રાજકોટમાં ડ્રોનની મોટર બનાવતી કંપનીની ફ્રાન્સમાં યોજાનાર ઇનોવેટસમાં પસંદગી
ગુજરાતમાંથી એક માત્ર કંપની વિશ્વ ફલક પર ઝળહળશે : ઇન્ડેપ્રો ડાયનેમિકસની વૈશ્વિક છલાંગ
અગ્ર ગુજરાત, રાજકોટ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્વયં ઇન્ક્યુબેશન સેન્ટર હેઠળની રાજકોટની ઇન્ડેપ્રો ડાયનેમિક્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની વૈશ્વિક ફલક પર ઝળકવા જઈ રહી છે. ભારત અને ફ્રાન્સ વચ્ચેના જોડાણ સ્વરૂપે ભારત ઇનોવેટ્સ 2026 આગામી 14થી 16 જૂન દરમિયાન યોજાશે. જેમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનની ઉપસ્થિતિમાં દેશના શ્રેષ્ઠ 100 સ્ટાર્ટઅપનું ગ્લોબલ પ્રેઝન્ટેશન થવાનું છે. જે માટે મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં ગુજરાતમાંથી એક માત્ર રાજકોટની ડ્રોનની મોટર બનાવતી કંપનીની પસંદગી થઈ છે.
આ કંપની ડ્રોનની અલગ-અલગ 25 પ્રકારની મોટરનું નિર્માણ કરે છે. જેમાં સૌથી નાની 10 ગ્રામથી લઈ સૌથી મોટી 2 કિલોની ડ્રોન મોટરનું નિર્માણ થાય છે. 100 ગ્રામથી 100 કિલો સુધીના ડ્રોન માટેની મોટર બનાવતી કંપની હવે વૈશ્વિક ફલક પર ભારતનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહી છે. જે ચાઇના કરતા 95 ટકા વધુ વિશ્વાસપાત્ર છે.
ઇન્ડેપ્રો ડાયનેમિક્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના કો ફાઉન્ડર પરાગ જોબનપુત્રાએ દિવ્ય ભાસ્કર ડિજિટલને જણાવ્યું હતું કે, અમારી ડ્રોનની મોટર બનાવતી કંપની છે. અમને જણાવતા આનંદ થાય છે કે ભારત અને ફ્રાન્સના કોલાબ્રેશન સ્વરૂપે આગામી જૂન માસમાં ભારતના વડાપ્રધાન અને ફ્રાન્સના પ્રેસિડેન્ટની અધ્યક્ષતામાં ભારત ઈનોવેટ્સ પ્રોગ્રામ યોજાવાનો છે તેમાં ગુજરાતમાંથી મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રોમાં એકમાત્ર અમારી કંપનીની પસંદગી થઈ છે. ભારતના પ્રિન્સિપલ સાયન્ટિફિક એડવાઈઝર અને આઇઆઇટીની કોર કમિટી દ્વારા આ પસંદગી કરવામાં આવી છે. અમારા સહિત ભારતના 100 ઇનોવેટ્સ આ પ્રોગ્રામમાં ભાગ લેવા જઈ રહ્યા છે. તેની ખૂબ જ ખુશી છે અને તેથી અમે ભારત સરકારનો આભાર માનીએ છીએ.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્ટાર્ટ અપ એન્ડ એન્ટરપ્રિન્યોરશીપ કાઉન્સિલ (SUSEC) હેઠળ વિકસિત થયેલ Deep Tech સ્ટાર્ટઅપ IINDEPRO Dynamics Private Limited હવે વૈશ્વિક મંચ પર ભારતનું ગૌરવ વધારવા જઈ રહ્યું છે. તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના SUSEC દ્વારા ઇન્ક્યુબેટ થયેલી છે તેમજ આઇઆઇટી મંડીના I-HUB સાથે કો-ઇન્ક્યુબેટેડ છે. ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા આયોજિત પ્રતિષ્ઠિત ભારત ઇનોવેટ્સ 2026 માટે આ સ્ટાર્ટઅપની પસંદગી કરવામાં આવી છે. આ કાર્યક્રમ 14થી 16 જૂન 2026 દરમિયાન ફ્રાન્સના Nice શહેરમાં યોજાશે. જ્યાં વિશ્વભરના ઉદ્યોગપતિઓ, રોકાણકારો અને સંશોધન સંસ્થાઓ એકત્રિત થશે.
ભારત ઇનોવેટ્સ 2026 એ ભારતના હાયર એજ્યુકેશન ઇનોવેશન ઇકો સિસ્ટમમાંથી ઊભરતા શ્રેષ્ઠ Deep Tech સ્ટાર્ટઅપ્સને વૈશ્વિક સ્તરે રજૂ કરવાનો એક મહત્ત્વાકાંક્ષી કાર્યક્રમ છે. સમગ્ર દેશમાંથી સેંકડો સ્ટાર્ટઅપ્સમાંથી 100 જેટલા સ્ટાર્ટઅપ્સને અંતિમ તબક્કા માટે પસંદ કરવામાં આવ્યા છે. આ પસંદગીમાં IINDEPRO Dynamics Private Limited નો સમાવેશ થવો એ માત્ર કંપની માટે જ નહીં પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને ગુજરાત માટે ગૌરવની ક્ષણ છે.


