આભથી વરસતા અગનગોળાથી ત્રાહીમામ લોકો માટે રાહતરૂપ
ચોમાસુ વહેલુ! મેના અંત સુધીમાં વરસાદ ધમરોળવા લાગશે
મે મહિનાની તા.૧૮ થી ૨૫ની વચ્ચે ચોમાસાની શરૂઆતની આગાહી : બંગાળની ખાડીમાં સર્જાઇ રહેલી સિસ્ટમ અને પવનની ગતિથી સામાન્ય કરતા ૬૦ મીમી વધુ વરસાદ પડવાની સંભાવના : હવામાન વિભાગની ઠંડક આપતી આગાહી
અગ્ર ગુજરાત, રાજકોટ
હાલમાં ગુજરાત સહિત સમગ્ર દેશમાં સૂર્યદેવતા લાલચોળ થયા છે અને આકરી ગરમીના કારણે જનજીવન બેહાલ બન્યું છે. એપ્રિલ મહિનામાં જ પારો 44 ડિગ્રીને પાર કરી ગયો છે, ત્યારે લોકો હવે આતુરતાથી મેઘરાજાના આગમનની રાહ જોઈ રહ્યા છે. આ કાળઝાળ ગરમીઅને લૂ વચ્ચે ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા રાહતના મોટા સમાચાર આપવામાં આવ્યા છે. હવામાન વિભાગના લેટેસ્ટ અનુમાન મુજબ, આ વર્ષે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું નિર્ધારિત સમય કરતા વહેલું ભારતમાં દસ્તક આપી શકે છે.
સામાન્ય રીતે ચોમાસાનું આગમન જૂન મહિનામાં થતું હોય છે, પરંતુ આ વખતે વેધર મોડલ્સ સંકેત આપી રહ્યા છે કે મે મહિનાના અંત સુધીમાં જ દક્ષિણ ભારતમાં વરસાદી માહોલ જામી જશે. આ આગાહીથી ખેડૂતો અને સામાન્ય જનતામાં ખુશીની લહેર જોવા મળી રહી છે, કારણ કે વહેલા વરસાદને કારણે ગરમીથી તો રાહત મળશે જ, સાથે ખેતીકામમાં પણ સાનુકૂળતા રહેશે. હિંદ મહાસાગરમાંથી આવતા ભેજવાળા પવનો મજબૂત બની રહ્યા હોવાથી આ વર્ષે ચોમાસાની મજબૂત શરૂઆતના એંધાણ મળી રહ્યા છે.
ભારતમાં ચોમાસું સૌથી પહેલા આંદામાન અને નિકોબાર ટાપુઓ પર પહોંચતું હોય છે. હવામાન નિષ્ણાતોના મતે, આ વખતે 18 થી 25 મેની વચ્ચે ચોમાસાની શરૂઆત આંદામાનના દરિયામાં થઈ શકે છે. બંગાળની ખાડીમાં સર્જાઈ રહેલી સિસ્ટમ અને પવનોની ગતિ જોતા એવું લાગે છે કે અહીં સામાન્ય કરતા વધુ (30 થી 60 મીમી) વરસાદ પડી શકે છે. આ સિસ્ટમ સક્રિય થવાને કારણે ચોમાસું ઝડપથી આગળ વધવાની સંભાવના છે.
આંદામાનમાં આગમન બાદ 25 મે થી 1 જૂન વચ્ચે ચોમાસું કેરળના દરિયાકાંઠે ટકરાય તેવી શક્યતા છે. અરબી સમુદ્રમાં ફૂંકાતા તેજ પશ્ચિમી પવનો ભેજને સીધો ભારતના દક્ષિણ કિનારા તરફ ખેંચી લાવશે. આના કારણે કેરળ અને તમિલનાડુમાં સમય કરતા વહેલી વર્ષા શરૂ થઈ શકે છે. જો કેરળમાં ચોમાસું સમયસર કે વહેલું બેસે, તો તેની અસરરૂપે ગુજરાતમાં પણ જૂનના મધ્ય સુધીમાં મેઘરાજાની એન્ટ્રી થઈ શકે છે.
આ વર્ષે ચોમાસું મજબૂત રહેવાના કારણો
હવામાન વિભાગ મુજબ આ વખતે બે મહત્વના પરિબળો ચોમાસાની તરફેણમાં છે:
- પોઝિટિવ IOD (Indian Ocean Dipole): જ્યારે હિંદ મહાસાગરનો પશ્ચિમ ભાગ ગરમ હોય છે, ત્યારે તેને પોઝિટિવ IOD કહેવાય છે. આ સ્થિતિ ભારત તરફ વધુ ભેજ લાવે છે, જે મજબૂત વરસાદ માટે જવાબદાર છે.
- ટ્રોપિકલ સિસ્ટમ: આંદામાનની ઉત્તરે એક ખાસ વરસાદી સિસ્ટમ બનવાની 40 ટકા શક્યતા છે, જે ચોમાસાના પવનોને ખેંચી લાવવામાં મદદરૂપ સાબિત થશે.
ખેડૂતો અને જળ સંકટ માટે રાહતની આગાહી
દક્ષિણ ભારત અને પશ્ચિમ ભારતના ખેડૂતો માટે વહેલું ચોમાસું આશીર્વાદરૂપ સાબિત થશે. જળાશયોના તળિયા દેખાઈ રહ્યા છે ત્યારે વહેલા વરસાદથી પીવાના પાણીની સમસ્યા હળવી થશે અને વાવણી કાર્ય પણ ઝડપથી શરૂ કરી શકાશે. જોકે, હવામાન વિભાગ આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદ ક્યારે પહોંચશે તેની વધુ સચોટ વિગતો જાહેર કરશે.


