જસદણના ખેડૂત યુવક સાથે કાર વેચાણના નામે રૂ.3 લાખની છેતરપીંડી
મિત્રતાનો વિશ્વાસ તોડ્યો: કાર ભાડે ચલાવવાના બહાને લઈ ગયેલી સ્વીફ્ટ પરત ન આપતા રાજકોટના શખ્સની શોધખોળ
અગ્ર ગુજરાત, રાજકોટ
જસદણના એક ખેડૂત યુવકને કાર વેચવાના નામે વિશ્વાસમાં લઈ રૂપિયા ત્રણ લાખની છેતરપીંડી આચરવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. કારનો સોદો નક્કી કરીને રૂપિયા મેળવ્યા બાદ આરોપીએ કાર ભાડે ચલાવવાના બહાને પોતાની પાસે રાખી લીધી હતી અને વારંવાર માંગણી છતાં પરત ન આપતા આખરે પીડિતે જસદણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે રાજકોટના આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ જસદણના પોલારપર રોડ સ્થિત હુડકો સોસાયટીમાં રહેતા અને ખેતીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા રાજવીરભાઈ વલકુભાઈ ધાધલે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં રાજકોટના માધાપર ચોકડી નજીક શેઠનગરમાં રહેતા વસીમ યુનુસ સિપાઈ ઉર્ફે પઠાણને આરોપી તરીકે નામજોગ કરવામાં આવ્યો છે.
ફરિયાદ અનુસાર આશરે દસ મહિના પહેલાં વસીમ પોતાની સ્વીફ્ટ કાર વેચવા માટે જસદણ આવ્યો હતો. વિંછીયા રોડ પર આવેલા હીરો શોરૂમ નજીક બંને વચ્ચે કારનો રૂ.3 લાખમાં સોદો થયો હતો. સોદા સમયે રાજવીરભાઈએ રૂ.30 હજાર રોકડા ચૂકવ્યા હતા, જ્યારે બાકીની રૂ.2.83 લાખથી વધુની રકમ ફાઇનાન્સ કંપનીમાંથી લોન મેળવી સીધી આરોપીના ખાતામાં જમા કરાવી હતી.
કારના માલિકીના દસ્તાવેજો ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી હતી. જોકે, તે દરમિયાન આરોપીએ કાર હાલમાં બહાર હોવાનું કહી થોડા દિવસમાં સોંપી દેવાની ખાતરી આપી હતી. સાથે જ પોતે કાર ભાડે ચલાવશે અને દર મહિને લોનનો હપ્તો પણ ભરી દેશે તેવી ખાતરી આપતા શરૂઆતના સાતથી આઠ હપ્તા તેણે નિયમિત ભર્યા હતા.
પછી જ્યારે રાજવીરભાઈને પોતાની કારની જરૂર પડતાં તેમણે વારંવાર સંપર્ક કર્યો ત્યારે આરોપી બહાનાં બનાવતો રહ્યો અને કાર પરત આપી નહોતી. આખરે પોતાની સાથે છેતરપીંડી થઈ હોવાનો અહેસાસ થતાં તેમણે પોલીસનો આશરો લીધો હતો.
જસદણ પોલીસે ફરિયાદના આધારે વિશ્વાસઘાત અને છેતરપીંડી સહિતની જોગવાઈઓ હેઠળ ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે. પોલીસે સમગ્ર નાણાકીય વ્યવહાર અને કારના હાલના કબજાની દિશામાં પણ તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે.


