સાસરિયાના ત્રાસનો કરુણ અંત: ગર્ભમાં જ બાળકનું મોત, પતિએ કરાવ્યો DNA ટેસ્ટ
ઘરેલુ હિંસા, શંકા અને માનસિક દબાણના આક્ષેપ; મહિલા પોલીસ મથકે પતિ સહિત સાસરિયાઓ સામે ગુનો નોંધાયો
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેરમાં ઘરેલુ હિંસા અને માનસિક ત્રાસનો એક ગંભીર અને હૃદયદ્રાવક બનાવ સામે આવ્યો છે, જેમાં સાસરિયાના સતત દબાણ અને અત્યાચાર વચ્ચે જીવતી એક પરિણીતાએ ગર્ભમાં જ પોતાના બાળકને ગુમાવવાનો આક્ષેપ કર્યો છે. આ મામલે પીડિત મહિલાએ પોતાના પતિ સહિત સાસુ, સસરા અને નણંદ વિરુદ્ધ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ, ન્યૂ જાગનાથ વિસ્તારમાં રહેતી 32 વર્ષીય વિશાખાબેન નીરવભાઈ માઘવાણીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે, તેના લગ્ન વર્ષ 2025માં નીરવ માઘવાણી સાથે થયા હતા. લગ્નના પ્રારંભિક સમયમાં સંબંધો સામાન્ય હતા, પરંતુ થોડા જ સમયમાં પતિનો સ્વભાવ બદલાઈ ગયો હતો અને નાની-નાની બાબતોમાં ઝઘડા શરૂ થયા હતા. ફરિયાદ અનુસાર, પતિ વારંવાર દારૂના નશામાં ઘરે આવતો અને ગાળો આપતો હતો. ઉપરાંત, પત્નીના વર્તન પર શંકા રાખીને તેને મોબાઈલ વાપરવા કે પોતાના પિયર પક્ષ સાથે વાતચીત કરવાની પણ મનાઈ કરવામાં આવતી હતી. આ કારણે મહિલાને સતત માનસિક તણાવ સહન કરવો પડતો હતો.
મહિલાના આક્ષેપ મુજબ, સાસુ ભાવનાબેન દ્વારા વારંવાર મેણા-ટોણા મારવામાં આવતા હતા અને એક પ્રસંગે રસોઈ કરતી વખતે તેમનો હાથ દાઝી જાય તેવી સ્થિતિ સર્જાઈ હતી. સાથે જ સાસરિયાઓ દ્વારા પિયરેથી પૈસા લાવવાનો દબાણ પણ કરવામાં આવતો હતો, જ્યારે નણંદ ઘરકામ બાબતે સતત ટિપ્પણીઓ કરી ત્રાસ આપતી હતી. પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ કે તા. 10 ઓગસ્ટ 2025ના રોજ મહિલાએ 181 અભયમ હેલ્પલાઈનનો સહારો લેવો પડ્યો હતો. તે સમયે મહિલા ગર્ભવતી હતી, પરંતુ સતત તણાવ અને ઘરેલુ ઝઘડાના કારણે ગર્ભમાં બાળકની સ્થિતિ પર અસર પડી હતી. અંતે ગર્ભમાં જ બાળકનું મૃત્યુ થતાં ગર્ભપાત કરાવવો પડ્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ કેસમાં એક ચોંકાવનારી બાબત એ પણ સામે આવી છે કે પતિએ પત્નીના ચરિત્ર પર શંકા રાખીને પિતૃત્વ સાબિત કરવા માટે DNA ટેસ્ટ પણ કરાવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
હાલ પીડિતા પોતાના પિયર ખાતે રહે છે અને ન્યાય મેળવવા માટે પોલીસનો સહારો લીધો છે. મહિલા પોલીસ મથકે પતિ, સાસુ, સસરા અને નણંદ વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


