અમરેલીના રાંઢીયામાં ગીરગંગા દ્વારા જળસંચય જાગૃતિ બેઠક સંપન્ન
પાણીની સમસ્યાના કાયમી ઉકેલ માટે લોકો સાથે ચર્ચા
અગ્ર ગુજરાત, રાજકોટ
અમરેલી જિલ્લાના અમરેલી તાલુકાના રાંઢીયા ગામે જળસંચયના ઉમદા હેતુ સાથે તાજેતરમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા એક ભવ્ય જળસંચય જાગૃતિ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગ્રામજનોને જળશક્તિનું મહત્વ સમજાવવા અને આગામી સમયમાં પાણીની સમસ્યાના કાયમી ઉકેલ માટે પાયાની ચર્ચાઓ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ સખીયાએ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનોને સંબોધતા જણાવ્યું હતું કે, એ માત્ર કુદરતી સંપત્તિ નથી, પણ આપણી આવનારી પેઢીનું ભવિષ્ય છે. જો આપણે આજે ‘ગામનું પાણી ગામે અને સીમનું પાણી સીમમાં’ રોકવાનો સંકલ્પ નહીં કરીએ, તો ભવિષ્યમાં ખેતી અને પશુપાલન માટે ગંભીર સંકટ ઉભું થશે.
દિલીપભાઈ સખીયાએ નિર્દેશ કર્યો હતો કે, વરસાદી પાણીને જમીનમાં ઉતારવા માટે ખેત તલાવડી, બોર રિચાર્જ અને ચેકડેમ જેવા માધ્યમો અપનાવવા અનિવાર્ય છે. જમીનમાં પાણીના તળ ઊંચા આવશે, ત્યારે જ સૌરાષ્ટ્ર અને ગુજરાત સાચા અર્થમાં સમૃદ્ધ બનશે. જળસંચય એ કોઈ વ્યક્તિગત કાર્ય નથી, પણ એક સામાજિક જવાબદારી છે અને સમૂહશક્તિ દ્વારા જ આપણે આ જળક્રાંતિને સફળ બનાવી શકીશું.
આ બેઠકમાં ગામના અગ્રણીઓ કુકાવાવ તાલુકા કમિટીના પ્રમુખ અરવિંદભાઈ ડોબરિયા, રમેશભાઈ ધાનાણી સરપંચ અરવિંદભાઈ કાકડિયા, કેશુભાઈ રોકડ, લાલભાઈ રોકડ, કલ્યાણભાઈ માંડાણી સહિતના મહાનુભાવો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમ દરમિયાન ગ્રામજનોમાં જળસંચય પ્રત્યે અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને સૌએ સાથે મળીને પાણી બચાવવા તેમજ જમીનમાં ઉતારવા માટેના પ્રયત્નોમાં સહભાગી થવાનો કોલ આપ્યો હતો.


