કણસાગરા કોલેજના વિદ્યાર્થીઓએ અભ્યાસ સાથે ટેલી લેવલ-1 પરીક્ષામાં સફળતા મેળવી
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ સ્થિત શ્રીમતી કે. એસ. એન. કણસાગરા મહિલા કોલેજ દ્વારા વિદ્યાર્થીઓના પ્રાયોગિક જ્ઞાન અને વ્યાવસાયિક કુશળતા વિકસાવવાના હેતુથી પટેલ કોમ્પ્યુટર સાથે થયેલ એમઓયુ અંતર્ગત TY B.Com ના કુલ 43 વિદ્યાર્થીઓએ 35 કલાકની ઓનલાઇન ટ્રેનિંગ લીધા બાદ સફળતાપૂર્વક ટેલી લેવલ-1 એક્ઝામ ક્લિયર કરીને ટેલી કંપની પાસેથી સર્ટિફિકેટ મેળવ્યું હતું.
આ તાલીમ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને એકાઉન્ટિંગ અને ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ ક્ષેત્રે પ્રાયોગિક અનુભવ પ્રદાન કરવાનો હતો. તાલીમ દરમિયાન Tally સોફ્ટવેરના મહત્વપૂર્ણ પાસાઓ જેવી કે કંપની ક્રિએશન અને કોન્ફિગરેશન, એકાઉન્ટિંગ વાઉચર્સ અને એન્ટ્રીઝ, GST અમલીકરણ, ઇન્વેન્ટરી મેનેજમેન્ટ, પેરોલ મેનેજમેન્ટ તેમજ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ તૈયાર કરવાની પદ્ધતિ અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
વિદ્યાર્થીઓ માટે આ તાલીમ ખૂબ જ ઈન્ટરેક્ટિવ અને પ્રેક્ટિકલ આધારિત રહી હતી, જેમાં તેમણે વાસ્તવિક પરિસ્થિતિઓ મુજબ એકાઉન્ટિંગ પ્રક્રિયાઓ શીખી અને પોતાની શંકાઓનું નિવારણ કર્યું હતું. આ કોર્સ દ્વારા થિયરી અને પ્રેક્ટિકલ જ્ઞાન વચ્ચેનો અંતર દૂર કરવામાં મદદ મળી અને વિદ્યાર્થીઓમાં સોફ્ટવેરનો આત્મવિશ્વાસ સાથે ઉપયોગ કરવાની ક્ષમતા વિકસિત થઈ. કોર્સ પૂર્ણ થયા બાદ પ્રમાણપત્ર વિતરણ સમારોહ યોજાયો હતો, જેમાં તમામ ભાગ લેનાર વિદ્યાર્થીઓને 4 એપ્રિલના 2026ના રોજ ટેલી કંપની દ્વારા પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ તમામ વિદ્યાર્થીઓને ટેલી કંપની દ્વારા પ્લેસમેન્ટ સપોર્ટ પણ આપવામાં આવશે અને ટૂંક સમયમાં આ વિદ્યાર્થીઓ કેમ્પસ થી કોર્પોરેટ સુધીની સફર કરશે.
આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે કોલેજના પ્રિન્સિપાલ ડૉ. સ્નેહલ કોટક તથા પ્રોફેસર ડૉ. રાજેન્દ્ર સેંજલીયા નું માર્ગદર્શન તેમજ ટ્રેનિંગ કોઓર્ડિનેટર ડૉ. તુલસી રાવલ નું સુચારૂ આયોજન મહત્વપૂર્ણ રહ્યું હતું. સમગ્ર કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે અત્યંત લાભદાયી અને કારકિર્દી માટે માર્ગદર્શક સાબિત થયો હતો.


