ચૂંટણીના ગણતરીના દિવસો બાકી છે ત્યાં રાજકોટમાં ઠેર-ઠેર લોકોએ બતાવેલો આકરો મીજાજ
શિવમ પાર્કમાં થાળી વગાડી નેતાઓના વચનોનો વિરોધ
વોર્ડ નં.૯માં ૧૫૦ ફૂટ રીંગરોડ પરની શિવમ પાર્ક અને કિસ્મતનગરના રહેવાસીઓ રસ્તા પર ઉતર્યા : રોડ રસ્તા અને પાણી ભરાવા સહિતની પ્રાથમિક સુવિધાના અભાવથી ત્રાહિમામ
અગ્ર ગુજરાત, રાજકોટ
સ્થાનિક સ્વરાજયની ચૂંટણીના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. નેતાઓ દ્વારા ડોર ટુ ડોર પ્રચારનો પ્રારંભ કરવામાં આવ્યો છે. પ્રચાર દરમિયાન નેતાઓને મતદારોના આકરા મીજાજનો સામનો કરવો પડી રહ્યો છે. વોર્ડ નં.૯માં પ્રાથમિક સુવિધાના અભાવે લોકો રસ્તા પર ઉતર્યા હતાં અને થાળી વગાડીને પોતાનો વિરોધ વ્યકત કરવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ રાજકોટના 150 ફૂટ રીંગરોડ ઉપર આવેલ શિવમ પાર્ક અને કિસ્મતનગરના રહેવાસીઓ વોર્ડ નંબર ૯માં થાળી વગાડી અને વિરોધ કર્યો હતો. રોડ, રસ્તા અને પાણી ભરાવા સહિતની પ્રાથમિક સુવિધાના અભાવથી ત્રાહિમામ પોકારી ઉઠેલા રહેવાસીઓએ રસ્તા પર ચક્કાજામ કરી અને થાળી વગાડી હતી. તેમજ આવનારા સમયમાં સુવિધા નહીં મળે તો પછી અમારે કોને મત દેવો તે નક્કી કરવું પડશે. વોર્ડ નંબર ૯ના કોર્પોરેટરો અહીં ફરકતા પણ નથી અને જો પ્રચાર કરવા આવે તો આગળથી જ નીકળી જાય છે. વારંવાર રજૂઆત કરવા છતાં અમારી રજૂઆત કોઈ સાંભળતું નથી. ઓનલાઇન, મૌખિક અને લેખિત રજૂઆત પણ કરી છે. પરંતુ હજી સુધી નિરાકરણ ન આવતા આ વખતે મતદાનનો બહિષ્કાર પણ કરી શકી છીએ તેવી ચીમકી ઉચ્ચારી હતી.
વધુમાં સ્થાનિકોએ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી ઉપરોકત સમસ્યાથી તોબા પોકારી ઉઠયા છીએ અનેક વખત રજુઆત કરવા છતાં પણ તંત્ર કે સ્થાનિક વોર્ડના ચૂંટાયેલા નેતાઓ દ્વારા પણ આજ સુધી પ્રાથમિક જરૂરીયાતોનું નિવારણ નહી લાવતા ના છૂટકે વિરોધનું સશસ્ત્ર ઉગામવું પડયું છે. નેતાઓ ચૂંટણી સમયે માત્ર પ્રચાર-પ્રસાર કરવા આવે છે અને લોકોની સમસ્યાના નિરાકરણના ઠાલા વચનો આપી જતાં રહે છે. ત્યારબાદ રજુઆત કરવા છતાં સ્થાનિક લોકોને પણ તંત્ર અને નેતાઓના કડવા અનુભવ થઇ રહ્યાં છે. રજુઆત કરવા જતાં લોકોને ઉડાઉ જવાબો આપવામાં આવે છે અને નિરાકરણના માત્ર આશ્વાસનો આપવામાં આવી રહ્યાં હોવાની વ્યથા સ્થાનિકોએ ઠાલવી હતી.
વધુમાં લોકોએ જણાવ્યું હતું કે ચૂંટણીનો માહોલ જામ્યો છે અને પોતાને નેતા તરીકે પ્રસ્થાપિત થવું છે. તેથી તેઓ પ્રચાર કરવા માટે આવે છે. પરંતુ આજ સુધી અમારી સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી. તેથી ચૂંટણી લડતા નેતાઓને એટલું જ કહેવાનું રહે છે કે પ્રચાર કર્યા વગર જ પાછા જતાં રહો. છેલ્લા ઘણા સમયથી વોર્ડ નં.૯ના શિવમ પાર્ક અને કિસ્મતનગરમાં રોડ-રસ્તાની સુવિધા નહી હોવાના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેમજ ચોમાસા દરમિયાન ઉપરાંત અવાર-નવાર ગટરો છલકાતા પાણીનો ભરાવો થઇ રહ્યો છે. આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા માટે લાવવા માટે અનેક વખત રજુઆત કરવા છતાં પણ લોકોને નિરાશા સાંપડી છે અને આ સમસ્યાથી લોકોને ભારે હાલાકી પડી રહી છે. આગામી દિવસોમાં નિરાકરણ કરવામાં નહી આવે તો મતદાનનો બહિષ્કાર પણ કરી શકીએ છીએ તેવી અંતમાં ચીમકી ઉચ્ચારી હતી.


