રાષ્ટ્રપતિ આજે રાજકોટમાં, એઇમ્સના પ્રથમ પદવીદાન સમારોહમાં હાજરી આપશે
MBBSના ૫૦ વિદ્યાર્થીઓને ડિગ્રી અને ૧૦ છાત્રોને ગોલ્ડ મેડલ એનાયત કરાશે : રાજયપાલ ઉપસ્થિત રહેશે : પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો
અગ્ર ગુજરાત, રાજકોટ
દેશના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ આજે રાજકોટમાં ગુજરાતની પ્રથમ AIIMS ના પ્રથમ પદવીદાન સમારોહમાં તેજસ્વી વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલથી સન્માનિત કરવાના છે. અહીં OPD અને IPD ની આધુનિક સુવિધા ઉપલબ્ધ છે. અહીં છેલ્લા 5 વર્ષમાં 8.57 લાખ દર્દીઓએ સારવાર મેળવી છે. જ્યારે 23147 ઈમરજન્સી કેસો તો 11,589 દર્દીઓ ઈન પેશન્ટ તરીકે દાખલ થયેલા છે. જ્યારે વાર્ષિક સર્જરી 2000 આસપાસ થઈ રહી છે. 22 સ્પેશિયાલિટી અને 6 સુપર સ્પેશિયાલિટી વિભાગ કાર્યરત છે. 24 કલાક ઇમરજન્સી અને ટ્રોમા સેવાઓની સાથે મોડ્યુલર ઓપરેશન થિયેટરો અને ICU છે.
રાષ્ટ્રપતિજી દ્રૌપદી મુર્મુ રાજકોટ આવી રહ્યા છે. તેઓ ગુજરાતની સૌપ્રથમ એઇમ્સમાં યોજાનાર પ્રથમ પદવીદાન સમારોહ માટે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. રાષ્ટ્રપતિ બપોરે 3 કલાકે રાજકોટ હીરાસર એરપોર્ટ પર આવશે અને ત્યાંથી હેલિકોપ્ટર મારફત સીધા એઇમ્સ પહોંચશે. આ ઉપરાંત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પણ હાજર રહેશે. 50 વિદ્યાર્થીઓને MBBS સ્નાતક ડિગ્રી અપાશે. જેમાંથી 10ને ગોલ્ડ મેડલ મળશે. નોંધનીય છે કે, 25 ફેબ્રુઆરી 2024ના રાજકોટ એઇમ્સનું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે લોકાર્પણ કરાયું હતું.
રાજકોટ AIIMSમાં 22 સ્પેશિયાલિટી અને 6 સુપર સ્પેશિયાલિટી વિભાગ, અદ્યતન નિદાન અને સારવાર સુવિધાઓ સાથે IPD અને OPD સેવાઓ કાર્યરત છે. આ ઉપરાંત આયુષ બ્લોક ખાતે આયુર્વેદ OPD, અંડરગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ અભ્યાસક્રમો ઓફર કરતો શૈક્ષણિક બ્લોક છે. જેમાં 81 ફેકલ્ટી સભ્યો, 5 શૈક્ષણિક વરિષ્ઠ નિવાસી, 70 બિન-શૈક્ષણિક વરિષ્ઠ નિવાસી, 84 શૈક્ષણિક જુનિયર નિવાસી, 28 બિન-શૈક્ષણિક જુનિયર નિવાસી, 419 નર્સિંગ અધિકારીઓ, 51 બિન-ફેકલ્ટી (ટેકનિશિયન અને કારકુની) છે.
AIIMS રાજકોટની સ્થાપના થઈ ત્યારથી એટલે કે વર્ષ 2020 થી વાર્ષિક 50 MBBS વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવતા હતા. જોકે વર્ષ 2025-26 શૈક્ષણિક વર્ષથી UG ઇનટેક વધારીને 75 બેઠકો કરવામાં આવી હતી. આ બેઠકોમાં પ્રવેશ પૂર્ણ થઈ ગયો છે. આ વિસ્તરણ સાથે AIIMS રાજકોટમાં હવે 5 બેચમાં 274 વિદ્યાર્થીઓ છે.
અહીં 84 પોસ્ટ ગ્રેજ્યુએટ રેસિડેન્ટ્સ અને 5 સુપર-સ્પેશિયાલિટી રેસિડેન્ટ્સ, 24×7 ઇમરજન્સી અને ટ્રોમા કેર કે જેમાં 24 કલાક ઇમરજન્સી અને ટ્રોમા સેવાઓ પૂરી પાડે છે. પ્રથમ 24 કલાકમાં સેવાઓ મફત પૂરી પાડવામાં આવે છે. આ ઉપરાંત મોડ્યુલર ઓપરેશન થિયેટરો અને ICU છે. અહીં સામાન્ય અને સુપર-સ્પેશિયાલિટી બંને પ્રકારની તબીબી સેવાઓ ઉપલબ્ધ છે, જે એક જ છત નીચે વ્યાપક દર્દી સંભાળ સુનિશ્ચિત કરે છે. આ સાથે જ અહીં એડવાન્સ્ડ ડાયગ્નોસ્ટિક્સ અને રેડિયોલોજી છે. જ્યાં હોસ્પિટલ સીટી સ્કેન, એમઆરઆઈ, અલ્ટ્રાસાઉન્ડ, ડિજિટલ એક્સ-રે સેવાઓ અને અદ્યતન પ્રયોગશાળા સેવાઓ સહિત અદ્યતન નિદાન સુવિધાઓ પ્રદાન કરવામાં આવે છે.
રાષ્ટ્રપતિના પ્રવાસને લઈને રાજકોટ અને ગાંધીનગરમાં ટ્રાફિક વ્યવસ્થા, સુરક્ષા બંદોબસ્ત અને પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને અધિકારીઓ સતત મોનિટરિંગ કરી રહ્યા છે. રાજ્ય માટે આ મુલાકાત ગૌરવપૂર્ણ અને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
આવતીકાલે ગાંધીનગરમાં ‘સામાજિક સમરસતા મહોત્સવ’માં હાજરી આપશે
14 એપ્રિલે, બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે ગાંધીનગરના લોક ભવન ખાતે ‘સામાજિક સમરસતા મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહીને સમાજમાં સમાનતા, ન્યાય અને ભાઈચારો વધારવાના સંદેશ સાથે સંબોધન કરશે.
રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં હાજરી આપશે
રાષ્ટ્રપતિ ગાંધીનગર ખાતે આવેલી રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટીના પાંચમા પદવીદાન સમારોહમાં પણ હાજરી આપશે. અહીં તેઓ રાષ્ટ્રીય સુરક્ષા ક્ષેત્રમાં અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરશે અને દેશસેવામાં તેમના યોગદાન માટે પ્રેરણા આપશે.


