વિંછીયાના મોટી લાખાવાડમાં બાંધકામ કોન્ટ્રાક્ટરને જાનથી મારી નાંખવાની ધમકી
ટ્રેક્ટરના ફેરાના રૂ.8 હજારના વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના મોટી લાખાવાડ ગામમાં નાણાકીય લેવડદેવડના મામલે ઉગ્ર વિવાદ સર્જાયો છે. ટ્રેક્ટરના ફેરાના બાકી પૈસા મુદ્દે ગામના જ એક શખ્સે કન્સ્ટ્રક્શનના ધંધાર્થીને જાનથી મારી નાંખવાની ધમકી આપતા મામલો પોલીસ સુધી પહોંચ્યો છે.
મોટી લાખાવાડ ગામે રહેતા 26 વર્ષીય ધવલભાઈ ગુણવંતભાઈ વાલાણીએ આ મામલે વિંછીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં તેમણે ગામના જ મનીષ હીરા વાલાણી સામે ગંભીર આક્ષેપો કર્યા છે.
ફરિયાદ મુજબ, આશરે ચાર મહિના અગાઉ ધવલભાઈએ પોતાની વાડીમાં જેસીબી અને ટ્રેક્ટરની મદદથી ધૂળ પુરાણનું કામ કરાવ્યું હતું. આ કામ દરમિયાન મનીષ વાલાણીના ટ્રેક્ટરના ફેરા કરવામાં આવ્યા હતા, જેના રૂ.8 હજાર ચૂકવવાના બાકી રહ્યા હતા.
આ બાબતને લઈને ત્રણ મહિના પહેલા ધવલભાઈ પોતાના મિત્રો સાથે ગામના બસ સ્ટેન્ડ નજીક ઉભા હતા ત્યારે મનીષ વાલાણી ત્યાં બાઇક પર આવ્યો હતો અને પૈસાની ઉઘરાણી કરી હતી. તે સમયે ધવલભાઈએ જણાવ્યું હતું કે, તેમને મનીષને રૂ.8 હજાર આપવા છે, પરંતુ તેમના મોટા ભાઈ મહેશભાઈ પાસેથી એટલી જ રકમ લેવાની બાકી છે, જેથી બંને ભાઈઓ પરસ્પર હિસાબ સમજી લે તો પોતાને અલગથી કોઈ લેવાદેવા નહીં રહે.
આ જવાબ સાંભળતા જ મનીષ વાલાણી ઉશ્કેરાઈ ગયો હતો અને ધવલભાઈને ધમકી આપતા કહ્યું હતું કે, તું મને મારા રૂપિયા નહીં આપે તો તને જાનથી મારી નાખીશ. આ ધમકીથી ધવલભાઈ ગભરાઈ ગયા હતા અને તેમણે થોડા દિવસોમાં રૂપિયા આપી દેવાની ખાતરી આપી હતી. તેમ છતાં મનીષે ધમકીભર્યો વલણ જાળવી રાખ્યું હતું.
ફરિયાદ મુજબ, ત્યારબાદ પણ મનીષ વાલાણી વારંવાર ધવલભાઈના મિત્રો સમક્ષ કહેતો હતો કે તે ધવલને જાનથી મારી નાખશે. સતત મળતી આ ધમકીઓથી પરેશાન થઈ અંતે ધવલભાઈએ પોલીસનો આશરો લીધો હતો.
વિંછીયા પોલીસે ફરિયાદના આધારે મનીષ વાલાણી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક રીતે આ મામલો નાણાકીય વિવાદનો હોવાનું સામે આવ્યું છે, પરંતુ ધમકી આપવાના મુદ્દાને ગંભીરતાથી લઈ પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે.


