રાજકોટના આંગણે આજથી નવ દિવસીય “ગૌધામ શિવ કથા”ના રૂડા ઓવારણા
જય સરદાર ગૌશાળાના ૨૫ વર્ષ પૂર્ણ થતા રજત જયંતી વર્ષ નિમિત્તે કથાનો પ્રારંભ
લોકસાહિત્યકાર રાજભા ગઢવી, અલ્પા પટેલ અને યોગિતા પટેલ સહિતના જેવા નામી કલાકારો જમાવશે ભક્તિની રમઝટ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટના કોઠારીયા વિસ્તારમાં ગૌસેવાની સરવાણી વહાવતા *’જય સરદાર ગૌસેવા સમાજ ટ્રસ્ટ’* દ્વારા સંસ્થાના ૨૫ વર્ષના સફળ સંચાલન અને ગૌસેવા યજ્ઞ નિમિત્તે એક અત્યંત ભવ્ય અને દિવ્ય *”ગૌધામ શિવ કથા” તથા “સાંસ્કૃતિક મહોત્સવ”*નું આયોજન કરવામાં આવ્યું છે.જે મવડી વિસ્તારમાં ભવ્ય ડોમ ઉંભા કરવામાં આવ્યું છે .
આજ તા.૨૩-૪-૨૦૨૬, ગુરુવારના રોજ સવારે ૮:૦૦ કલાકે પ્રગટેશ્વર મહાદેવ મંદિરથી વાજતે-ગાજતે ભવ્ય પોથીયાત્રા નીકળી હતી. જયારે કથાનો સમય દરરોજ બપોરે ૩:૦૦ થી ૬:૦૦ વાગ્યા સુધીનો રહેશે. જેમાં શિવ ચરિત્રની સાથે ગૌમહિમાનું અમૃતપાન ભક્તોને કરાવવામાં આવશે. કથા દરમિયાન શિવ-પાર્વતી વિવાહ અને સતી પ્રાગટ્ય જેવા પ્રસંગો ધામધૂમથી ઉજવાશે.
કથાની સાથે દરરોજ રાત્રે ૮:૦૦ કલાકે ‘દિવ્ય ભક્તિ સંધ્યા’નું આયોજન છે. જેમાં ગુજરાતના નામી કલાકારો જેવા કે રાજભા ગઢવી, અલ્પા પટેલ, યોગિતા પટેલ, હિતેશ અંટાળા અને શ્રુતિ પટેલ* પોતાની કલા પીરસશે. આ ઉપરાંત જયપુરની પ્રખ્યાત ‘રામ દીવાના ટીમ’ દ્વારા શિવ તાંડવ અને ભક્તિ નૃત્ય રજૂ કરવામાં આવશે.
ટ્રસ્ટના ચેરમેન ગોરધનભાઈ લક્કડ અને પ્રમુખ શ્રી ડાયાભાઈ અકબરીએ જણાવ્યું હતું કે, “અમારી ગૌશાળામાં 2000 થી વધુ ગાયોનું સંતાન સમાન જતન કરવામાં આવે છે. આ કથાનો મુખ્ય હેતુ ગૌસેવા દ્વારા ભારતીય સંસ્કૃતિના મૂલ્યોને જીવંત રાખવાનો છે. આ મહોત્સવમાં દરરોજ સાંજે ૬:૦૦ વાગ્યે તમામ ભક્તો માટે મહાપ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
આ ભગીરથ કાર્યમાં ખોડલધામ ટ્રસ્ટ (કાગવડ), સરદાર પટેલ સોશિયલ ગ્રુપ તથા અન્ય સેવાભાવી સંસ્થાઓ પણ સહયોગી બની છે. રાજકોટ અને આસપાસના ધર્મપ્રેમી જનતાને આ ત્રિવેણી સંગમ સમાન મહોત્સવમાં સહપરિવાર પધારવા જય સરદાર ગૌસેવા સમાજ ટ્રસ્ટ – કોઠારીયા દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.


