ચૂંટણી પૂર્વે પ્રિસાઇડીંગ અને પોલીંગ અધિકારીઓને અપાઇ ડિજીટલ તાલીમ
TDO, મામલતદાર સહિતના ઉચ્ચ અધિકારીઓ માર્ગદર્શન આપ્યું
અગ્ર ગુજરાત, રાજકોટ
લોકશાહિના મહાપર્વ તરીકે ઓળખાતી ચૂંટણીને સફળતાપૂર્વક, નિષ્પક્ષ અને પારદર્શક રીતે સંપન્ન કરવા માટે રાજકોટ તાલુકામાં વહીવટી તંત્ર દ્વારા તાબડતોબ તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે. આવનારી એપ્રિલ 2026 દરમિયાન યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચૂંટણી પ્રક્રિયામાં જોડાનાર તમામ કર્મચારીઓ પોતાની ફરજ અસરકારક રીતે નિભાવી શકે તે માટે વિવિધ તબક્કાવાર તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે તારીખ 12 એપ્રિલ, 2026ના રોજ રાજકોટ ખાતે આજીડેમ પાસે સરકારી પોલીટેકનિક કોલેજ ખાતે સવારે 9 થી 11 અને બપોરે 11 થી 1 એમ બે સત્રમાં યોજવામાં આવી હતી.
આ અંતર્ગત જિલ્લા પુરવઠા અધિકારી રાજકોટ શહેર પરમાર, મામલતદાર મકવાણા તેમજ TDO ચૌહાણના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ પ્રિસાઇડિંગ ઓફિસર તથા પોલિંગ ઓફિસર-1 માટે ડિજિટલ માધ્યમ દ્વારા વ્યાપક તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. આ તાલીમમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી PPT પ્રેઝન્ટેશન, વિઝ્યુઅલ ડેમો અને ઇન્ટરેક્ટિવ સત્રો દ્વારા તાલીમને સરળ અને અસરકારક બનાવવામાં આવી હતી.
આ તાલીમ દરમિયાન અનુભવી ટ્રેનરો તરીકે મહેશભાઈ વાઘેલા, જીતેન્દ્રભાઈ મહેતા અને કિરીટભાઈ નારીગરાએ ખૂબ જ સરળ અને સ્પષ્ટ ભાષામાં ચૂંટણી પ્રક્રિયાના દરેક તબક્કાની વિગતવાર સમજણ આપી હતી. જેમાં ખાસ કરીને મતદાન પ્રક્રિયાનો સંપૂર્ણ ક્રમ અને જવાબદારીઓ, પ્રિસાઇડિંગ અને પોલિંગ ઓફિસરોની ભૂમિકા અને ફરજો, ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) અને VVPATના ઉપયોગ અને હેન્ડલિંગ, મતદારની ઓળખ અને ચકાસણીની પદ્ધતિ, ચૂંટણી સંબંધિત જરૂરી દસ્તાવેજો અને રેકોર્ડ મેન્ટેનન્સ, સંવેદનશીલ પરિસ્થિતિઓમાં લેવાતી તકેદારી, આચાર સંહિતા (Model Code of Conduct)ના નિયમો, મતદાન દરમિયાન થતી શક્ય સમસ્યાઓ અને તેના ઉકેલ સહિતના મુદ્દાઓ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.
આ તાલીમમાં કુલ 205 પ્રિસાઇડિંગ ઓફિસરો અને 206 પોલિંગ ઓફિસરો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. તમામ અધિકારીઓએ ખૂબ જ રસપૂર્વક તાલીમમાં ભાગ લઈ ચૂંટણી પ્રક્રિયા અંગે પોતાની સમજ મજબૂત બનાવી અને સંપૂર્ણ સજ્જતા દર્શાવી હતી.
આ તકે રાજકોટ તાલુકાના મામલતદાર મકવાણા પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે રાજકોટ તાલુકાના તમામ કર્મચારીઓ ચૂંટણી જેવી મહત્વપૂર્ણ જવાબદારી નિભાવવામાં સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. દરેક અધિકારીમાં ઉત્સાહ અને ફરજ પ્રત્યેની નિષ્ઠા સ્પષ્ટપણે જોવા મળી રહી છે. વહીવટી તંત્ર દ્વારા અત્યંત ઝીણવટપૂર્વક આયોજન કરી ચૂંટણી પ્રક્રિયાને સુચારૂ બનાવવા તમામ વ્યવસ્થાઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે તમામ કર્મચારીઓ તાલીમમાં મેળવેલ માર્ગદર્શનને કાર્યક્ષેત્રમાં અમલમાં મૂકી નિષ્પક્ષ, શાંતિપૂર્ણ અને પારદર્શક ચૂંટણી યોજવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આ ડિજિટલ તાલીમ કાર્યક્રમ રાજકોટ તાલુકામાં ચૂંટણી વ્યવસ્થાને વધુ સશક્ત બનાવવામાં તેમજ કર્મચારીઓની કાર્યક્ષમતા અને આત્મવિશ્વાસ વધારવામાં માઇલસ્ટોન સાબિત થશે.


