નલ સે જલ યોજના છેવાડાના લોકો માટે જાંજવાના જળ સમાન
ભર ઉનાળે ૨૮૦૦૦ આસામીઓ ટેન્કર મંગાવવા મજબૂર
વેસ્ટ અને ઇસ્ટ ઝોનમાં જળસંકટ ગંભીર બન્યું : હાઇરાઇઝડ બિલ્ડીંગોમાં જળસ્તર નીચે જતા બોર ડૂકી ગયા, કાર્યરત બોરમાંથી પ્રદુષિત અને ક્ષારયુકત પાણી આવતુ હોવાની રાવ
રંગોલી પાર્ક આવાસ યોજનામાં ૧૧૬૪ ફલેટ ધારકો માટે 3પ, ગોકુલ સોસાયટીમાં ૨૦૦ અને સવન સ્ટેટસમાં ૧૭૬ પરિવારો માટે છ-છ ટેન્કર, શ્રી હાઉસિંગમાં ૨૨૪ ફલેટ માટે સાત ટેન્કરની ફાળવણી
અગ્ર ગુજરાત, રાજકોટ
ઉનાળામાં રાજકોટવાસીઓને પાણીની સમસ્યા નહી થાય તેવો દાવો તંત્ર દ્વારા કરવામાં આવ્યો હતો. મહાપાલિકા દ્વારા શહેરના છેવાડા સુધી નલ સે જલ યોજના હેઠળ પીવાનું પાણી પહોંચાડવામાં આવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. શહેરની જીવાદોરી સમાન આજી-ન્યારી જળશાયો ભરવામાં આવ્યા છે. પરંતુ વિતરણ વ્યવસ્થામાં રહેલી ખામીઓના લીધે છેવાડાના વિસ્તારોમાં પાણી માટે બૂમરાણો ઉઠી રહી છે. પૂરતુ પાણી નહી મળતા ૨૮,૨૭૭થી વધારે આસામીઓ ટેન્કર મંગાવવા મજબૂર બન્યા છે. તાકીદે નળ જોડાણ આપવા સોસાયટીઓમાં રહેતા સ્થાનિકો દ્વારા માંગ ઉઠી છે.
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટનાં વેસ્ટ ઝોન તેમજ ઈસ્ટ ઝોનના અનેક વિસ્તારોમાં જળ સંકટ એટલું ઘેરું બન્યું છે કે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને હાઈરાઈઝ્ડ બિલ્ડિંગોમાં ભૂગર્ભ જળસ્તર ઐતિહાસિક રીતે નીચે ઉતરી ગયા છે, જેના કારણે વર્ષો જૂના બોર હવે ડુકી ગયા છે. જે વિસ્તારોમાં બોર કાર્યરત છે, ત્યાં પણ પ્રદૂષિત અને ક્ષારયુક્ત પાણી આવતું હોવાથી તે પીવાલાયક રહ્યું નથી. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નિર્મિત આવાસ યોજનાઓમાં પણ જ્યારે ‘નલ સે જલ’ જેવી પાયાની સુવિધા ઉપલબ્ધ ન હોય, ત્યારે તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. સ્થાનિક રહીશોનું કહેવું છે કે, અમે નિયમિત વેરો ભરીએ છીએ છતાં પણ અમારે પાણી માટે ખાનગી કે સરકારી ટેન્કરો પર નિર્ભર રહેવું પડે છે, જે અત્યંત શરમજનક બાબત છે.
આંકડાકીય પરિસ્થિતિ ઉપર નજર કરીએ તો, વેસ્ટ ઝોનના અંદાજે 16 જેટલા વિસ્તારોમાં સ્થિતિ અત્યંત ગંભીર છે. અહીં કુલ 28,277 ફ્લેટ ધારકોને દરરોજ અંદાજે 3,60,000 લીટર પાણી ટેન્કરથી પહોંચાડવામાં આવી રહ્યું છે. આ આંકડો જ સૂચવે છે કે પાઈપલાઈન નેટવર્ક પહોંચાડવામાં મનપા તંત્ર નિષ્ફળ રહ્યું છે. વેસ્ટ ઝોનની અનેક સોસાયટીઓ જેવી કે સવન સ્ટેટસ, ગોકુલમ હાઉસિંગ, રંગોલીપાર્ક, શ્રી હાઉસિંગમાં દરરોજ પાણીના અનેક ફેરા કરવા પડે છે. જો ઉનાળાના પ્રારંભમાં આ સ્થિતિ હોય, તો મે અને જૂન મહિનાના આકરા તાપમાં લોકોની હાલત શું થશે તે વિચારીને જ ધ્રુજારી છૂટી જાય છે.
સોસાયટી અને આવાસ યોજના દીઠ વિતરણની વ્યવસ્થા જોઈએ તો, રંગોલી પાર્ક આવાસ યોજનામાં 1164 ફ્લેટ ધારકો માટે 5000 લીટરની ક્ષમતા ધરાવતા 35 ટેન્કરો મોકલવામાં આવે છે. તેવી જ રીતે, ગોકુલમ હાઉસિંગ સોસાયટીના 200 ફ્લેટ માટે 6 ટેન્કર, સવન સ્ટેટસ ફ્લેટ્સમાં 176 પરિવારો માટે 6 ટેન્કર અને શ્રી હાઉસિંગ સોસાયટીના 224 પરિવારો માટે 7 ટેન્કરની ફાળવણી કરવામાં આવી છે. આ ઉપરાંત, વોર્ડ નં. 11 ના વિવિધ 6 ફ્લેટ્સમાં રહેતા 266 પરિવારો માટે 9 ટેન્કર, એક્વાબ્લ્યુ એન્ટરપ્રાઈઝના 88 ફ્લેટ માટે 3 ટેન્કર અને હિલટોન બીલેવ્યુના 56 ફ્લેટ માટે 2 ટેન્કર દ્વારા પાણી પૂરું પાડવામાં આવે છે. તમામ વિસ્તારોમાં લોકોની એક જ માંગ છે કે અમને ટેન્કરના ભરોસે રાખવાને બદલે કાયમી નળ કનેક્શન આપવામાં આવે.
ઈસ્ટ ઝોનની સ્થિતિ તો વેસ્ટ ઝોન કરતા પણ વધુ બદતર જોવા મળી રહી છે. વોર્ડ નં. 18 જેવા વિસ્તારોમાં હજુ સુધી પાણીની મુખ્ય પાઈપલાઈન જ પહોંચી નથી. મફતીયા પરા અને ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં રહેતા ગરીબ પરિવારો માટે તો પીવાનું પાણી મેળવવું એ રોજિંદો જંગ બની ગયો છે. ડંકીઓ ડુકી જવાને કારણે મહિલાઓને માથે બેડા લઈને દૂર-દૂર સુધી ભટકવું પડે છે. તંત્ર દ્વારા ટેન્કર માટેના ટેન્ડરો તો બહાર પાડવામાં આવ્યા છે, પરંતુ એજન્સીઓ દ્વારા સમયસર પાણી પહોંચાડવામાં આવતું નથી તેવી ફરિયાદો મંછાનગર અને આસપાસના વિસ્તારોમાંથી ઉઠી છે. અધિકારીઓ એસી ઓફિસોમાં બેસીને આંકડાકીય માયાજાળ રચે છે, પરંતુ હકીકતમાં ગ્રાઉન્ડ લેવલ પર સ્થિતિ અત્યંત સ્ફોટક છે.
રાજકોટના કાલાવડ રોડ નજીક આવેલી રંગોલી પાર્ક સોસાયટીના રહીશો છેલ્લા 10 વર્ષથી પીવાના પાણીની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે. મુખ્યમંત્રી ગૃહ યોજના હેઠળ બનેલી આ સોસાયટીમાં હજુ સુધી ‘નલ સે જલ’ યોજનાનો લાભ પહોંચ્યો નથી, જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સોસાયટીના પ્રમુખે દિવ્યભાસ્કર સમક્ષ વેદના ઠાલવતા જણાવ્યું હતું કે, અમે છેલ્લા 10 વર્ષથી અહીં રહીએ છીએ, છતાં અમને પાલિકા દ્વારા નળ કનેક્શન આપવામાં આવ્યા નથી. હાલમાં અમે સંપૂર્ણપણે બોરવેલના પાણી પર નિર્ભર છીએ. ઉનાળો આવતા જ પાણીના સ્તર નીચે જાય છે અને પરિસ્થિતિ વધુ વણસે છે.
વધુમાં તેમણે જણાવ્યું કે, દર વર્ષે ઉનાળામાં પાણીની અછત સર્જાતા રાજકોટ મહાનગરપાલિકા (RMC) અને ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા વોટર ટેન્કર મોકલવામાં આવે છે, પરંતુ આ કોઈ કાયમી ઉકેલ નથી. રાજકોટના કોર્પોરેશન વિસ્તારમાં અને શહેરની મધ્યમાં હોવા છતાં આ સુવિધાથી વંચિત રાખવામાં આવતા રહીશોમાં અન્યાયની લાગણી પ્રસરી છે. ત્યારે તંત્ર દ્વારા આ અંગે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને તેમને કાયમી ધોરણે નળ કનેક્શન આપી પાણીની સમસ્યાનો અંત લાવવામાં આવે તેવી માંગ તેમણે કરી છે.


