બસપોર્ટની સ્વચ્છતાના ફિડબેક માટે ST વિભાગ ડેપોમાં લગાવશે QR કોડ
રાજકોટ સહિત રાજયના ૪૦૦ ડેપોને અપાશે અલગ-અલગ કોડ : સૌથી વધારે મુસાફરોને STમાં સલામતીનો અનુભવ
અગ્ર ગુજરાત, રાજકોટ
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) હવે હાઈટેક બની રહ્યું છે. એસ.ટી. બસમાં મુસાફરી કરતા લાખો મુસાફરોની સુવિધા અને ફરિયાદોના ત્વરિત નિકાલ માટે નિગમ દ્વારા શરૂ કરવામાં આવેલી ‘પેસેન્જર ફીડબેક અને પરફોર્મન્સ રેટિંગ સિસ્ટમ’ને અભૂતપૂર્વ સફળતા મળી છે. હવે મુસાફરોએ ફરિયાદ કરવા માટે ક્યાંય ધક્કા ખાવાની જરૂર નથી, માત્ર એક QR કોડ સ્કેન કરીને પોતાની વાત તંત્ર સુધી પહોંચાડી શકશે.
માર્ચ 2026માં શરૂ થયેલી આ સિસ્ટમમાં માત્ર એક જ મહિનામાં 1,702 મુસાફરોએ પોતાના પ્રતિભાવો આપ્યા છે. ખાસ વાત એ છે કે, મુસાફરોએ GSRTC ની સેવાઓને 5 માંથી 4.5 નું શાનદાર રેટિંગ આપ્યું છે. જેમાં સલામતીમાં : 4.7 રેટિંગ (સૌથી વધુ), સ્ટાફના વર્તનમાં 4.6 રેટિંગ, સ્વચ્છતામાં 4.5 રેટિંગ આપ્યો છે.
આ સિસ્ટમ કેટલી અસરકારક છે તેનું ઉદાહરણ તાજેતરમાં જોવા મળ્યું. AC અને વોલ્વો બસોમાં મુસાફરોએ આ સિસ્ટમ દ્વારા દુર્ગંધની ફરિયાદ કરી હતી. GSRTC ના અધિકારીઓએ આ ફીડબેકને ગંભીરતાથી લઈ તાત્કાલિક રાજ્યભરની તમામ પ્રીમિયમ બસોમાં એર ફ્રેશનર લગાવવાનો આદેશ આપ્યો અને સમસ્યાનો ત્વરિત ઉકેલ લાવ્યો હતો.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ સફળતા અંગે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે, “મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અમે જાહેર પરિવહનને પ્રાથમિકતા આપી રહ્યા છીએ. છેલ્લા એક વર્ષમાં એસ.ટી.ના દૈનિક મુસાફરોની સંખ્યા 25 લાખથી વધીને 27 લાખ થઈ છે, જેને અમે 30 લાખ સુધી લઈ જવાનું લક્ષ્ય રાખ્યું છે. QR કોડ ફીડબેક સિસ્ટમથી લોકોનો વિશ્વાસ એસ.ટી. પર વધ્યો છે.”
બસો બાદ હવે નિગમ રાજ્યના 400થી વધુ બસ ડેપો પર પણ વિશેષ QR કોડ લગાવવાની તૈયારી કરી રહ્યું છે. મુસાફરો જે-તે ડેપોની સ્વચ્છતા વિશે પણ પોતાનો અભિપ્રાય આપી શકશે. આ માટે દરેક ડેપોનો અલગ QR કોડ તૈયાર કરવામાં આવી રહ્યો છે.
ફિડબેક આપવાની રીત
GSRTCએ AC અને વોલ્વો જેવી બસોમાં દરેક બેઠકની પાછળ અને સામાન્ય બસોમાં પણ QR કોડ લગાવ્યા છે.
- મોબાઈલથી QR કોડ સ્કેન કરો.
- તમારું નામ, મોબાઈલ નંબર અને ટિકિટ/PNR નંબર દાખલ કરો.
- સ્વચ્છતા, સમયપાલન, સ્ટાફનું વર્તન અને સલામતી જેવા મુદ્દાઓ પર રેટિંગ આપો.
- તમે ફરિયાદના ફોટા પણ અપલોડ કરી શકો છો, જે સીધા સંબંધિત અધિકારીને પહોંચશે.


