આજ સાંજથી ચૂંટણીનો શોર શાંત, અંદરખાને રાજકીય ચેસ શરૂ
સૌરાષ્ટ્ર ગુજરાતમાં અંતિમ 48 કલાકમાં રાજકીય તડજોડ અને વ્યૂહરચનાઓ તેજ થશે ; હવે ઘરેઘરે મત માટે મથામણ, અંતિમ ક્ષણોમાં સમીકરણો બદલાશે
૯૨૭૪ બેઠકો માટે મતદાન પૂર્વે સઘન સુરક્ષા માટે તંત્ર સજ્જ
આકરી ગરમી અને મતદારોના મૌન, વિરોધે ઉમેદવારો-પક્ષોને મૂંઝવ્યા
છેલ્લી ઘડીના મતદારોને રીઝવવા માટે રાજકીયપક્ષો હવે ખાટલા અને ઓટલા બેઠકોનો સહારો લેશે
અગ્ર ગુજરાત, રાજકોટ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલો ચૂંટણી પ્રચાર આજે સાંજે વિધિવત રીતે શાંત પડી જશે. જાહેર પ્રચાર પર પ્રતિબંધ આવતાની સાથે જ હવે રાજકીય પક્ષોના ભોંગળાઓ અને જાહેર સભાઓનો ઘોંઘાટ થંભી જશે. ચૂંટણી પંચના નિયમો અનુસાર મતદાનના 48 કલાક પહેલા જાહેર પ્રચાર પ્રસાર કરી શકાતો નથી, જેના પગલે હવે ઉમેદવારો કે પક્ષો લાઉડસ્પીકર, રેલીઓ કે મોટી સભાઓ ગજવી શકશે નહીં.
પ્રચારના પડઘમ શાંત થતાની સાથે જ રાજકીય ગરમાવો ઘટવાને બદલે હવે આંતરિક વ્યૂહરચનાઓ તેજ બનશે. દિગ્ગજ નેતાઓ અને સ્થાનિક આગેવાનો હવે છેલ્લી ઘડીના મતદારોને રીઝવવા માટે ખાટલા બેઠકો અને ઓટલા બેઠકોનો સહારો લેશે. આ ગુપ્ત બેઠકોમાં મતદાનના દિવસે વધુમાં વધુ મતદાન કેવી રીતે કરાવવું અને વિરોધીઓના ગઢમાં કેવી રીતે ગાબડું પાડવું તેની અંતિમ રણનીતિ નક્કી કરવામાં આવશે. ખાસ કરીને ગ્રામ્ય અને શહેરી વિસ્તારોના મહોલ્લાઓમાં હવે વ્યક્તિગત સંપર્ક પર વધુ ભાર મૂકવામાં આવશે.
વહીવટી તંત્ર પણ હવે એક્શન મોડમાં આવી ગયું છે. પ્રચાર શાંત થયા બાદ તંત્ર દ્વારા મતદાનની પ્રક્રિયાને લઈને તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જિલ્લા ચૂંટણી અધિકારીઓ અને પોલીસ તંત્ર દ્વારા સંયુક્ત રીતે સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી છે. સંવેદનશીલ મતદાન મથકો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને ઈવીએમ મશીનોને સ્ટ્રોંગ રૂમમાંથી મતદાન મથકો સુધી પહોંચાડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવશે. ચૂંટણી ફરજ પરના કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન અને સામગ્રીની ફાળવણી કરી દેવામાં આવશે. આચારસંહિતાનો ભંગ ન થાય તે માટે ફ્લાઈંગ સ્ક્વોડ અને સ્ટેટિક સર્વેલન્સ ટીમ સતત કાર્યરત રહેશે.
હવે સૌની નજર મતદાનના દિવસ પર છે, જ્યાં જનતા જનાર્દન પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરશે. આ વખતે ગરમીનો પારો ખુબ ઊંચો ચઢ્યો છે મતદાનના દિવસે પણ આકરી ગરમી પાડવાની આગાહી કરવામાં આવી છે ત્યારે વધુ મતદાન થાય તે માટે વિવિધ પક્ષો અને તંત્રએ પણ મહેનત વધારી છે. 26 તારીખે સવારથી મતદાન પ્રક્રિયાનો આરંભ થશે.
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટે રવિવારે મતદાન યોજવાનું છે.તેના પહેલા મતદારો પોતાના વતી કોને પાલિકા-પંચાયતના વહિવટનો, ટેક્સના ઉપયોગનો અધિકાર સોંપવો તે વિચારી શકે એ હેતુસર લોકતાંત્રિક વ્યવસ્થામાં 48 કલાકનો શાંતિ સમય મળે છે.એટલા માટે આજે સાંજના છ કલાકથી ઉમેદવારો-રાજકીય પક્ષોને જાહેરમાં પ્રચાર પડધમ શાંત કરવા પડશે. આજે સાંજે પ્રચાર પડધમ શાંત થઈ જશે.રવિવારે 9274 બેઠકો પર 25551 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે.
શહેરી સંસ્થાઓમાં જ્યાં આખેઆખા વોર્ડમાંથી ચાર ઉમેદવારો અને ગ્રામિણક્ષેત્રોમાં જિલ્લા પંચાયતની બેઠક અને તેના હેઠળના તાલુકા મતદાર મંડળોના તમામ સભ્યો બિનહરિફ થયા છે. તેવા ક્ષેત્રોમાં મતદાન થશે નહીં. 731 બિનહરિફ બેઠકો પૈકી ઊંઝા, ગણદેવી જેવી નગરપાલિકાઓના નવ વોર્ડના ચારેય ઉમેદવારો એમ કુલ મળીને 36 ઉમેદવારો બિનહરિફ હોવાથી પાલિકાઓના ત્રણ લાખ મતદારોને મતાધિકાર મળશે નહી.જયારે પંચાયતોમાં જિલ્લા પંચાયતની એક બેઠક હેઠળ તાલુકા પંચાયતોની તમામ બેઠકો બિનહરિફ હોય તેવા 16 જેટલા મતદાર મંડળો હોવાથી ગ્રામિણક્ષેત્રે 13 લાખ મતદારોને ચૂંટણીમાં પોતાના અધિકારનો ઉપયોગ કરી શકશે નહી.જો કે,જે શહેરી સંસ્થામાં સમગ્ર વોર્ડ બિનહરિફ જાહેર થયો નથી ત્યા મતદારોને એક, બે કે ત્રણ ઉમેદવારો ચૂંટવાની તક મળશે.
15 લાખ મતદારો મતાધિકારથી વંચિત
ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ 731 ઉમેદવારો બિનહરીફ જાહેર થઈ ગયા છે. ઊંઝા અને ગણદેવી જેવી નગરપાલિકાઓના નવ વોર્ડના ચારેય ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે, જેના કારણે પાલિકાના ત્રણ લાખ મતદારો મતદાન કરી શકશે નહીં.
બીજી તરફ, ગ્રામીણ ક્ષેત્રોમાં જિલ્લા પંચાયતની એક બેઠક હેઠળ તાલુકા પંચાયતોની તમામ બેઠક બિનહરીફ હોય તેવા 16 જેટલા મતદાર મંડળો છે, જેથી ત્યાંના 13 લાખ મતદારો પણ મતદાનના અધિકારનો ઉપયોગ કરી શકશે નહીં. આ રીતે કુલ 15 લાખથી વધુ મતદારો રવિવારે ચૂંટણી હોવા છતાંયે વોટ આપી શકશે નહીં.
આ ચૂંટણીની સૌથી મોટી અને ચોંકાવનારી બાબત છે કે આશરે 15 લાખથી વધુ મતદારોને મતદાન કરવાનો મોકો મળશે નહીં. જોકે, જે શહેરી સંસ્થામાં સમગ્ર વોર્ડ બિનહરીફ જાહેર થયો નથી ત્યાં મતદારોને એક, બે કે ત્રણ ઉમેદવારો ચૂંટવાની તક મળશે.
શહેરી અને ગ્રામીણ મતદારો માટે મતદાનના નિયમો
ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાનની પ્રક્રિયા માટે ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ખાસ નિયમો નક્કી કરવામાં આવ્યા છે.
- શહેરી મતદારો: રાજ્યના 1.40 કરોડ શહેરી મતદારોએ પાલિકાઓમાં વધુમાં વધુ ચાર વોટ આપ્યા પછી EVMમાં પાંચમું ‘રજિસ્ટ્રેશન’ (મતદાનની નોંધણી) બટન ફરજિયાતપણે દબાવવાનું રહેશે.
- ગ્રામીણ મતદારો: ગ્રામીણ ક્ષેત્રમાં 2.61 કરોડથી વધારે નાગરિકોને મતાધિકાર ઉપલબ્ધ છે. આ મતદારોએ તાલુકા અને જિલ્લા પંચાયતના બંને પ્રતિનિધિઓ ચૂંટવા માટે એક જ મતદાન કેન્દ્રમાં બે અલગ-અલગ બુથમાં (મતદાન કુટીરમાં) જઈને મતાધિકારનો ઉપયોગ કરવાનો રહેશે.
ત્રણેય પક્ષના .મેદવાર
ભારતીય જનતા પાર્ટી – ૯૨૬૮ ઉમેદવાર
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ – ૮૪૭૬ ઉમેદવાર
આમ આદમી પાર્ટી – ૫૨૭૬ ઉમેદવાર
ઉમેદવારો પર હવે મદાર રહ્યો
આ વખતે પ્રથમ વખત સ્થાનિક સ્વરાજયની ચુંટણીઓમાં ભાજપ-કોંગ્રેસ સામે આમઆદમી પાર્ટીએ પણ 70 ટકાથી વધુ બેઠકો ઉપર ઉમેદવારો ઉભા રાખીને ત્રિપાંખીયો જંગ છેડયો છે. સામાન્ય રીતે ત્રિપાંખીયા જંગમાં મતદારોનો ઉત્સાહ વધતો હોય છે પરંતુ ગુજરાતમાં કયાંય મતદારોનો જોઇએ તેવો ઉત્સાહ દેખાયો નથી. માત્ર રાજકીય પક્ષોના અને ઉમેદવારોના કાર્યાલયોએ સાંજથી મોડી રાત સુધી ખાણી-પીણીના તાવડાઓ સિવાય કયાંય પ્રચારમાં પણ ગરમાવો દેખાયો નથી તેથી ઉમેદવારો અકળાયા છે. હવે ચુંટણીમાં શું પરિણામો આવે છે તે જોવાનું રહ્યું. આ વર્ષે ચુંટણી સમયે જ આકરી ગરમી પણ પડી રહે છે અને મતદાનના દિવસે જ હિટવેવની આગાહી છે તેથી મતદારોને ઘર બહાર કાઢવા એ પણ મોટો પડકાર છે.
પાંચ રાજ્યોની ચૂંટણીમાં રાષ્ટ્રીય નેતાઓ વ્યસ્ત
ગુજરાતમાં 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતોની ચૂંટણી છે અને 4.19 કરોડ જેટલા મતદારો હોવા છતાં ભાજપ-કોંગ્રેસના કોઇ રાષ્ટ્રીય નેતાઓ ગુજરાતમાં પ્રચાર માટે આવ્યા નથી. ભાજપ દરેક ચુંટણીઓમાં રાષ્ટ્રીય નેતાઓની ફોજ ઉતારતુ હોય છે. આ ઉપરાંત વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમીત શાહ પણ સભાઓ સંબોધતા હોય છે. જયારે કોંગ્રેસમાંથી પણ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી જેવા નેતાઓ આવતા હોય છે. પરંતુ આ વખતે પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આસામ, કેરલા, પોંડીચેરીની વિધાનસભાની ચૂંટણી પણ સાથે જ હોવાથી રાષ્ટ્રીય નેતાઓએ તેમાં ધ્યાન આપ્યુ છે અને ગુજરાતમાં ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થયા બાદ કોઇ રાષ્ટ્રીય નેતાઓ પ્રચારમાં આવ્યા નથી
સોશ્યલ મીડિયા પોસ્ટ પણ ચૂંટણી ખર્ચમાં ગણાશે
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓને લઈને રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે, ચૂંટણી લડતા ઉમેદવારો દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફેર્મ પર કરવામાં આવતો પ્રચાર અને તેના પર થતો ખર્ચ મફ્ત નહીં રહે. પરંતુ તેને ઉમેદવારના સત્તાવાર ચૂંટણી ખર્ચના હિસાબમાં જોડવો પડશે. રાજ્ય ચૂંટણી આયોગના સચિવ આર. જી. ગોહિલ દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્ર મુજબ ઉમેદવારો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, એક્સ (ટ્વિટર) કે અન્ય ડિજિટલ માધ્યમો દ્વારા જે પ્રચાર કરે છે તેની વિગતો ચૂંટણી આયોગને આપવાની રહેશે.
આ બાબતે તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓ અને કલેક્ટરોને સૂચના આપી દેવામાં આવી છે. ચૂંટણી ખર્ચના હિસાબો રાખવા માટે જે નમૂના-‘ક’ ના ભાગ-2નું પત્રક હોય છે તેમાં ક્રમ-1 થી 40 સુધીના ખર્ચની વિગતો પહેલેથી નક્કી છે. સોશિયલ મીડિયા કે અન્ય ડિજિટલ માધ્યમો દ્વારા થતા પ્રચારનો ખર્ચ આ યાદીમાં ન હોવાથી હવે તેને ક્રમ નંબર 41 ‘પરચુરણ ખર્ચ’ હેઠળ દર્શાવવાનો રહેશે. ઉમેદવારોએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલર્સ, કન્ટેન્ટ ક્રિએશન અને પેઇડ પ્રમોશન પાછળ કરેલા ખર્ચનો હિસાબ સક્ષમ સત્તાધિકારી સમક્ષ રજૂ કરવો પડશે. વર્તમાન સમયમાં ડિજિટલ પ્રચારનું જોર વધ્યું છે ત્યારે ઉમેદવારો ચૂંટણી ખર્ચની મર્યાદાનું ઉલ્લંઘન ન કરે અને પ્રચારમાં પારદર્શિતા જળવાઈ રહે તે હેતુથી આ નિર્ણય લેવાયો છે. જો કોઈ ઉમેદવાર આ ખર્ચ છુપાવશે તો ચૂંટણી પંચના નિયમો અનુસાર તેમની સામે કાર્યવાહી થઈ શકે છે.


