ચૂંટણીના પ્રચાર-પ્રસારનો માહોલ જામ્યો
રાજકોટમાં ગુરૂવારે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવીનો યોજાશે રોડ-શો
જૂની બજારથી શરૂ થશે શો, ૪૦૦થી વધારે પ્રબુધ્ધ નાગરિકો સાથે કરશે વાર્તાલાપ
અગ્ર ગુજરાત, રાજકોટ
સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં મતદારોને આકર્ષવા માટે રાજકીય પક્ષો દ્વારા સ્ટાર પ્રચારકોને ઉતારવામાં આવ્યા છે. રાજકીય પક્ષો માટે સૌરાષ્ટ્ર અને રાજકોટ અતિ મહત્વનું કેન્દ્ર ગણવામાં આવે છે. જેને જીતવા માટે ભાજપે મુખ્યમંત્રી સહિતનાને મેદાનમાં ઉતાર્યા છે. આગામી તા.૨3મીએ રાજયના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના રોડ શોનું રાજકોટ ખાતે આયોજન કરવામાં આવ્યું છે.
આ અંગે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો.માધવ દવેએ જણાવ્યું હતું કે શહેર ભાજપ દ્વારા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના રોડ-શોનું આયોજન કરવામાં આવ્યું છે. જેના કાર્યક્રમની તૈયારીઓ ચાલી રહી છે. જૂની બજારથી રોડ-શોની શરૂઆત કરવામાં આવશે. આ રોડ શો સાંજે કરવામાં આવશે અને ૪૦૦થી વધારે પ્રબુધ્ધ નાગરિકો સાથે વાર્તાલાપનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામ્યો છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીએ પોતાના ગઢને મજબૂત કરવા માટે એડીચોટીનું જોર લગાવ્યું છે. આગામી 23મી તારીખે રાજકોટના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળશે, કારણ કે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ભાજપના ઉમેદવારોના સમર્થનમાં મેદાને ઉતરશે. તેઓ રાજકોટમાં પાવર પેક્ડ રોડ શો કરશે.
મળતી માહિતી મુજબ, રાજકોટમાં 23મીની સાંજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના એક ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. આ રોડ શો દ્વારા તેઓ શહેરના મુખ્ય માર્ગો પર ફરીને ભાજપનું શક્તિનું પ્રદર્શન કરશે. નાયબ મુખ્યમંત્રી માત્ર વાહન પર સવાર થઈને જ નહીં, પરંતુ ડોર-ટુ-ડોર (ઘરે-ઘરે) જઈને પણ લોકો સાથે સંવાદ કરશે અને ભાજપના શાસનકાળની સિદ્ધિઓ ગણાવશે. રાજકોટ શહેર ભાજપ સંગઠન દ્વારા આ પ્રચાર અભિયાનને સફળ બનાવવા માટે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વોર્ડ સ્તરે કાર્યકરોને જવાબદારી સોંપવામાં આવી છે. રોડ શોમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડે તે માટે આયોજન કરવામાં આવ્યું છે.


