ધોરાજીના ઝાંઝમેરમાં બનાવટી દૂધનો 400 લીટર શંકાસ્પદ જથ્થો જપ્ત કરતું SOG
ક્વોન્ટીટી અને ફેટ વધારવા ડેરી સંચાલકો ભેળસેળ કરતા હોવાની માહિતી પરથી પોલીસની કાર્યવાહી
અગ્ર ગુજરાત, રાજકોટ
ધોરાજી તાલુકાના ઝાંઝમેર ગામે બનાવટી દૂધ બનાવવાની પ્રવૃત્તિનો પર્દાફાશ કરતા રાજકોટ ગ્રામ્ય પોલીસની એસ.ઓ.જી. શાખાએ અસરકારક કાર્યવાહી હાથ ધરી 400 લીટર જેટલો શંકાસ્પદ દૂધનો જથ્થો જપ્ત કર્યો છે. આ બનાવને લઈને ડેરી સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS) અને રાજકોટ ગ્રામ્યના પોલીસ અધીક્ષક વિજયસિંહ ગુર્જર (IPS) દ્વારા ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરનાર તત્વો વિરુદ્ધ કડક પગલાં લેવા સૂચના આપવામાં આવી હતી. આ માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. શાખાએ બાતમીના આધારે ઝાંઝમેર ગામમાં આવેલી દ્વારકાધીશ દૂધ ડેરી પર રેઇડ યોજી હતી.
તપાસ દરમિયાન બહાર આવ્યું કે ડેરીના સંચાલક રાજુભાઈ ઉર્ફે રાહુલ દુદાભાઈ અને સાગરભાઈ દુદાભાઈ આસપાસના કસોટીયા ગામમાંથી દૂધ એકત્રિત કરતા હતા. બાદમાં દૂધની માત્રા અને ફેટ વધારવા માટે તેમાં ભેળસેળ કરીને બનાવટી દૂધ તૈયાર કરવામાં આવતું હોવાની શંકા છે.
રેઇડ દરમિયાન સ્થળ પરથી આશરે 400 લીટર દૂધ મળી આવ્યું હતું, જેને શંકાસ્પદ જણાતા ફૂડ સેફ્ટી ઓફિસરની હાજરીમાં સેમ્પલ લેવામાં આવ્યા હતા. દૂધના નમૂનાઓને પૃથ્થકરણ માટે મોકલી આપતાં આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.
આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર એફ.એ. પારગીના માર્ગદર્શન હેઠળ પો.સબ ઇન્સ્પેક્ટર જી.જે. ઝાલા, પી.બી. મિશ્રા, એ.એસ.આઇ. પી.કે. શામળા, એફ.ડી. બ્લોચ તથા પોલીસ કોન્ટેબલ ચિરાગભાઈ કોઠીવાર, રઘુભાઈ ત્રકટા, કલ્પેશભાઈ કોઠીવાર અને નિર્મળસિંહ ચુડાસમા સહિતની ટીમ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી. પોલીસ તંત્રએ જણાવ્યું છે કે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરીને લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનારાઓ સામે આવી જ રીતે કડક કાર્યવાહી ચાલુ રહેશે.


