના વિયોગની વેદના અસહ્ય બની, યુવકે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો
મમ્મી-પપ્પાની યાદ બહુ આવે છે…કહી 20 વર્ષીય યુવકે ઝેરી દવા પી લેતા સારવાર હેઠળ
અગ્ર ગુજરાત, રાજકોટ
માતા-પિતાના વિયોગનું દુઃખ ક્યારેક એટલું ઘેરું બની જાય છે કે વ્યક્તિ ભાવનાત્મક રીતે ભાંગી પડે છે. આવો જ એક બનાવ રાજકોટના ઘંટેશ્વર વિસ્તારમાં રહેતા એક યુવક સાથે બન્યો હતો, જેમાં તેણે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ, ઘંટેશ્વર પચીસ વારીયા વિસ્તારમાં રહેતા મેહુલ પ્રતાપભાઈ વાંઝા (ઉ.વ. 20) ગઈકાલે સાંજના સમયે કચ્છ જિલ્લાના સામખીયાળી વિસ્તારમાં પોતાની બહેનના ઘરે રોકાયા હતા. તે દરમિયાન તેણે અચાનક ઝેરી દવા પી લીધી હતી. તેની તબિયત બગડતા તાત્કાલિક સામખીયાળીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે તેને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પરિવારજનોના જણાવ્યા મુજબ, મેહુલના માતા-પિતાનું અગાઉ અવસાન થઈ ચૂક્યું છે. માતા-પિતાના નિધન બાદ તે ક્યારેક રાજકોટ અને ક્યારેક બહેનના ઘરે સામખીયાળી રહેતો હતો. જીવનનિર્વાહ માટે તે શટર બનાવવાની મજૂરીનું કામ કરે છે.
ઘટનાની જાણ થતાં પોલીસે હોસ્પિટલ પહોંચી યુવકનું નિવેદન નોંધવાની કાર્યવાહી હાથ ધરી હતી. પૂછપરછ દરમિયાન મેહુલે જણાવ્યું હતું કે તેને પોતાના સ્વર્ગસ્થ માતા-પિતાની ખૂબ યાદ આવતી હતી અને આ માનસિક વ્યથાના કારણે તેણે આ પગલું ભર્યું હતું. હાલ સારવાર બાદ તેની તબિયત સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે અને ડોક્ટરોએ તેને હોસ્પિટલમાંથી રજા આપી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. પોલીસે સમગ્ર મામલે જરૂરી નોંધ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.


