ગોંડલના મોવિયામાં મધરાત્રે ડૉ. બાબાસાહેબની પ્રતિમા સ્થાપિત કરાતા વિવાદ
૨૦ વર્ષથી જગ્યાની રજૂઆત બાદ બસ સ્ટેન્ડ ચોકમાં સ્થાપિત કરતા તંત્ર સાથે ઘર્ષણ : માહોલ ગરમાયો
અગ્ર ગુજરાત, ગોંડલ
ગોંડલ તાલુકાના મોવિયા ગામમાં 14 એપ્રિલની મોડી રાત્રે ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સ્થાપિત કરવામાં આવતા ગ્રામીણ રાજકારણ ગરમાયું છે. છેલ્લા 15 થી 20 વર્ષથી પ્રતિમા માટે જગ્યા માંગતા અનુસૂચિત સમાજના લોકોએ આખરે બસ સ્ટેન્ડ ચોક નજીક મૂર્તિ સ્થાપિત કરી દેતા વહીવટી તંત્ર અને ગ્રામ પંચાયત સામે ઘર્ષણની સ્થિતિ પેદા થઈ છે.
મોવિયા ગામના અનુસૂચિત સમાજના આગેવાનોનો આક્ષેપ છે કે તેઓ છેલ્લા 15 વર્ષથી ડૉ. બાબાસાહેબ આંબેડકરનું સ્ટેચ્યુ મૂકવા માટે ગ્રામ પંચાયત પાસે જગ્યાની માંગણી કરી રહ્યા હતા, પરંતુ પંચાયત દ્વારા માત્ર વાયદા જ કરવામાં આવતા હતા. અંતે, બાબાસાહેબની 135મી જન્મજયંતિ નિમિત્તે સામાજિક કાર્યકર વિજયભાઈ સાંડપા અને અન્ય આગેવાનો દ્વારા જૂના બસ સ્ટેન્ડ ચોકમાં રોડથી ૫૦ ફૂટ અંદર મૂર્તિ સ્થાપિત કરવામાં આવી હતી.
સ્થાનિક સામાજિક કાર્યકર વિજયભાઈ સાંડપાએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે અમે કોઈને નડતરરૂપ ન થાય તે રીતે મૂર્તિ મૂકી છે, છતાં કિશોરભાઈ અંદિપરા અને પંચાયતના કેટલાક લોકો ગામમાં અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
ચૂંટણીનો માહોલ હોવાથી રાજકીય રોટલા શેકવામાં આવી રહ્યા છે. પંચાયતમાં ગુપ્ત મિટિંગો કરી મૂર્તિ હટાવવાનું ષડયંત્ર રચાય રહ્યું છે.જો આ જગ્યાએથી મૂર્તિ હટાવવાનો પ્રયાસ થશે તો હું આત્મવિલોપન કરીશ, પણ મૂર્તિ અહીંથી હટશે નહીં.
નિવૃત્ત કર્મચારી અને સ્થાનિક રહેવાસી નરેન્દ્રભાઈ સાંડપાએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે “આઝાદીના આટલા વર્ષો પછી પણ જો ગામમાં બંધારણના ઘડવૈયાની મૂર્તિ માટે વિરોધ થતો હોય તો તે દુર્ભાગ્યપૂર્ણ છે. અમે કોઈની મૂર્તિ હટાવીને આ સ્ટેચ્યુ નથી મૂક્યું. જો મૂર્તિને ખસેડવાની કોશિશ થઈ તો આખા ગુજરાતના દલિતો મોવિયાના રોડ પર ઉતરી આવશે.”
હાલ મોવિયા ગામમાં પરિસ્થિતિ તણાવપૂર્ણ પરંતુ શાંત છે. મોવિયા પોલીસ છાવણી માં ફેરવાયું છે. 1 DYSP, 3 PI, PSI, LCB બ્રાન્ચ સહિતનો પોલીસ કાફલો આવી પોહચ્યો હતો. વહીવટી તંત્ર આ મામલે શું વચગાળાનો રસ્તો કાઢે છે તેના પર સૌની મીટ માંડાયેલી છે.
ગામમાં ચુસ્ત બંદોબસ્ત અને આચારસંહિતાનો ભંગ?
ઘટનાને પગલે 100 થી વધુ દલિત સમાજના લોકો પ્રતિમા પાસે ધરણા પર બેસી ગયા હતા અને ‘જય ભીમ’ના નારા લગાવ્યા હતા. આગેવાનોએ સવાલ ઉઠાવ્યો છે કે ચૂંટણીની આચારસંહિતા અમલમાં હોવા છતાં પંચાયતમાં ટોળા ભેગા કરી મિટિંગો કઈ રીતે થઈ શકે? આ બાબતે કલેક્ટરને આવેદનપત્ર આપી ન્યાયની માંગણી કરવામાં આવનાર છે.


