આટકોટમાં લાંબા સમયથી ચાલતા જમીન વિવાદથી કંટાળેલા શ્રમિકનો આપઘાત
ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મોત; પોલીસ તપાસમાં પરિવારજનોની પૂછપરછ શરૂ
અગ્ર ગુજરાત, રાજકોટ
જસદણ તાલુકાના આટકોટ ગામે જમીન બાબતની લાંબા સમયથી ચાલતી માથાકૂટે એક વ્યક્તિનો જીવ લઈ લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. 46 વર્ષીય પંડિતભાઈ ગિરધરભાઈ કુંવરિયાએ ઝેરી દવા ગટગટાવીને આપઘાત કરી લેતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
પ્રાપ્ત માહિતી મુજબ, પંડિતભાઈએ પોતાના ઘરે જ ઝેરી દવા પી લીધી હતી. પરિવારજનોને જાણ થતા તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતાં આટકોટ પોલીસ તરત જ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજકોટ ખસેડ્યો છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે પંડિતભાઈને જમીન બાબતે વિવાદ ચાલતો હતો, જેના કારણે માનસિક તાણમાં આવી તેમણે આ પગલું ભર્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે.
પંડિતભાઈ મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમના અચાનક અવસાનથી પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. હાલ પોલીસ દ્વારા આપઘાતના ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


