ખંભાળામાં 17 વર્ષની કિશોરીનો એસિડ સાથે ઝેર પી આપઘાત
રાજકોટ સિવિલમાં સારવાર દરમિયાન મોત; કારણ અંગે પરિવાર અજાણ
અગ્ર ગુજરાત, રાજકોટ
અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ખંભાળા ગામમાં એક કરુણ ઘટના સામે આવી છે, જેમાં 17 વર્ષની કિશોરીએ એસિડ અને ઝેરી દવા ભેળવી પી આત્મહત્યા કરી લેતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. કિશોરીને તાત્કાલિક સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી હતી, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ, ખંભાળા ગામે રહેતી કિરણબેન પ્રવિણભાઈ મેર (ઉં.વ.17)એ સાંજના સમયે પોતાના ઘર નજીક આવેલા મંદિર પાસે જઈ એસિડ અને ઝેરી દવા ભેળવીને પી લીધી હતી. બાદમાં તે ઘર નજીક પહોંચી ત્યારે તેને ઊલ્ટીઓ થવા લાગી હતી. પરિવારજનોને શંકા જતા પૂછપરછ કરતાં કિરણબેને પોતે ઝેરી દ્રવ્ય પી લીધું હોવાની કબૂલાત કરી હતી. ઘટનાની ગંભીરતા સમજતા પરિવારજનોએ તાત્કાલિક તેને નજીકની હોસ્પિટલમાં ખસેડી હતી. ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રેફર કરવામાં આવી હતી. જોકે, તમામ પ્રયત્નો છતાં કિરણબેનને બચાવી શકાય નહોતી અને વહેલી સવારે તેનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફ દ્વારા બાબરા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે બનાવની નોંધ લઈ વધુ તપાસ હાથ ધરી છે.
કિરણબેન બે ભાઈ અને બે બહેનમાં બીજા ક્રમે હતી. તેમના પિતા ખેતમજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. કિશોરીએ આટલું ગંભીર પગલું શા માટે ભર્યું તે અંગે પરિવારજનો સંપૂર્ણ અજાણ હોવાનું જણાવી રહ્યા છે.
આ ઘટનાએ પરિવારને ગાઢ શોકમાં મૂકી દીધો છે, જ્યારે ગામમાં પણ ભારે વ્યથા અને ચકચાર જોવા મળી રહી છે. પોલીસે આ મામલે વિવિધ દિશામાં તપાસ શરૂ કરી છે જેથી આપઘાત પાછળનું ચોક્કસ કારણ જાણી શકાય.


