ભાજપની વોર્ડ વાઇઝ રેલીમાં ૭ નંબરના ઉમેદવારો નહી જોડાતા અનેક તર્ક-વિર્તક
પ્રચાર પડઘમ શાંત થાય તે પૂર્વે ૧૮ વોર્ડમાં બાઇક રેલી : નેહલ શુકલ સહિત ચાર ઉમેદવારો નહી જોડાતા મુદ્દો શહેરભરમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ત્રિપાંખિયા જંગ વચ્ચે પ્રચાર પડઘમ શાંત થાય તે પૂર્વે આજે શહેર ભાજપે તમામ વોર્ડમાં બાઈક રેલીનું આયોજન કર્યું હતું. જેમાં વોર્ડ નં. 2ના ઉમેદવારોને જીતાડવા માટે શહેર ભાજપ પ્રમુખ બુલેટ ચલાવીને એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. રાજકોટ મનપાના તમામ વોર્ડમાં પ્રચાર માટે બાઈક રેલીનું આયોજન થયું હતું.
પરંતુ તેમાં અમુક વોર્ડ ન જોડાતા આશ્ચર્ય જનમ્યું હતું. જેમ કે વોર્ડ નં. 7ના ઉમેદવારોઓએ રેલી કાઢવામાં ન આવતા આશ્ચર્ય જનમ્યું હતું. અહીં સ્થાનિક કક્ષાએથી ટિકિટ ન મળતા પ્રદેશ કક્ષાએથી ટિકિટ લઈ આવતા ડૉ. નેહલ શુક્લા સહિત 4 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે
રાજકોટ શહેર ભાજપ પ્રમુખ માધવ દવેએ જણાવ્યું હતું કે, ચૂંટણીના બે જ દિવસ બાકી હોય ત્યારે ભારતીય જનતા પાર્ટી તેની સંપૂર્ણ તૈયારી પૂર્ણ રીતે પૂરી કરી ચૂકી છે. અમારા કાર્યકર્તાઓમાં જબરદસ્ત ઉત્સાહ છે. કાર્યકર્તાઓ ભારતીય જનતા પક્ષની વિચારધારાને લોકો વચ્ચે લઈ ગયા છે અને લોકોનો પૂરો હકારાત્મક પ્રતિસાદ મળવાથી ભારતીય જનતા પાર્ટીની જીત નિશ્ચિત છે ત્યારે અમે દર વખતની અમારી પરંપરાની પ્રણાલી મુજબ આજે પ્રચાર પડઘમ શાંત થાય તે પૂર્વે 18 વોર્ડમાં બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. તમામ કાર્યકર્તાઓ આ રેલીમાં ઉત્સાહ સાથે ભાગ લઈ રહ્યા છે. વોર્ડનો એક પણ વિસ્તાર આજે બાકી નહીં રાખીશું અને ભારતીય જનતા પક્ષનો કમળ ચારે બાજુ ફરકી ઉઠે તે માટે અમે પ્રયત્ન કરશું.
રાજકોટ શહેરમાં 24 એપ્રિલના સાંજે 5:00 વાગ્યા બાદ પ્રચાર પડઘમ શાંત થઈ જવાના છે, ત્યારે શહેર ભાજપ દ્વારા રાજકોટના તમામ વોર્ડમાં બાઈક રેલી કાઢવામાં આવી હતી. જે દરમિયાન 18 વોર્ડના ઉમેદવારો અને તેમની સાથે ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતાં.
રાજકોટના અલગ અલગ વિસ્તારોમાં ભાજપના કાર્યકર્તાઓ બાઈક લઈને પહોંચ્યા હતા અને ડીજેના સથવારે કમળને મત આપવા માટે અપીલ કરતું ગીત વગાડ્યું હતુ. જોકે આ સમયે ડીજે પર ગીત ન વાગતા વોર્ડ નં. 2માં કોર્પોરેટર તરીકે ચૂંટણી લડતા ભાજપના યુવા ઉમેદવાર ધૈર્ય પારેખ ડીજે વગાડનાર પર ગરમ થઈ ગયા હતા અને રકઝક કરી હતી.


